સંદેશખાલી મમતાના પતનનું કારણ બનશે ?
હિંસા અને પછી રાજકીય આક્ષેપબાજીના કારણે પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાથી ૭૦ કિલોમીટર દૂર આવેલા સંદેશખાલી તરફ આખા દેશનું ધ્યાન ગયું છે. સંદેશખાલી પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં આવેલું ગામ છે પણ અત્યારે આખા દેશમાં ચર્ચાનું કેન્દ્ર છે કેમ કે સંદેશખાલીમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ દ્વારા હિંદુ મહિલાઓ પર બળાત્કારના અને જમીનો હડપ કરવાના ગંભીર આક્ષેપ થયા છે.
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ વચ્ચે રાજકીય વર્ચસ્વ માટે લાંબા સમયથી જંગ ચાલે છે.
અત્યારે સંદેશખાલી આ જંગનું કેન્દ્ર બન્યું છે અને કેન્દ્રસ્થાને તૃણમૂલ કોંગ્રેસનો નેતા શેખ શાહજહાં છે. ૫ જાન્યુઆરીએ શાહજહાં શેખના ઘરે દરોડો પાડવા ગયેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડ્ઢ)ની ટીમ પર હુમલો થયો પછી ભાજપે આ મુદ્દાને ઉપાડી લીધો. પહેલાં સ્થાનિક ભાજપ નેતા સંદેશખાલી પહોંચ્યા અને પછી કેન્દ્રીય મંત્રીએ તથા નેતાઓ સંદેશખાલી ઉપડી ગયા. બિન ભાજપશાસિત રાજ્યોમાં રાજ્યપાલ પણ ભાજપની ટીમના હોય છે તેથી રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ પણ સંદેશખાલી જઈ આવ્યા.
આ મુલાકાતો પછી ભાજપે ગંભીર આક્ષેપ કર્યો છે કે, શાહજહાં શેખના ગુંડા હિંદુ મહિલાઓ પર બળાત્કાર કરે છે અને જમીન હડપ કરી લે છે. શાહજહાં શેખના ગુંડા અને તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો ગામમાં ઘરે-ઘરે જઈ ક્યા ઘરમાં સુંદર સ્ત્રી કે છોકરી છે તેની તપાસ કરે છે અને પછી તેને પાર્ટી ઓફિસ લઈ જવામાં આવે છે. આ સુંદર મહિલાને મોડી રાત સુધી રાખવામાં આવે છે અને તેના પર બળાત્કાર ગુજારીને રાત્રે તેને ઘર પાસે છોડી દેવામાં આવે છે. જે છોકરી કે મહિલા તૃણમૂલ કોંગ્રેસની ઓફિસે ના આવે તેને શાહજહાં શેખના ગુંડા રાત્રે આવીને બળજબરીથી ઉપાડી જાય છે અને હવસનો શિકાર બનાવીને સવારે છોડી દે છે.
લોકસભાની ચૂંટણી નજીકમાં છે તેથી ભાજપે આ મુદ્દાને બરાબરનો ચગાવ્યો છે. ભાજપે શાહજહાં શેખની ગુંડાગીરી અંગે એક ડોક્યુમેન્ટરી પણ બનાવી છે. ભાજપની આક્રમકતાના કારણે સંદેશખાલીમાં અત્યારે જબરદસ્ત ગરમીનો માહોલ છે.
શાહજહાં શેખના ઘરે ઈડીની ટીમ ૨૦ હજાર કરોડ રૂપિયાના રાશન વિતરણ કૌભાંડની તપાસ માટે ગઈ ત્યારે હુમલો થયો હતો. આ હુમલામાં ઈડીના ત્રણ અધિકારી ઘાયલ થયા હતા. આ હુમલા માટે શાહજહાં શેખને મુખ્ય સૂત્રધાર ગણીને ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી પછી શાહજહાં શેખ ફરાર છે. સંદેશખાલીમાં અત્યાર સુધીમાં બળાત્કાર અને જાતિય શોષણની ૧૭ ફરિયાદ થઈ છે જ્યારે જમીનો હડપ કરવાની ૧૦૦થી વધુ ફરિયાદો છે. શાહજહાં શેખ સામે બળાત્કાર, જાતીય સતામણી અને જમીન પચાવી પાડવાના આરોપો સાથે ત્રણ એફઆઈઆર નોંધાઈ છે.
શાહજહાં બાંગ્લાદેશ ભાગી ગયો છે એવું પણ કહેવાય છે પણ ભાજપને તેનાથી કંઈ લેવાદેવા નથી. ભાજપે આ મુદ્દાને હિંદુ વર્સીસ મુસ્લિમ મુદ્દો બનાવીને લોકસભાની ચૂંટણીમાં તેનો રાજકીય લાભ લેવાનો તખ્તો ઘડી કાઢ્યો છે.
