કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. મણિરત્નમ અને એઆર રહેમાન જેવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મ સાથે જાડાયેલા છે. મણિરત્નમ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે જ્યારે એઆર રહેમાને ફિલ્મમાં સંગીત આપ્યું છે. આ ફિલ્મ સાથે એક અન્ય કલાકાર સંકળાયેલા છે જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. આ બીજું કોઈ નહીં પણ કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન છે. શ્રુતિ હાસને ફિલ્મમાં એક ગીત ગાયું છે.
અહેવાલ અનુસાર, શ્રુતિ હાસને કહ્યું છે કે, ‘હું મારા જીવનમાં ઘણા સમયથી ગાતી આવી છું અને લોકોને મારા ગીતો ગમ્યા છે, પરંતુ ક્યારેય આ પ્રકારનો પ્રતિસાદ મળ્યો નથી. જે લોકો મને પસંદ નથી કરતા તેઓએ પણ મને પિંગ કર્યું. મને ખબર નથી કે કેટલી દીકરીઓ તેમના પિતા માટે આ રીતે ગાઈ શકે છે. હું તેને ક્યારેય હળવાશથી લેતી નથી.’
શ્રુતિ હાસને આગળ કહ્યું, ‘સામાન્ય રીતે, જ્યારે હું ગીત ગાવા જાઉં છું, ત્યારે હું તેને સ્ટુડિયોમાં લઈ જાઉં છું અને ત્યાં તેના પર કામ કરું છું. પરંતુ સર (રહેમાન) એટલા દયાળુ હતા કે તેમણે થોડા દિવસ અગાઉ મને તે મોકલ્યું, જેથી હું મારા પિયાનો સાથે તેના પર કામ કરી શકું, તે ખરેખર મદદરૂપ હતું.’
તાજેતરમાં, ‘ઠગ લાઈફ’નું ભવ્ય ઓડિયો લોન્ચ થયું. આમાં શ્રુતિ હાસને આ ગીત લાઈવ ગાયું હતું. આ ગીત પ્રેક્ષકો અને વિવેચકોમાં ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. એ.આર. રહેમાનના સંગીત અને મણિરત્નમના દિગ્દર્શનથી, આ ગીત હૃદયસ્પર્શી બન્યું. આ તક શ્રુતિ હાસન માટે એક કલાકાર તરીકે અને કમલ હાસનની પુત્રી બંને તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તમને જણાવી દઈએ કે કમલ હાસનની ફિલ્મ ‘ઠગ લાઈફ’નું નિર્દેશન મણિરત્નમ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ તમિલ ભાષાની ગેંગસ્ટર એક્શન ડ્રામા છે. આ ફિલ્મ ૫ જૂન ૨૦૨૫ ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે કમલ હાસન ઉપરાંત, આ ફિલ્મમાં સિલમ્બરસન ટીઆર, ત્રિશા કૃષ્ણન, જાજુ જ્યોર્જ, અશોક સેલ્વન, ઐશ્વર્યા લક્ષ્મી, નાસેર, અલી ફઝલ અને રોહિત સરાફ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે.












































