સાંજ પડે અને કૃષ્ણને ઘરે આવતા થોડી વાર લાગે એટલે યશોદા વ્યાકુળ થઈ જાય છે. દોડીને નંદરાણી ઘરની બહાર આવે છે અને શેરીઓમાં જોવા લાગે છે. એમ કરતા કરતા એ ગામને પાદરે, યમુના કિનારે ઊંચા ઓટલે ઊભી રહીને દૂર પશ્ચિમ તરફ જુએ છે. સૂર્ય ઢળવા આવ્યો છે. છેવટે ક્ષિતિજ પર એને ધૂળ ઉડતી દેખાય છે, એ ગોધૂલિ છે. સાંજના ઉજાસમાં એ ગોધૂલિની વચ્ચે એક મોરપિચ્છ દેખાય છે અને યશોદા આનંદથી બ્હાવરી બની જાય છે. યશોદાના દરેક શ્વાસમાં એક જ શબ્દ છે… મારો લાલો… મારો કાનો…! જ્યારે કૃષ્ણ વનરાવનમાં સવારે ગાયો ચરાવવા જાય છે ત્યારે ગૌમાતાની સાથે સૂક્ષ્મ અર્થમાં તો સ્વમાતા યશોદા પણ હોય છે, કારણ કે યશોદા હોય છે તો ગોકુળમાં પરંતુ એનું ચિત્ત કૃષ્ણની સાથે સાથે ગતિ કરતું રહે છે. સંસારની દરેક માતા એક અર્થમાં યશોદા જ છે. પોતાના સંતાનો સાથે માતાનું હૃદય જોડાયેલું હોય છે. યશોદા આપણી
સંસ્કૃતિમાં માતૃત્વની પરાકાષ્ઠા છે. માતા તો દરેક એક સરખી હોય છે. કોઈ બે માતા વચ્ચે તુલના ન થઈ શકે, કારણ કે જનની તો જનની છે. પરંતુ સંસ્કૃતિએ જનની દેવકીની તુલનામાં પાલક માતા યશોદાનો વિશેષ મહિમા કર્યો છે. દેવકીએ કૃષ્ણને જન્મ આપ્યો છે, અપાર યાતનાઓ સહન કરીને જન્મ આપ્યો છે અને યશોદાએ કૃષ્ણને ઉછેર્યો છે. યશોદા જાણતી નથી કે આ બાળકની એ પાલક માતા છે. કૃષ્ણનું બાળપણ નટખટ છે. એની ફરિયાદો પણ સતત રહે છે. શ્રીમદ્‌ ભાગવતમાં મહત્વનો ભાગ તો કૃષ્ણ લીલાનો જ છે. અનેક પ્રકારની લીલાઓથી કૃષ્ણનો પ્રારંભિક જીવનકાળ આનંદ અને ઉત્સાહની ધારામાં વહેતો રહ્યો છે. એક મહાન થવા નીકળેલા બાળકના ઉછેરની એટલી જ મહાન જ્ઞાનપોથી ભાગવતકારે લોકોના હાથમાં મૂકી છે. આજકાલ દરેક માતા અને પિતાને સાવ છાનામાના પડ્‌યા રહે એવા અને ટાઢા ટબુકલા જેવા સંતાનો જ ગમે છે. દરેક માતા ઇચ્છે છે કે મારુ બાળક મને મારુ તમામ ઘરકામ શાંતિથી કરવા દે અને હું રમાડું ત્યારે રમે અને જમાડું ત્યારે જમે ! જરા પણ તોફાન ન કરે ! આવા જે વાલીઓ છે તે ખરેખર તો નંદ અને યશોદાના શત્રુઓ છે. કારણ કે એવી પદ્ધતિથી તો કંસ કે જરાસંઘનું જ નિર્માણ થઈ શકે. કૃષ્ણનું નિર્માણ કરવા માટે શરુઆતથી જ બાળકને પૂર્ણ સ્વતંત્રતાની આબોહવા મળવી જોઈએ. જે માતા-પિતા પોતાના સંતાનોને તેમના ઉછેર માટેનું સ્વતંત્ર આકાશ આપી શકતા નથી તેઓ આવનારી પેઢીઓના મોટા અપરાધી છે. કૃષ્ણ તોફાની છે અને દરેક તોફાનના બદલામાં એને નાનો-મોટો ઠપકો કે સજા પણ મળે છે. પરંતુ સાથોસાથ નંદ-યશોદા અને આખું ગોકુળ ગામ એને નવા-નવા તોફાનો કરવાનો ભરપૂર અવકાશ આપે છે. કૃષ્ણ પર થયેલા તોફાનો માટે ઠપકો આપવાની વ્યવસ્થા છે પરંતુ એ કોઈ નવા તોફાનો કરી જ ન શકે એવા કોઈ બંધનો ગોકુળની ધરતી અને આકાશમાં નથી. કૃષ્ણએ ચોતરફથી સંપૂર્ણ મુક્તિનો અનુભવ કર્યો છે. ગોકુળમાં અને