શાહજહાં ફરાર થઈ ગયો પછી ભાજપની આગેવાનીમાં મહિલાઓએ તેની ધરપકડની માગ સાથે દેખાવો શરૂ કર્યા છે. શાહજહાંના સાથીઓ અને શાહજહાંની પોતાની પ્રોપર્ટી પર પણ હુમલા થઈ રહ્યા છે. શાહજહાંના સાથી મનાતા તૃણમૂલ કોંગ્રેસના નેતા શિબપ્રસાદ હાઝરાની માલિકીના પોલ્ટ્રી ફાર્મને સળગાવી દીધું પછી શાહજહાંનાં મકાનો પર પણ લોકોએ હુમલો કર્યો છે.
ભાજપ કોઈ પણ રીતે આ મુદ્દાને સળગતો રાખવા માગે છે તેથી માર્ચના પહેલા અઠવાડિયામાં નરેન્દ્ર મોદી બે વાર પશ્ચિમ બંગાળ જાય એવો તખ્તો ઘડાઈ ગયો છે. મોદી ૧ માર્ચે જાય પછી બંગાળમાં ૩ દિવસ રોકાવાના છે. એ પછી ૬ માર્ચે ફરી બંગાળ જવાના છે. મોદી એ વખતે સંદેશખાલી જાય એવી પૂરી શક્યતા છે. નરેન્દ્ર મોદી ૬ માર્ચે રાજ્યના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં બારાસાતમાં મહિલા રેલીને સંબોધવાના છે. ભાજપે કહ્યું જ છે કે, સંદેશખાલીની પીડિત મહિલાઓ વડાપ્રધાનને મળવાની ઈચ્છા વ્યક્ત કરશે તો મોદી તેમને મળી શકે છે. આ પ્રકારની શક્યતાનો અર્થ શો થાય એ કહેવાની જરૂર નથી.

પશ્ચિમ બંગાળ મમતા અને મોદી બંને માટે મહત્વનું છે.
બંગાળમાં લોકસભાની ૪૨ બેઠકો છે. ભાજપે ૨૦૧૯માં ૧૮ બેઠકો જીતી હતી અને આ વખતે ૪૨માંથી ૩૦ બેઠકો જીતવા માગે છે તેથી ભાજપ સતત મમતા બેનરજીનો વિરોધ કરે છે અને પશ્ચિમ બંગાળ સરકારને ભીંસમાં લેવાનો એક પણ મોકો ચૂકતો નથી. સંદેશખાલીના રૂપમાં તેને એક મોટો મોકો મળી ગયો છે.
બંગાળમાં ભાજપનો પ્રભાવ વધ્યો તેમાં મહિલાઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના મતદારોનું સમર્થન કારણભૂત છે. સંદેશખાલી ઉત્તર ૨૪ પરગણા જિલ્લાના બસીરહાટ સબ ડિવિઝનમાં છે. બાંગ્લાદેશની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં લઘુમતી અને આદિવાસી સમુદાયના લોકો વધારે છે તેથી ભાજપે આ મુદ્દાને હિંદુઓ અને ખાસ તો મહિલાઓ પર મુસ્લિમ ગુંડાઓ દ્વારા અત્યાચારના મુદ્દામાં ફેરવી દીધો છે.
પશ્ચિમ બંગાળમાં મહિલા મતદારોની સંખ્યા ૪૯ ટકા એટલે કે લગભગ ૩.૫ કરોડ જેટલી છે. ભાજપને ૨૦૧૪માં ૩૪ ટકા મહિલા મતદારોના વોટ મળ્યા હતા અને ૨૦૧૯માં ૪ ટકા વધીને આ સંખ્યા ૩૮ ટકા જેટલી થઇ ગઇ છે તેથી ભાજપ મહિલા મતદારોની વોટબેંકને વધુ મજબૂત કરીને મમતાને પછાડવા માગે છે.
ભાજપે સંદેશખાલીને કેમ મુદ્દો બનાવ્યો છે ?
ભાજપે ૨૦૨૧માં બહુ જોર કરેલું છતાં મમતા બેનરજી વિધાનસભાની ચૂંટણી આસાનીથી જીતી ગયાં હતા. વિધાનસભામાં ભાજપને ૩૮.૧ ટકા મત મળેલા જ્યારે તૃણમૂલ કોંગ્રેસને ૪૭.૯૪ ટકા મત મળેલા. તૃણમૂલ કોંગ્રેસને ૨૯૪ બેઠકમાંથી ૨૧૩ જ્યારે ભાજપને ૭૭ બેઠકો મળી હતી. ભાજપ કરતાં તૃણમૂલ કોંગ્રેસને લગભગ ૧૦ ટકા મત વધારે મળ્યા હતા. ભાજપ માટે ચિંતાનો વિષય એ પણ છે કે, ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલા ૪૦.૩૦ ટકા મત કરતાં વિધાનસભા ચૂંટણીમાં બે ટકા ઓછા મત મળ્યા હતા. મમતા બેનરજીને લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીમાં ૪૩.૩૦ ટકા મત મળ્યા હતા જે વિધાનસભા ચૂંટણીમાં વધીને ૪૮.૨૦ ટકા થઈ ગયા હતા. પંચાયત ચૂંટણીમાં ભાજપની હાલત વધારે ખરાબ થઈ ગઈ કેમ કે પંચાયત ચૂંટણીમાં ભાજપને ૨૩ ટકા જ મત મળેલા.
