લીલીયા મોટા મામલતદાર કચેરી ખાતે એડવોકેટ અને સામાજિક કાર્યકર શ્રવણ (સંજય) એલ. બગડા દ્વારા મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સંવિધાન દિવસના કાર્યક્રમ દરમિયાન થયેલા વિવાદ અંગે રજૂઆત કરવામાં આવી છે. આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, ગત તારીખ ૨૬/૧૧/૨૦૨૫ ના રોજ ‘સંવિધાન દિવસ’ નિમિત્તે અમરેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં યોજાયેલા કાર્યક્રમમાં ડા. બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવાના ઈરાદે ‘મનુસ્મૃતિ’ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના આયોજક અને પુસ્તક વિતરણ કરનાર તરીકે સરકારી વકીલ મમતાબેન ત્રિવેદી સામે આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ગંભીર બાબતે અગાઉ અમરેલી કલેક્ટર અને ગુજરાતના મુખ્યમંત્રીને પણ લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ત્યારે હવે લીલીયામાં વકીલ શ્રવણ (સંજય) બગડા અને અન્ય વકીલો દ્વારા મામલતદારને આવેદન પાઠવીને સરકારી વકીલ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરવામાં આવી છે.







