વૃંદાવનમાં તેણે ભરપૂર મુક્તિ માણી છે, એટલે જ એ મુક્તિ આપનારો બન્યો છે. જેને પોતાને મુક્તિનો અનુભવ નથી એ બીજાને તો સ્વતંત્રતા શી રીતે આપી શકે ? જેઓ સ્વયં મુક્તિનો અનુભવ લે છે તેઓ બીજાઓને મુક્તિ આપી શકે છે. કૃષ્ણને સતત મુક્તિનો અનુભવ આપવામાં નંદ અને યશોદાએ વર્ષો સુધી અદ્ધર જીવે અને ઊભા પગે જિંદગી પસાર કરી છે. ઘરમાં કૃષ્ણ પગલા થયા પછી એક રાત પણ યશોદા જંપીને સુતા નથી. જે માતા-પિતા પોતાનું સંપૂર્ણ જીવન પોતાના શિશુને સમર્પિત કરી દે છે અને દરેક ક્ષણ ઘર આંગણે અવતરેલા આનંદ પર ન્યોછાવર કરે છે તેઓ જ કૃષ્ણ જેવા પરમત¥વને પોતાની આસપાસ રમતા પામે છે. ગોકુળમાં કૃષ્ણને નંદ-યશોદા ઉપરાંત સમગ્ર ગ્રામ જગતનું વ્હાલ પ્રાપ્ત થયું છે. ઉપરાંત ગોવાળોની તોફાની ટોળકીનો સંગાથ પણ મળ્યો છે. કાન્હાના સાથીઓમાં ગોપ અને ગોપીઓ બંને છે. એ ગોપીઓમાં એક છે રાધિકા. સર્વે ગોપીઓમાં રાધાની ભક્તિ અનોખી છે, એનો નિઃસ્વાર્થ પ્રેમ છે. એ જ તો કારણ છે કે કૃષ્ણ રાધાની સાથે શબ્દોથી નહિ, વાંસળીથી વાત કરે છે. રાધાના પ્રેમના અભિષેકમાંથી કૃષ્ણ નિવૃત્ત થઈ શકતા નથી એટલે એક વાક્ય પણ ઉચ્ચારવામાં માટે તેવો પ્રવૃત્ત થઈ શકતા નથી. રાધા અને કૃષ્ણના પ્રેમનો સેતુ રચાય છે વનરાવનમાં નિરંતર વાગતી વાંસળીના સ્વર પર. જે કૃષ્ણ ભવિષ્યમાં કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં સિદ્ધાંત સ્વરૂપનું દીર્ઘ વ્યાખ્યાન કહેવાય એવી ગીતાનો ઉચ્ચાર કરવાના હતા એ જ કૃષ્ણ રાધા સામે માત્ર એક બંસરી હોઠ પર મૂકીને અનંત વાતો કરી શકે છે. છતાં કૃષ્ણને સંગીત પ્રિય છે એટલે યુદ્ધના મેદાનમાં પણ એણે અર્જુનને આપેલો બોધ ગીત સ્વરૂપે ગાઈને કહ્યો છે, એટલે જ એને ગીતા કહેવામાં આવે છે. જેઓ તર્ક કરે છે કૃષ્ણની સાથે અને વારંવાર કૃષ્ણને પોતાની જ વાતો કર્યા કરે છે એને માટે કૃષ્ણ પણ સામી તાર્કિક વાતો રજૂ કરે છે. અર્જુન એક તર્ક પ્રધાન વ્યક્તિ છે. નિશાનબાજ છે, સર્વશ્રેષ્ઠ ધનુર્ધર છે. પરંતુ પોતાના અને પારકા એવા સૈન્ય વચ્ચે તે મૂંઝવણમાં મુકાઈ ગયો છે. કારણ કે જેને પારકા ગણાવવામાં આવે છે તે કૌરવો પણ પોતાના જ છે. એટલે કે આ કુરુક્ષેત્રમાં પોતાના કોણ અને પારકા