આજના ડિજિટલ યુગમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે શારીરિક પ્રવૃત્તિનું મહત્વ સમજાવતા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે કોમર્સ અને આટ્ર્સ વિભાગના વિદ્યાર્થીઓ માટે એક ભવ્ય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં શારીરિક કૌશલ્ય વધારવાનો અને તેમના મનને પ્રસન્નતાનો અનુભવ કરાવવાનો હતો. રમતોત્સવમાં વિદ્યાર્થીઓએ દોડ, કૂદ, દોરડાં ખેંચ, કોથળા દોડ, સંગીત ખુરશી, એકપગી દોડ, ખો-ખો અને નારગોલ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ રમતોત્સવને સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, કોઠારી સ્વામી અક્ષરમુક્ત દાસજી સ્વામી, શુકદેવજી સ્વામી, ડાયરેક્ટર વ્યાસ અને કોમર્સ આટ્ર્સ વિભાગના આચાર્ય કમલેશભાઈ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના સફળ આયોજન માટે પીટી ટીચર દીપકભાઈ વાળા અને ઝાલા દિગ્ગજસિંહ દ્વારા સુંદર સેવાઓ આપવામાં આવી હતી. રમતોમાં વિજેતા બનેલા વિદ્યાર્થીઓને મેડલ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પણ ઇનામ આપીને પ્રોત્સાહિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગુરુકુળના કોઠારી સ્વામી અક્ષરમુક્ત દાસજી અને આચાર્ય કમલેશભાઈએ ભારે જહેમત ઉઠાવી હતી.





































