વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદ બાદ હવે રાજસ્થાનમાં દરગાહ શરીફને હિન્દુ મંદિર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે અજમેરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. એક સંગઠને સ્વસ્તિક ચિહન સાથેના ફોટા શેર કર્યા છે અને જણાવ્યું હતું કે આ જાળી દરગાહ શરીફમાં આવેલી છે. આ નિશાનીના આધારે કહેવામાં આવ્યું હતું કે એ એક હિન્દુ મંદિર છે.
સૂફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહમાં કોઈપણ ભાગમાં આવી કોઈ જાળી મળી ન હતી, જેના પર સ્વસ્તિકકનું નિશાન બનાવવામાં આવ્યું હોય તેમજ એવા કોઈ પથ્થરો મળ્યા નથી, જેમાં મહારાણા પ્રતાપ સેના સંગઠન દ્વારા જાહેર કરવામાં આવેલી તસવીરમાં નજરે પડે છે. થોડા સમય પહેલાં રાજસ્થાન સરકારે એક પ્રોજેક્ટ હેઠળ દરગાહ નિઝામ ગેટ, અકબરી મસ્જિદદ અને ક્વીન મેરી હોઝનો હેરિટેજ લુક પરત કરવામાં આવ્યો હતો. આ ઇમારતોમાં ગમે ત્યાં કોઈપણ પથ્થરમાં આવા કોઈ ચિહ્નો મળ્યાં નથી. ભાસ્કરની ટીમ ગુરુવારે રાત્રે દરગાહ પર પહોંચી હતી અને સમગ્ર પરિસરની તપાસ કરી હતી. એમાં જે વાસ્તવિકતા બહાર આવી હતી એ આ હતી. ગુંબદ શરીફ એટલે કે આસ્તાના શરીફઃ આસ્તાના શરીફની ચારેબાજુ આરસની સુંદર જાળીઓ લાગેલી છે. આ જાળીઓ પણ એ પથ્થરોની નથી, જે મહારાણા પ્રતાપ સેના દ્વારા વાઇરલ ફોટામાં જાવા મળે છે તેમજ અહીં આવા મોટા પથ્થરો પણ નથી. બુલંદ દરવાજાઃ મજબૂત અને મોટા પથ્થરોથી બુલંદ દરવાજા બનેલો છે. આ પથ્થરો પર ક્યાંય જાળી નથી તેમજ આ પથ્થરો પર કોઈક ધાર્મિક પ્રતીક પણ દેખાતાં નથી.
ગુરુવારે, એક સંગઠન મહારાણા પ્રતાપ સેનાએ ભારતની રાષ્ટ્રીય એકતાની સૌથી મોટી નિશાની, મહાન સૂફી સંત હઝરત ખ્વાજા મોઇનુદ્દીન હસન ચિશ્તીની દરગાહને હિન્દુ મંદિર ગણાવીને સનસનાટી મચાવી દીધી છે. આ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજવર્ધન સિંહ પરમારે રાજસ્થાનના મુખ્યમંત્રીને પણ મેમોરેન્ડમ મોકલીને દરગાહનો સરવે કરાવવા જણાવ્યું છે, નહીં તો તેઓ પોતે હજારોની સંખ્યામાં સમર્થકો સાથે અજમેર પહોંચી જશે. પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દરગાહની અંદર બારીઓ અને ઘણી જગ્યાઓ પર હિન્દુ ધાર્મિક પ્રતીકો પણ છે, જેમાં સ્વસ્તિકકનું નિશાન મુખ્ય છે. આ દાવો થોડી જ વારમાં વાઇરલ થઈ ગયો હતો. બીજી તરફ, દરગાહ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓએ એસપીને ફરિયાદ કરી છે. ધમકી બાદ જિલ્લા પોલીસ અને વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે.
એડીએમ સિટી ભાવના ગર્ગ, એડિશનલ એસપી વૈભવ, સીઓ રામઅવતાર અને અન્ય પોલીસ અધિકારીઓએ દરગાહ સંકુલની મુલાકાત લીધી હતી. દરગાહની સુરક્ષા માટે વધારાની પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવી છે. સાઆઈડી ઝોન અને અન્ય સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ પર છે. અખિલ ભારતીય કૌમી એકતા સમિતિના પ્રદેશ પ્રમુખ ડા.એ.એસ.ખાન ભારતી અને જિલ્લા પ્રમુખ બદરુદ્દીન કુરેશીએ સી.એમ. અશોક ગેહલોતને કલેક્ટર દ્વારા આવેદનપત્ર મોકલીને ધાર્મિક સ્થળો વિશે અફવા ફેલાવનારા લોકો સામે કાર્યવાહી કરવાની માગણી કરી હતી.
દરગાહ દીવાન સૈયદ જૈનુઅલ આબેદિન અલી ખાને પણ નિંદા કરી છે. દીવાને એક નિવેદન બહાર પાડ્યું કે ખ્વાજા સાહેબની દરગાહ, જેમાં તમામ ધર્મના લોકો આવે છે. અહીંથી શાંતિ અને પ્રેમનો સંદેશ પહોંચે છે. અંજુમન યાદગારના સદર સુભાન ચિશ્તીએ પણ તેની નિંદા કરી છે. દરગાહ કમિટી સદર અમીન પઠાણે જણાવ્યું હતું કે દરગાહ શરીફ ગંગા જમુની તહઝીબ અને ભારતના તમામ ધર્મો અને સંપ્રદાય માટે પવિત્ર અને આસ્થાનું સ્થાન છે. આ રીતે દરગાહને બદનામ કરવાનું મોટું ષડયંત્ર છે, જેનો હેતુ માત્ર જુઠ્ઠાણાં અને ભ્રમ ફેલાવવાનો છે.
અંજુમન સદર દરગાહના ખાદીમોના મુખ્ય સંગઠન અંજુમન સૈયદ જાદગાનના સદર હાજી સૈયદ મોઈન હુસૈન ચિશ્તીએ એને પાયાવિહોણું અને કોઈ જ આધાર વિનાનું ગણાવ્યું અને કહ્યું કે આવી હરકતથી કરોડો લોકોની આસ્થાને ઠેસ પહોંચી છે. સાડાઆઠસો વર્ષથી ગરીબ નવાઝનો દરબાર છે. અહીં દરેક યુગમાં એના શાસકો આવીને માથું ટેકવતા હતા. આ દરબારથી એટલે કે ગરીબ નવાઝના જીવન સાથે ખુદ્દામ જાડાયેલો છે અને એનું કામ કરી રહ્યો છે. ખ્વાજા સાહેબના દરબારમાં ૭૦% જેટલા હિંદુ ધર્મના લોકો આવે છે. તેઓ માનતા માને છે. જ્યારે માનતા પૂર્ણ થાય ત્યારે શુકરાના ચઢાવવા આવે છે. સેક્રેટરી સૈયદ વાહિદ હુસૈન અંગારાશાહે કહ્યું હતું કે કેટલાક લોકો દેશભરમાં સક્રિય છે, જેઓ શાંતિ નથી ઈચ્છતા.