શિક્ષણનું મુખ્ય કાર્ય દેશના જવાબદાર નાગરિકો નિર્માણ કરવાના છે. આજે ભૌતિકવાદ અને સંપત્તિની ઘેલછામાં મનુષ્ય છેલ્લી પાયરી સુધી જવા માટે તૈયાર થઈ જાય છે. માનવ જીવનના જે મૂલ્યો છે તે નેવે મૂકી દે છે. બસ લક્ષ્મી એ જ પરમેશ્વર આવા વિચાર વાળા વ્યક્તિ પાસે દુનિયાની સુખ સગવડ હશે પરંતુ નિરવ શાંતિ નહીં હોય. સમાજ ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને અતિ ગરીબ વર્ગ એવા ત્રણ વર્ગોમાં વહેંચાયેલો છે. ઉપરના બંને વર્ગ સાથે સ્પર્ધા કરવા માટે ગરીબ વર્ગના માણસો રાત દિવસ એક કરે છે. મારે પણ શ્રીમંત વર્ગ સુધી પહોંચવું છે. શ્રીમંત વર્ગના લોકો તેમનાથી વધુ શ્રીમંત હોય તેની સ્પર્ધા કરે છે અને મધ્યમ વર્ગ વચમાં એવો પીસાય છે કે તેને શ્રીમંત લોકોની હરોળમાં રહેવું છે. લક્ષ્મીના પાગલ બનેલા માનવો આધ્યાત્મિકતા અને શિક્ષણને નેવે મૂકી બસ પૈસા પાછળ રાત દિવસ એક કરે છે અને પછી શાંતિની શોધમાં નીકળે છે. આવા વ્યક્તિઓ કૂતરાની જેમ જીવે છે. તેમની પાસે સુવિધાઓ છે પણ શાંતિ નથી.
પરિવાર પાસે રહેવાનો અને જીવન જીવવાનો સમય હોતો નથી એટલે અનેક અનર્થો ઊભા થાય છે. સમાજમાં એવા અનેક દાખલાઓ છે. સંતોષ સર્વ પ્રકારે સુખ આપે છે. પરોપકાર કરનાર વ્યક્તિ પ્રભુ ભક્તિ તરફ પ્રયાણ કરે છે. જ્યારે સંસ્કાર સર્વ આદર્શો અને મૂલ્યોને કેળવવાની કલા શીખવે છે. ભારતીય
સંસ્કૃતિ જીવન જીવવાની કલા શીખવે છે. ગૃહસ્થ અવસ્થામાં મનુષ્યજીવન સારી રીતે જીવાય તે પ્રમાણે કમાવું જોઈએ. પરંતુ શિક્ષાપત્રીમાં કહ્યું છે તે પ્રમાણે લાંચ લેવી લોહી પીવા બરોબર છે. કોઈકનું કરી નાખી ને ક્યારેય પણ સુખી થવાતું નથી. સુખ તો નિજાનંદમાં રહેવાથી પ્રાપ્ત થાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. અહીંયા તો માત્ર આજે આ ખેડૂતની જમીનમાંથી આટલા કરોડ મળશે જે ખેડૂતનું તમે કરી નાખો છો તે ખેડૂતની લાય અને હાય તમારું બધું નાશ કરી નાખશે.
શિક્ષણ ક્ષેત્રમાં પણ હવે દલાલો થઈ ગયા છે. ચાલું નોકરીએ જમીનની દલાલી કરે, શેર માર્કેટ રમે આજે ઇન્ડેક્સ કેટલો ઊંચો છે. આવા વ્યક્તિઓ શિક્ષણની ઘોર ખોદશે. થોડા સમય પહેલા બોર્ડની એક મિટિંગમાં એક સાહેબ નીચે મોબાઈલ રાખીને જોતા હતા. મેં કહ્યું કે મોબાઇલમાં શું જુવો છો ત્યારે તેમને જવાબ આપ્યો કે ઈન્ડેક્સ કેટલો ઊંચો છે તે જોઈ રહ્યો છું. આવા વેપારી લોકો શિક્ષણમાં આવી જાય પછી તે વિદ્યાર્થીનું શું ભલું કરવાના છે? ઘણા ધનિક લોકો બુદ્ધિશાળી પણ હોય છે. લક્ષ્મી કરતા શિક્ષણને વધારે પ્રાધાન્ય આપતા હોય છે. એવો એક કિસ્સો અલગારી રાકેશભાઈ પટેલે મુકેલો જે મને સ્પર્શી ગયો. મનુષ્ય બુદ્ધિશાળી પ્રાણી છે. તેનામાં વિવેક, આવડત, કુશાગ્રતા અને નિપુણતા હોય છે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની તાકાત વ્યક્તિમાં હોવી જોઈએ. તેવા જ એક ધનિક ભાઈએ પોતાની દીકરી માટે મધ્યમવર્ગના છોકરાની પસંદગી કરી તેના ફળ સ્વરૂપે આજે બંને પાત્રો સુખી સંપન્નતાથી જીવન વ્યતિત કરી રહ્યા છે.
