સંસદનું શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી શરૂ થવાની સંભાવના છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ૨૯ નવેમ્બરથી શરૂ થયેલું શિયાળુ સત્ર ૨૩ ડિસેમ્બર સુધી ચાલશે. સંસદીય બાબતોની કેબિનેટ કમિટીએ શિયાળુ સત્ર ૨૯ નવેમ્બરથી ૨૩ ડિસેમ્બર સુધી યોજવાની ભલામણ કરી છે. આગામી વર્ષે દેશના ૫ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંસદના આ સત્રને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
ગયા વર્ષે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને સંસદનું શિયાળુ સત્ર યોજવામાં આવ્યું ન હતું. જાણકારોના મતે આવતા વર્ષે ૫ રાજ્યોમાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ઘણા બિલ લાવી શકે છે.
જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ખાનગીકરણ માટે સરકારે ઓગસ્ટ, ૨૦૨૧માં પૂરા થયેલા ચોમાસું સત્રમાં જનરલ ઈન્સ્યોરન્સ બિઝનેસ (નેશનલાઇઝેશન) એમેન્ડમેન્ટ બિલ, ૨૦૨૧ દ્વારા સંસદની મંજૂરી મેળવી છે. સૂત્રોએ જણાવ્યું કે પીએફઆરડીએ એક્ટમાં સુધારા પછી એનપીએસ ટ્રસ્ટના અધિકારો, કાર્યો અને જવાબદારીઓ સંભવતઃ પરમાર્થ ટ્રસ્ટ અથવા કંપની એક્ટ હેઠળ આવશે.
સંસદના આગામી સત્રમાં જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણ અંગે પણ ચર્ચા થઈ શકે છે. આ સાથે, કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ ટ્રસ્ટને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીથી અલગ કરવા પીએફઆરડીએ એક્ટ, ૨૦૧૩ માં સુધારો કરવા માટે બિલ પણ રજૂ કરી શકે છે. જેના કારણે પેન્શનનો વ્યાપ પહેલા કરતા વધુ વ્યાપક થશે.
આ સિવાય સંસદના શિયાળુ સત્રમાં બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, ૧૯૪૯માં સુધારો કરવા માટેનું બિલ પણ રજૂ કરવામાં આવી શકે છે. દેશમાં જાહેર ક્ષેત્રની બેન્કોના ખાનગીકરણ માટે બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, ૧૯૭૦ અને બેન્કિંગ કંપનીઝ (એક્વિઝિશન એન્ડ ટ્રાન્સફર ઓફ અંડરટેકિંગ્સ) એક્ટ, ૧૯૮૦માં સુધારાની પણ ચર્ચા થઈ શકે છે.
બીજીબાજુ આ વખતે વિપક્ષ પાસે સંસદના શિયાળુ સત્રમાં સરકારને ઘેરવા માટે ઘણા મોટા મુદ્દા છે. શિયાળુ સત્રમાં વિપક્ષી પાર્ટીઓ મોંઘવારી, પેટ્રોલ અને ડીઝલની ઉંચી કિંમતો, ખાદ્યતેલની કિંમતો, કમોસમી વરસાદથી ખેડૂતોને થતુ નુકશાન, ખાતરની અછત જેવા મુદ્દાઓ પર સરકાર પર વર્ચસ્વ જમાવી શકે છે. ખેડૂતોનો મુદ્દો પણ વિપક્ષ પાસે ઉપલબ્ધ છે. નવા કૃષિ કાયદાને લઈને ઉત્તર ભારતના ખેડૂતો ગયા વર્ષથી સરકાર વિરુદ્ધ આંદોલન ચલાવી રહ્યા છે. એગ્રીકલ્ચર એક્ટ સામે શરૂ થયેલા ખેડૂતોના આંદોલનને એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે.