બીજ-મસાલાની સજીવખેતીની માન્યતા માટે ઓછામાં ઓછા ત્રણ વર્ષ સુધી રાસાયણિક ખાતર, જંતુનાશક કે નિંદામણનાશક દવા ન વાપરવા અને અન્ય સજીવ ખેતીની રીતોનું અનુકરણ કરેલી હોય ત્યાર બાદ જ મરીમસાલા પેદાશોનું ઉત્પાદન ઓર્ગેનિક પ્રોડકટ તરીકે બજારમાં મૂકી શકાય.
સજીવ ખેતીના ફાયદાઃ
૧. ઉપયોગી સૂક્ષ્મ જીવાણુઓની સંખ્યા વધે છે. જેથી જમીન ફળદ્રુપ બને છે.
૨. જમીનમાં પોષક તત્વોના ચક્રો જેવા કે નાઈટ્રોજન ચક્ર, ફોસ્ફરસ ચક્ર, ગંધક ચક્ર વગેરે સજીવો દ્વારા ચાલતા હોય છે જે જમીનમાં જેતે તત્વોના સ્વરૂપ બદલી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે.
૩. સજીવો જમીનને છીદ્રાળુ બનાવે છે. જમીનની ભેજ ધારણશક્તિ તથા હવાની અવરજવરમાં વધારો કરી જમીનની ભૌતિક સ્થિતિ સુધારે છે.
૪. અળસિયા જેવા જીવો પાકના મૂળને જરૂરી એવા ઉત્સેચકો પુરા પાડે છે.
૫. સજીવ ખેતી અપનાવવાથી જળ, જમીન અને હવા શુધ્ધ રહે છે.
૬. સજીવ ખેતીથી વધારે પોષકતત્વો ધરાવતા અને સારી ગુણવત્તા ધરાવતા ઉત્પાદનો મેળવી શકીએ છીએ જેથી ઉત્પાદનોમાં વધુ ભાવ મળે છે.
૭. સજીવ ખેતીના ગૌણ ઉત્પાદનોનો ઉપયોગ કમ્પોસ્ટ ખાતર બનાવી, આ ખાતરનો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા જાળવી શકાય છે અને ઉત્પાદનમાં પણ વધારો કરી શકાય છે.
બીજ માવજતઃ ઝડપી અને સારા ઉગાવા માટે વરીયાળીને ૮ કલાક પાણીમાં પલાળી છાંયામાં સુકવી પછી વાવેતર કરવું.
સુકારા રોગના અસરકારક નિયંત્રણ માટે ૪ ગ્રામ ટ્રાઈકોડર્મા હરજીયમ ફુગનાશક દવા પ્રતિ કિલો બીજ દીઠ પટ આપવો.
નિંદામણ નિયંત્રણઃ મરીમસાલા પાકોમાં અસરકારક નિંદામણ નિયંત્રણ માટે જમીનનું સોલેરાઈઝેશન કે રાબીંગ કરવું જોઈએ. નિંદામણ નિયંત્રણ માટે નીચેના પગલા લેવા આવશ્યક છે.
૧. શેઢાપાળા અને ઢાળીયા નિંદામણ મુક્ત રાખવા.
૨. બીજ વાવતા પહેલા મજૂરોથી આગલા પાકના નિંદણો દુર કરવા.
૩. નિંદણમુક્ત બીજનું વાવેતર કરવું.
૪. ઉભા પાકમાં જયાં સુધી આંતરખેડ શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ કરવી.
૫. નિંદામણ ૩ થી ૪ વખત કે જરૂરિયાત મુજબ કરવું.
૬. છોડની બે હાર વચ્ચે પ્લાસ્ટિક મલ્ચનો શક્ય હોય તો ઉપયોગ કરવો.
વરીયાળીની કાપણી ૧૬૦ થી ૧૬૫ દિવસ (શિયાળુ) અને ૨૨૫ થી ૨૫૦ (ચોમાસુ) , કાપણી બાદ છાંયામાં સુકવણી કરવી.
વરીયાળીનું મૂલ્યવર્ધન કરીને સારી કમાણી કરી શકાય છે.
વરીયાળીનું શરબત બનાવી શકાય સાકર નાખીને જે પેટને ઠંડક આપે છે.
વરીયાળીનો ખારો અને મીઠો મુખવાસ બનાવી વેચવાથી નાણાકીય આવક સારી થાય છે.
વરીયાળી રેસાયુક્ત હોવાથી પાચન પણ સારૂ થાય છે.