સાવરકુંડલા તાલુકાના બાઢડાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો લંપટ શિક્ષક વિપુલ નનુ વસોયા સગીર છાત્રાને પરીક્ષામાં પાસ કરાવવાની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ સુરતના કામરેજ પોલીસ મથકમાં નોંધાતા બાઢડા શાળાના ટ્રસ્ટી મંડળે લંપટ શિક્ષકને ફરજ મોકૂફ કરી દીધો હતો. સાવરકુંડલાના બાઢડા ગામે શાળામાં ભણતી સગીરાને લંપટ શિક્ષક વિપુલ નનુ વસોયા મૂળ ગામ બાબાપુર તા.અમરેલીવાળો ધો.૧૦માં પાસ કરાવવાની લાલચ આપી દુષ્કર્મ આચરતો હોવાથી સગીરાના પરિવારે સગીરાને સુરત અભ્યાસ અર્થે મોકલી આપી હતી. જેથી શિક્ષકે ત્યાં પણ સગીરાનો સંપર્ક કરી કામરેજની હોટલમાં દુષ્કર્મ આચરતા સગીરાના મામાએ શિક્ષક વિરૂધ્ધ કામરેજ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ ઘટનાને કારણે શિક્ષણ જગતમાં પણ લાંછન લાગ્યુ હતું. શિક્ષકની ધરપકડ થતા શાળાના ટ્રસ્ટી મંડળે તેને ફરજમોકૂફ કરી દીધો હોવાનું જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનાને કારણે અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.