અંકલેશ્વર રુરલ પોલીસ સ્ટેશનમાં સરકારી શાળાના આચાર્યે વિદ્યાર્થીની સાથે શારીરિક અડપલાં કર્યા હોવાની પોલીસ ફરિયાદ બાદ આચાર્યની ચાવજ રોડ નજીક ઝાડ ઉપર લટકતી લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. ઘટના સંદર્ભે પોલીસ લાશનું પોસ્ટ મોટર્મ કરાવી મામલો હત્યા છે કે આત્મહત્યા તેની તપાસ શરુ કરી છે.
અંકલેશ્વરની સજોદ સાર્વજનિક હાઈસ્કૂલના ૪૯ વર્ષીય આચાર્ય વિરેન ઘડિયાળી ઉપર ૫ દિવસ પેહલા જ ધો.૧૦ ની છાત્રાને સ્કૂલે બોલાવી કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટના બાદ આચાર્ય લાપતા બન્યા હતા જેની ગુરૂવારે મોડી રાતે ભરૂચ-ચાવજ વચ્ચે આવેલા પગુથનણ ગામ નજીક વૃક્ષ ઉપર ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવી છે.
અંકલેશ્વર તાલુકાના સજોદ ગામની સાર્વજનિક હાઈસ્કૂલના આચાર્ય વીરેન ઘડિયાળીએ ધો. ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય વિદ્યાર્થીનીને વેકેશનમાં ગણિતના પુસ્તકો આપવાના બહાને પોતાની કારમાં બેસાડી શારીરિક અડપલાં કર્યા હોવાની ફરિયાદ રૂરલ પોલીસ મથકે ૫ દિવસ પેહલા નોંધાવવામાં આવી હતી.
અંકલેશ્વર રહેતા ૪૯ વર્ષીય આચાર્યની વૃક્ષ ઉપર લટકતી લાશ ભરૂચ-ચાવજ રોડ ઉપરથી મળી આવતા શિક્ષણ જગત હતપ્રત બન્યું છે. સી ડિવિઝન પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી છે. ઘટના સ્થળેથી પોલીસને એક ડાયરી પણ મળી છે. આ ડાયરીમાં શું લખવામાં આવ્યું છે હજુ તે હકીકત પોલીસે જોહેર કરી નથી જોકે પ્રાથમિક અનુમાન મુજબ બદનામીના કારણે આત્મહત્યા કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આત્મહત્યાની ઘટનાએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈની રાહબરી હેઠળ આખા મામલાની તપાસ ચાલી રહી છે. ઘટનામાં આચાર્ય ઉપર થયેલી ફરિયાદ અને ત્યાર બાદ તેમના લાપતા બનવા સહીત આત્મહત્યા કરી નાખવાની ઘટનાના તમામ પાસાઓની પોલીસે તપાસ હાથ ધરી એક પછી એક કડીઓ જોડી ઘટનાના મૂળ સુધી પહોંચવાની કવાયત હાથ ધરી છે.