દેશમાં બાળકો પરથી પિતૃત્વની છાયા કંઈક ઓછી થઈ રહી હોય એવું દેખાય છે. આમ તો બાળઉછેરનું કામ મોટેભાગે પિતા હસ્તક બહુ ઓછું આવે છે. મહદંશે તો માતા પાસે જ સંતાનો મોટા થતા હોય છે કારણ કે પિતા ઘર ચલાવવાની જવાબદારીમાં વ્યસ્ત હોય છે. વરસો પહેલા અહીં આપડા વતનમાંથી જે લોકો મુંબઈ જતા એ લોકો આવીને જે વાતો કરતા, એમાં એવું સાંભળવા મળતું હતું કે રવિવાર સિવાય તો ત્યાં સંતાનો પિતાનો ચહેરો પણ જોઈ શકતા નથી, કારણ કે સવારે સંતાનો સુતા હોય ત્યારે પિતા લોકલ ટ્રેન પકડવા માટે દોડીને ટિફિન લઈને નીકળી જતા અને જ્યારે સાંજે પોતાની નોકરી પૂરી કરીને આવે ત્યારે એટલા મોડા આવતા કે સંતાનો ફરી જંપી ગયા હોય. આજે ઓછાવત્તા અંશે દરેક પિતા એવી સ્થિતિમાં મુકાયેલો છે કે પોતાના સંતાનોને આપવાના સમયમાં એણે ચારેબાજુથી બહુ કાપ મૂકવો પડે છે.
એના મુખ્ય બે કારણો છે. એક તો એન્ડ્રોઇડ પદ્ધતિનો મોબાઇલ આવ્યા પછી કેટલોક સમય એમાં વહી જાય છે. અને બીજી મુખ્ય વાત એ છે કે રોજીરોટી રળવાના કામમાં જરૂર કરતા બહુ વધારે સમય આપવો પડે છે. કેટલાક લોકો તો ઓફિસનું કામ પણ ઘરે લઈ આવે છે. આપણા દેશમાં રાજકીય પ્રવૃત્તિઓએ સમાજમાં જરૂર કરતા વધારે જગ્યા રોકી લીધી છે. દેશના કરોડો લોકો એવા છે જેને ચાલાક રાજકીય પક્ષોએ કોઈ કામમાં ન આવે એવા પક્ષના વિવિધ પદ પકડાવી દીધા છે. એથી તેઓ વધારાનો બધો સમય ઘરબાર મૂકીને એમાં જ આપતા થયા છે. આ એવા લોકો છે જેઓ પત્ની કહે ત્યારે બજારમાં જઈને શાક લઈ આવતા નથી પણ કોઈ નેતા કહે સાઈકલ કે બાઈક લઈને બાજુના ગામે રાજકીય મિટિંગમાં દોડીને પહોંચી જાય છે. રાજકીય પક્ષો આવા લોકોના અહંકારને ફૂંક મારતા રહે છે.
એ તો સિદ્ધાન્ત જ છે કે જેમની પાસે પોતાની જિંદગીના કોઈ સ્પષ્ટ હેતુઓ નથી એમને નેતાઓ પોતાના લક્ષ્ય પાર કરવા માટે તોડાવી નાંખે છે. દેશમાં આ વર્ગ હવે બહુ મોટો છે જે બીજાઓના લક્ષ્ય પાર કરવા માટે દોડતો જ રહે છે. એમને જ્યારે ખબર પડે છે કે આ તો રેતી દળવાની પ્રવૃત્તિ આપડે કરી, ત્યારે તો બહુ મોડું થઈ ગયું હોય છે. સંતાનો મોટા થઈ ગયા હોય છે, બચત ખાલસા થઈ ગઈ હોય છે અને હાથ કોઈ પણ કામે વળગી ન શકે એવા જડ થઈ ગયા હોય છે. રાજનેતાઓની પૂંછડી પકડીને ઢસરડાતા લોકો મધ્યવય પછી બહુ ખરાબ હાલતમાં દિવસો પસાર કરતા હોય છે. આવા જે લોકો છે એમની પાસે પોતાના સંતાનો અને પરિવાર માટે બિલકુલ સમય હોતો નથી.
