સોમનાથમાં પ્રતિવર્ષ યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રવર્તમાન હવામાન પરિસ્થિતિને લઈને તારીખોમાં ફેરફાર કરાયો છે. કાર્તિકી  પૂર્ણિમાનો મેળો અગાઉ તારીખ ૧ થી ૫ નવેમ્બર દરમિયાન યોજાવાનો હતો, તેના બદલે હવે ૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન મેળો યોજાશે. આ ઉપરાંત કાર્તિકી એકાદશીથી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ સુધી સોમનાથ મંદિરના દર્શન, પૂજા-વિધિ, આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે.શ્રદ્ધા અને લોકસંસ્કૃતિના પાવનધામ એવા પ્રથમ જ્યોતિ‹લગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં વર્ષ ૧૯૫૫થી પ્રતિવર્ષ યોજાતો પરંપરાગત કાર્તિક પૂર્ણિમા લોકમેળો-૨૦૨૫ કે, જે આગામી તારીખ ૧ થી ૫ નવેમ્બર ૨૦૨૫ સુધી નિર્ધારિત કરવામાં આવ્યો હતો, આ મેળાને પ્રવર્તમાન અસામાન્ય હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, સોમનાથ ટ્રસ્ટ દ્વારા તારીખ ૨૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજવાનો મહત્વપૂર્ણ અને જનહિતકારી નિર્ણય લેવામાં આવ્યો છે.શ્રી સોમનાથ મંદિર સપૂર્ણ થયું અને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું તે પુણ્ય દિન એટલે સંકલ્પ સિદ્ધિ દિવસ પર મેળાનું સમાપન થશે. કાર્તિકી પૂર્ણિમા પર્વે ટ્રસ્ટ દ્વારા આયોજિત આ મેળામાં લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આવતા હોય છે. જેથી મુલાકાતીઓ, સ્ટોલ ધારકો અને વેપારીઓના સમગ્રલક્ષી હિતને અનુલક્ષીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.તા.૦૧ નવેમ્બર ૨૦૨૫ થી ૪ નવેમ્બર ૨૦૨૫ સુધી એટલે કે કાર્તિકી એકાદશી (દેવ ઊઠી એકાદશી)થી કાર્તિકી પૂર્ણિમાના પાવન પર્વ સુધી શ્રી સોમનાથ મંદિરના દર્શન, પૂજા-વિધિ અને આરતીના કાર્યક્રમો નિર્ધારિત સમય મુજબ યથાવત રહેશે, તેમજ દર્શનનો સમય ૧ કલાક વધારીને રાત્રિના ૧૧ઃ૦૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ૦૫ નવેમ્બર ૨૦૨૫ના રોજ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રે ૧૨ઃ૦૦ વાગ્યે શ્રી સોમનાથ મહાદેવની મહાઆરતી યોજાશે અને રાત્રે ૦૧ઃ૦૦ વાગ્યા સુધી મંદિરમાં દર્શનનો લાભ મળશે.