ભાજપ સંદેસખલીના બહાને આ ગુમાવેલો જનાધાર પાછો મેળવવા માગે છે.

મમતાએ ડાબેરીઓને પછાડવા સિંગુર અને નંદીગ્રામમાં જે દાવ અજમાવેલો એ જ દાવ ભાજપ સંદેશખાલીમાં અજમાવી રહ્યો છે.
મમતા બેનરજી વિપક્ષમાં હતાં ત્યારે ૨૦૦૬માં સિંગુરમાં ટાટા મોટર્સના નેનો પ્લાન્ટને બુધ્ધદેવ ભટ્ટાચાર્યની ડાબેરી સરકારે મંજૂરી આપી હતી. ટાટાને લીઝ પર આપવામાં આવેલી ૯૯૭ એકર જમીન પર ‘નેનો’ કારના ઉત્પાદન માટે ફેક્ટરી નાંખવાની યોજના હતી. સિંગૂર ફળદ્રુપ જમીનોનો પ્રદેશ છે ને ડાબેરી સરકારના મુખ્યમંત્રી બુધ્ધદેવ ભટ્ટાચાર્યે તાતા ગ્રુપના પગોમાં આળોટી જઈને આ સોનાની લગડી જેવી જમીનો રીતસરની ગુંડાગીરી કરીને પડાવવા માંડી તે સામે ખેડૂતો બાંયો ચડાવીને મેદાનમાં આવી ગયેલાં. મમતા બેનરજી એ વખતે નવરાં હતાં તેથી એ પણ કૂદી પડ્‌યાં ને તેમણે આ જંગની આગેવાની લીધી. સિંગૂર મામલે મમતા ખાઈખપૂચીને પાછળ પડી ગયેલાં. મમતાને હટાવવા ડાબેરીઓએ ગુંડાઓને છૂટા મૂકેલા પણ મમતાએ તેમને પણ રાડ પડાવી દીધી હતી.
આ બધાથી ડરીને તાતા ગ્રુપે ૨૦૦૮માં સિગૂંરમાંથી ઉચાળા ભરી જવાની જાહેરાત કરી નાંખી. સિંગૂરની લડતે મમતાને બંગાળમાં લડાયક નેતા તરીકે સ્થાપિત કરી દીધાં અને તેમનો જનાધાર પણ ઉભો કર્યો.
મમતાએ ઈન્ડોનેશિયાના સલીમ ગ્રુપને નંદીગ્રામમાં જમીન આપવા સામે પણ જંગ છેડેલો. ૨૦૦૭માં તત્કાલિન મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યની ડાબેરી સરકારે ‘સ્પેશિયલ ઇકોનોમિક ઝોન’ બનાવવા સલીમ ગ્રુપને જમીન આપી. સલીમ ગ્રુપ નંદીગ્રામમાં કેમિકલ હબ સ્થાપવા માગતું હતું પણ મમતા બેનરજી તેની સામે પડી ગયાં. મમતાએ સરકારની જમીન સંપાદન સામે અવાજ ઉઠાવીને ખેડૂતોને એક કર્યાં અને આંદોલન શરૂ કર્યું. નંદીગ્રામમાં આંદોલન દરમિયાન ભારે હિંસા થઈ હતી.
ડાબેરીઓએ મમતાને હટાવવા માટે ૧૪ માર્ચ ૨૦૦૭ની રાત્રે સીપીએમના કાર્યકરો અને ગુનેગારોને પોલીસ સાથે મોકલીને હલ્લાબોલ કરાવેલું પણ મમતા પૂરી તૈયારી સાથે બેઠેલાં તેથી તેમને હટાવી ના શકાયાં. આ હિંસામાં ૧૪ લોકો માર્યા ગયા હતા પણ મમતા ના ડગ્યાં.
આ આંદોલનોના કારણે મમતા છવાઈ ગયાં અને ૨૦૧૧ની ચૂંટણીમાં ડાબેરીઓના ૩૫ વર્ષના શાસનનો અંત લાવવામાં સફળ થયાં.
ભાજપ સંદેશખાલીના જોરે એ ઈતિહાસ દોહરાવવા માગે છે.