સચિન પાઈલટને જુલાઈ મહિનામાં મુખ્યમંત્રી બનાવવામાં આવશે એવી અટકળ સેવાઈ રહી હતી, હાલ આ અટકળ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. રાહુલ ગાંધીએ સંકેત આપી દીધા છે કે નજીકના ભવિષ્યમાં રાજસ્થાનમાં મુખ્યમંત્રી બદલવામાં આવશે નહીં. રાહુલ ગાંધીએ ઓલ ઇંડિયા કાન્ગ્રેસ કમિટિની બેઠકમાં સાંસદો અને ધારાસભ્યોને સંબોધન કર્યું હતું.
તેમણે કહ્યું કે ઈડીના અધિકારીઓએ મને પૂછયું કે તમે અમારા સવાલોના જવાબ ખૂબ શાંતિથી આપ્યા, તમારામાં આટલી ધીરજ ક્યાંથી આવી? એક ચેર પર સતત ૧૧ કલાક બેસવા છતાં તમે થાક્યા નહીં, તેનું કારણ શું?
રાહુલ ગાંધીએ ઈડીના અધિકારીઓને જવાબ આપ્યો કે હું વિપશ્યના કરું છું એટલે મને થાક લાગતો નથી. જા કે મારી ધીરજનું રહસ્ય હું તમને જણાવીશ નહીં. તેમણે ધારાસભ્યો અને સાંસદોને સંબોધિત કરતાં કહ્યું કે હું સાલ ૨૦૦૪થી કાન્ગ્રેસમાં કામ કરી રહ્યો છું. કાન્ગ્રેસમાં કામ કરતાં નેતાઓમાં ધીરજ ન હોય તો બીજું શું હોય? મારી બાજુમાં સચિન પાઈલટ બેઠા છે, સિદ્ધારામૈયા બેઠા છે, સૂરજેવાલા બેઠા છે, આ બધામાં ધીરજ રહેલી છે. કાન્ગ્રેસ પાર્ટી આપણને થાકવા દેતી નથી અને ધીરજ રાખતાં શીખવે છે.
સચિન પાઈલટનું નામ લઈને રાહુલે સંકેત આપી દીધો કે નજીકના ભવિષ્યમાં તેમને સી.એમ. બનાવવાની કોઈ શક્યતા નથી, તેમણે હજુ ધીરજ રાખવાની છે. કાન્ગ્રેસ હાઈકમાન્ડની ગણતરી એવી હતી કે રાજ્ય સભાની ચૂંટણીમાં કાન્ગ્રેસને મળવાપાત્ર ત્રણમાંથી માત્ર બે જ બેઠક મળશે તો તે ઘટનાને મુદ્દો બનાવીને અશોક ગેહલોતને હટાવી દેવામાં આવશે, પરંતુ ગેહલોતે ભાજપની તમામ ચાલબાજીને નિષ્ફળ બનાવી રાજ્યસભાની ત્રણે-ત્રણ બેઠકો જીતી બતાવી છે આથી કાન્ગ્રેસ હાઈકમાન્ડના હાથ બંધાઈ ગયા છે. તે હાલ અશોક ગેહલોત સામે કોઈ પગલાં લઈ શકે તેમ નથી.