રાજકોટમાં આપઘાત અને આત્મહત્યાની ઘટનાઓ દિન-બદીન વધી રહી છે. ત્યારે વધુ એક ઘટનામાં રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલા શિવનગરમાં રહેતા સ્વીગીના ફૂડ ડિલિવરી બોયે સગાઈના ત્રણ દિવસ પૂર્વે જન કલ્યાણ સોસાયટીના નાલાની રેલિંગમાં દોરડું બાંધી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
રાજકોટમાં જન કલ્યાણ સોસાયટી પાસે આવેલા નાલાની ઉપર રેલીંગમાં દોરડું બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ નાલાની નીચે લટકતો હોવાની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે તપાસ કરતા મૃતક યુવાન રૈયા રોડ ઉપર હનુમાન મઢી પાસે આવેલા શિવનગરમાં રહેતો ચના ઉર્ફે ગોપાલ મહેશભાઈ પરમાર (ઉ.વ.૨૦) હોવાનું ખુલતા પોલીસ સ્ટાફે ઘટના અંગે મૃતક યુવકના પરિવારને જાણ કરી હતી અને પોલીસે ઘટના સ્થળે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. પુત્રના મોતના સમાચાર સાંભળતાની સાથે જ પરિવારમાં કરુણ કલ્પાંત સર્જાયો હતો. અને પરિવાર તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચનાભાઈ ઉર્ફે ગોપાલ પરમાર ત્રણ બહેનોનો એકનો એક ભાઈ હતો અને સ્વિગીમાં ફૂડ ડિલિવરી બોય તરીકે નોકરી કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો ચનાભાઈ ઉર્ફે ગોપાલ પરમારની ત્રણ દિવસ બાદ સગાઈ હતી. પરંતુ તે હાલ તેને સગાઈ કરવી ન હોવાની વાત કરતો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસે યુવકના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.