કોણ એની વિમાસણને કારણે એ પોતાના ધનુષ્ય પર પણછ ચડાવી શકતો નથી. એની મૂંઝવણનો માર્ગ પ્રિય મિત્ર કૃષ્ણ છે. પરંતુ રાધા કોઈ પણ મૂંઝવણ વિનાની પ્રિયતમા છે, ચાહક છે. રાધા શબ્દનો અર્થ જ માત્ર હૃદય એવો થાય છે. આ અનુવાદ ભાષાશાસ્ત્રીઓએ કરેલો અનુવાદ નથી. આ તો રાધાના ઉપાસકોએ આપેલો અર્થ છે. દેશમાં એક બહુ જ મોટો વર્ગ છે જે કૃષ્ણને પડતા મૂકીને રાધારાણીના ચરણમાં આળોટે છે. કારણ કે કૃષ્ણને પામવાની માસ્ટર કીનો ખજાનો રાધાજીના શ્રીચરણમાં છે. વૃંદાવનની નજીક પહોંચો ત્યારે જય શ્રી કૃષ્ણને બદલે રાધે રાધેનો અવાજ વાતાવરણમાં વધુ ગુંજતો સંભળાય છે. એ શું રહસ્ય છે કે પોતાના અવતાર કાર્ય દરમિયાન જે કૃષ્ણ કોઈના ન થયા તે રાધાજીના થયા? એ કળા રાધાજી પાસેથી શીખવા કૃષ્ણ ભક્તો સ્વયં એમની ઉપાસના કરે છે. અરે જ્યાં રાધા છે ત્યાં તો કૃષ્ણ છે જ. રાધા શબ્દનો ઉચ્ચાર આકાશમાં અને અવકાશમાં તરતો થાય તો એના પગલે પગલે કદાચ કૃષ્ણ આવી મળે એવી ભક્ત હૃદયની ભાવનાઓ છે. શાસ્ત્રમાં જુઓ તો મહાભારતમાં કે શ્રીમદ ભાગવતમાં ક્યાંય રાધાનો ઉલ્લેખ નથી. આપણા પુરાણોમાં એકમાત્ર બ્રહ્મવૈવર્ત પુરાણ એવું છે કે જેમાં રાધા અને કૃષ્ણના ગાઢ પ્રેમ અને બ્રહ્માજીએ કરાવેલા લગ્નની વિસ્તારપૂર્વકની કથા છે. એક માન્યતા એવી પણ છે કે રાધા એ વાસ્તવમાં તો લોકોએ સર્જેલું પાત્ર છે. લોક લાગણીનો સરવાળો જ રાધાજીના સ્વરૂપે કૃષ્ણ સાથે વૃંદાવનમાં વિહાર કરે છે. જિંદગીને વિરાટ ફલક પર પ્રાપ્ત કરવામાં કૃષ્ણનો આ જગતમાં જોટો જડે એમ નથી. જિંદગીની પ્રત્યેક ક્ષણને એમણે એવા એવા મહાન કાર્યોમાં પ્રયોજી છે કે એનાથી પૃથ્વી પરની માનવ સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો સુધી રળિયાત રહી છે. જેમનો જન્મ જ કારાગારના બંધનોમાં થયો એ જ બાળક જગત માટે સદાય મોક્ષનું કારણ બનતો રહ્યો. સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી તો દિવાળી કરતાં મોટો તહેવાર માનવામાં આવે છે એનું કારણ એ છે કે દ્વારિકાધીશના મંદિરની ધજાનો પડછાયો સમગ્ર સૌરાષ્ટ્ર પર પડે છે. ભલે એનો જન્મ મથુરામાં થયો અને ઉછેર ગોકુળમાં થયો પરંતુ પોતાની સર્વ શ્રેષ્ઠ દિવ્યતા હવે રાજસ્વીતાનું ભવ્ય પ્રદર્શન તો કૃષ્ણએ સૌરાષ્ટ્રના સાગર કિનારે સોનાની દ્વારિકામાં પ્રસ્તુત કર્યું. એને કારણે સૌરાષ્ટ્રની પ્રજા કૃષ્ણને સદાય જાણે કે એનો જન્મ અને ઉછેર પણ પોતાના ખોળે જ થયો હોય એવા લાડકોડથી એને હૈયામાં રાખે છે અને હૃદયપૂર્વક જન્માષ્ટમી ઉજવે છે.