આમ તો એ સુખી કુટુંબની દીકરી. સુખી એટલે એના પપ્પાનો ૫ હજાર કરોડનો કારોબાર હતો. દરેક મમ્મી પપ્પાની ઈચ્છા એવી હોય છે કે પોતાની દીકરીને પોતાના કરતા સુખી હોય એવા કુટુંબમાં પરણાવે. સુખીનો અર્થ એમના માટે વધુ સંપત્તિ હોય એટલો જ હોય છે. એની કોલેજ પુરી થઈ હતી. એ હવે પુખ્ત બની ચૂકી હતી. દરેક મમ્મી પપ્પાને પોતાની ઉંમરલાયક દીકરીની ચિંતા થતી હોય છે. સારું ઘર અને સારો વર શોધવો એ દીકરીના માબાપ માટે કસોટી બની જાય છે. લગ્નમાં કોનું મહત્વ વધુ ગણવું….સંપત્તિ, શિક્ષણ કે સંસ્કાર?
ઘણા મનોમંથનના અંતે એના માતાપિતાએ એક મધ્યમ વર્ગનો છોકરો એમની દીકરી માટે પસંદ કર્યો. જો કે એ ડોક્ટર હોય છે. પણ જેનો ૫ હજાર કરોડનો કારોબાર હોય એના માટે આ છોકરો ગરીબ જ કહેવાય. એમના લગ્ન થયા. આજે તો એમને દાંપત્યજીવનના ૧૦ વર્ષ પણ પૂર્ણ કરી દીધા. એમનું દાંપત્યજીવન મધુરું અને સુખી છે. સાચું કહું..સુખી થવા માટે પુષ્કળ સંપત્તિ હોવી જરૂરી નથી.જેના દિલમાં સંસ્કાર..શિક્ષણ..સેવા..સમર્પણ..ત્યાગ..સમજણ જેવા ઉમદા ગુણો હોય એનું જ દામપત્ય જીવન મધુરું અને સુખી રહી શકે. બાકી આખી દુનિયાની સંપત્તિ તમને મળે તો પણ તમે સુખી ન બની શકો. જીવનમાં લોહી ઉકાળા જ રહે.
મનુષ્ય એક સરખા જ માતાની કુખેથી જન્મ લેતા હોય છે. આ બધું પૃથ્વી ઉપર આપણે ઊભું કર્યું છે. પેલો કરોડપતિ અને હું રોડપતિ. મનુષ્યએ પતિ બનવાનું છે. સારા વિવેક વાળા નાગરિક બનવાનું છે. શિક્ષણ એ સિંહણનું ધાવણ છે. શિક્ષણ દ્વારા સમાજમાં સર્વાંગી વિકાસ કરી શકાય છે. શિક્ષણ મનુષ્યને જીવન કઈ રીતે જીવવું તે શીખવાડે છે. ઉપરોક્ત બાબતો જીવનમાં કેળવવાની જરૂર છે. આજે લાંબા જાડે ટૂંકો જાય મરે નહીં તો માંદો થાય. આવી જિંદગી શા માટે જીવવી ? સંતોષ જ સર્વ સાધનોનું સુખ છે. ભક્તિ અને શક્તિ બંનેને વિનિયોગ મનુષ્યને સુંદર જીવન જીવવા માટે માર્ગ કરી આપે છે.
Mo.૯૮૨૫૭૦૨૨૮૨