‘‘ખુશી’’ થોડા સમય માટે ‘‘સંતોષ’’ આપે છે. પણ ‘‘સંતોષ’ કાયમ માટે ‘‘ખુશી’’ આપે છે. ભગવાન જે આપ્યુ છે તેની કદર કરવાના બદલે જે નથી મળ્યુ તેની પાછળ ભાગવાથી સંતોષ મળતો નથી. જીવનમાં સુખ મેળવવુ હોય તો જે મળ્યુ છે તેની કદર કરતા શીખો. સંતોષ પ્રગતિનો શત્રુ નથી પણ માણસને એ શીખવે છે કે,જે કાંઈ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તેના પર આસક્તિ ન રાખ, કારણ કે આસ્ક્તિ તને અતૃપ્ત બનાવશે અને તારી શક્તિ સામે અનેક પ્રકારના તોફાનો ઉભા કરશે. મારો કહેવાનો મતલબ સંતોષ એટલે નિષ્ક્રિયતા નહી, પણ આંતરિક,શાંતિ-સંસારમાં જીવતા માણસને જાતજાતની અપેક્ષાઓ હોય છે અને માણસ એવા સ્વપ્નોમાં રાચે છે. કે તેની સઘળી અપેક્ષોઓ સંતોષાય. અધુરી ઈચ્છાઓ કે મનોવાંછિત સુખોની અપૂર્તિ માણસને ઠરવા દેતી નથી. પરિણામે માણસની શાંતિ હણાય છે. માનસિક વ્યગ્રતા વધે છે.
‘‘હરીઈચ્છા’ કે ભાગ્યમાં લખ્યુ હશે તે જ મળશે’’ જેવા વાકયો માણસને ભાગ્યવાદી બની નિષ્ક્રિય બનવાનો ઉપદેશ નથી આપતા, પણ ધૈર્ય ધારણ કરી વલખા નહી મારવાનું આશ્વાસન આપે છે. અધિક ધન પ્રાપ્ત થયુ હોવા છતા જે સંતુષ્ટ છે,તે ખરા ધનવાન છે. સંતોષની વાત માણસને કડવી લાગે છે. કારણ કે, એના મનમાં વાસનાઓની કાયમી વસવાટ હોય છે. સંતોષ માણસને હક્કીતમાં કર્મ કરતા રોકતો નથી,પણ સાથે સાથે એ વિવેક અને સંયમ જાળવે એવો પરોક્ષ બોધ આપે છે. સુખ માટે ઉતાવળા અને બહાવરા બનીને વિવેક તથા સંયમને ઠેબે ચડાવશો તો તમે પ્રગતિ નહી કરી શકો. સંતોષનો માપદંડ એ છે કે કશુ મેળવવાની ક્ષણે નહી પરંતુ ગુમવવાની ક્ષણે પણ તમે કેટલી સ્વચ્છતા અને શાંતિ જાળવી શકો છો, તે છે. પછી એ ધન, દોલત, સત્તા, સંપતિ કે હક-હિસ્સો કેમ ન હોય! મળ્યુ એટલુ મોજથી માણવુ અને જે જેતુ રહે તે આપણા હકનુ નહી હોય તેમ નાની ભૂલ જવાની વૃતિ રાખનાર જ ખરા અર્થમાં સંતોષ સાથેનું સુખ મેળવી શકે છે. સંતો અને શાસ્ત્રો એટલે જ તો સંતોષ ધારણ કરવાનો ઉપદેશ આપે છે. દરેકને પોતાના જીવનનો અનુભવ હશે જ કે હંમેશા દરેક બાબતોમાં આપણુ જ ધાર્યુ થતુ નથી. એટલે મળ્યુ અને માણો નો મંત્ર અપનાવી પ્રત્યેક પરિસ્થિતિમાં પ્રસન્ન રહેવું એ જ આપણા હાથની વાત છે. માણસનો મહાશત્રુ લોભ છે. આ લોભ માત્ર ધનનો જ હોય એવુ નથી. સત્તાનો,માનનો,અધિકારનો પ્રશંસાનો,પોતાનું ધાર્યુ કરાવવાનો, હક અને અધિકારનો વગેરે તમામ પ્રકારના અતિ-લોભ માણસને અસંતોષની ગર્તામાં ધકેલીને દુઃખી કરે છે. સંતોષનું મૂળ સંયમ છે. મન પરનો કાબુ સંતોષ માટેનો રાજપથ તૈયાર કરે છે. સંતોષનો અભાવ સંતાપ નોતરે છે. અને આ સંતાપ માણસને ચિંતાગ્રસ્ત બનાવે છે. એટલા માટે જ મળ્યુ તેનો આનંદ માનીને આંતરિક સ્વસ્થતાપૂર્વક જે પ્રાપ્ત કરવુ છે તેના માટે નિષ્ઠાપૂર્વકનો પરિશ્રમ અને સમદ્રષ્ટિપૂર્ણ વ્યવહારૂ આયોજન કરી કાર્યરત રહેવુ. ‘‘સંતોષી નર સદા સુખી.’’