એક વિખ્યાત વિદેશી વાર્તા છે. બાળક એક દિવસ એના પિતાને પૂછે છે કે તમારો પગાર કેટલો છે ? પિતા કહે છે કે મહિને ૨૪૦૦ ડોલર. બાળક કહે કે તો કલાકના કેટલા થાય ? પિતા કહે કે રોજના એંસી ડોલર એટલે કલાકના દસ ડોલર. થોડા દિવસો શાળાએ ભૂખ્યા રહીને બાળકે રિસેસમાં નાસ્તો કરવાના પૈસા બચાવ્યા અને પછી એક દિવસ ઘરે પિતાના હાથમાં દસ ડોલર મૂકીને કહ્યું કે તમે હવે એક કલાક મારી સાથે રમશોને પપ્પા ? આપણા આજના યુગના પિતા અને એના સંતાન વચ્ચેની કરૂણાન્તિકા આ ટૂંકી વાતમાં સ્ફોટક રીતે અભિવ્યક્ત થઈ છે.
બાળકો સમજે છે કે પિતા બહુ કામકાજમાં વ્યસ્ત હોય છે પણ એમનું હૃદય એ વાત સ્વીકારવા તૈયાર નથી. દરેક બાળકના મનમાં પિતા મહાન હોય છે. એ એમને માટે રોજનો સાન્તાક્લોઝ હોય છે. પિતા સાંજે ઘરમાં પગ મૂકે એટલે બાળકો રાજી થઈ જાય. ઉપરાંત પિતાનો ઘરમાં એક દબદબો હોય છે, કમાન્ડ હોય છે. બાળકોને પિતાના એ સામ્રાજ્યમાં રહેવું ગમે છે. તેઓ પોતાને પિતાના સાંનિધ્યમાં સૌથી વધુ સલામત માને છે. પિતા ઘરમાં જ હરતોફરતો એક શોપિંગ મોલ છે, જે જોઈએ એ પિતાને કહીએ એટલે મળે. માતા અતિપરિચિત હોય છે એને કારણે એની અવજ્ઞા થઈ જાય છે. આજે ઘણા સંતાનો એની માતાને તુંકારે બોલાવે છે… મમ્મી તું આમ ને મમ્મી તું તેમ… આ તુંકારો જો કે વહાલનો હોય છે. પણ કોઈ પણ બાળક પોતાના પિતાને વહાલમાંય તુંકારો કરે ખરો ? અને તુંકારો કરે તો કેવા ઉપરાઉપરી લાફા પડે ? પિતાનું આસન ઘરમાં એક શાસનકર્તાનું સિંહાસન હોય છે.
પિતાની નજર બાળકો પર જરૂરી છે કારણ કે દરેક પિતાએ ઘાટ-ઘાટના પાણી પીધા હોય છે. માતા માને છે તેવી આ જિંદગીને પિતા, સુગમ કે સરળ માનતા નથી. એટલે પિતા દ્વારા સંતાનોને મળતી તાલીમ કઠોર હોય છે. સફળતાનો આનંદ લેતા મા શીખવે પણ નિષ્ફળતાને પચાવતા તો એક બાપ જ શીખવી શકે. દસ વાર પડવું ભલે પણ અગિયાર વાર ઊભા થવું એ અલિખિત પિતૃશાસ્ત્ર છે. દરેક પિતા પોતાની હયાતીમાં જ સંતાનોમાં એ વાત જોઈ લે છે કે પોતે હયાત નહિ હોય ત્યારે આ બાળકો જિંદગીના ભવસાગરને કઈ રીતે પાર કરશે. પિતાના ખભે બેસીને દેખાતી દુનિયા અને માતાના ખોળામાં  રમતા-રમતા જોયેલા જગતમાં બહુ તફાવત છે. માતા કહે છે કે જિંદગી તો મૃદુનિ કુસુમાદપિ…. એટલે કે ફૂલોથીય કોમળ છે અને પિતા વારંવાર કોઈ પણ બહાને સંતાનોને સમજાવે છે વજ્રાદપિ કઠોરાણિ… એટલે કે જિંદગી તો વજ્ર અને પાષાણથીય વધુ કઠોર છે.