મહંત રઘુબરદાસઃ ઈ. સ. ૧૮૫૭માં શ્રી રામજન્મભૂમિ હિન્દુઓને સોંપી દેવા મુસ્લિમો માની ગયા હતા પરંતુ અંગ્રેજોએ બાબા રામચરણદાસ અને આમીર અલીને ફાંસી આપી દેતાં વળી વિષય લટકી ગયો. તે પછી ઈ. સ. ૧૮૫૮માં આ લડાઈએ વિધિકીય (કાનૂની) સ્વરૂપ પકડ્‌યું. પરિસરમાં હવન, પૂજા કરવા સામે પોલીસમાં એફ.આઈ. આર. થઈ. એક ડિસેમ્બર ૧૮૫૮માં અવધના થાનેદાર શીતલ દુબેએ પોતાના રિપાર્ટમાં નોંધ્યા મુજબ, પરિસરમાં ચબૂતરો બનેલો છે. આ પહેલો વિધિકીય દસ્તાવેજ છે જેમાં પરિસરની અંદર શ્રી રામના પ્રતીક હોવાનું પ્રમાણ હતું. તે પછી તારની એક વાડ ઊભી કરીને વિવાદિત ભૂમિની અંદર અને બહારના પરિસરમાં મુસ્લિમો અને હિન્દુઓને અલગ-અલગ પૂજા અને નમાજ કરવાની અનુમતિ અપાઈ હતી. તેનાં ૨૭ વર્ષ પછી ઈ. સ. ૧૮૮૫માં આ લડાઈ હવે ન્યાયાલય પહોંચી. આ ખૂબ દૂરંદેશીભર્યું કામ કહેવાય અને તેથી તે કામ કરનાર મહંત રઘુબરદાસને આપણે નાયકની શ્રેણીમાં મૂક્યા છે. આનું કારણ એ છે કે હિન્દુઓ સામાન્યતઃ પોતાના ઇતિહાસનું દસ્તાવેજીકરણ કરવામાં આળસુ રહ્યા છે. તેની સાથોસાથ પોલીસમાં ફરિયાદ કરવી, ન્યાયાલયમાં યાચિકા કરીને લડત આપવી તેમાં તો વધુ આળસુ અને તે કરતાંય કાર્ટ-કચેરીના ધક્કા કોણ ખાય તેવી માનસિકતા રહી છે જ્યારે સામા પક્ષે અત્યારે પણ આપણે જોઈએ છીએ કે સીએએ હોય કે એનઆરસી કે કલમ ૩૭૦, આ બધાના વિરોધીઓ તરત જ યાચિકા ન્યાયાલયની અંદર કરી દે છે. આજના સમયમાં પણ આ સ્થિતિ છે તો વિચારો કે બ્રિટિશરોના સમયમાં જ્યારે ન્યાયાલયમાં ન્યાય મળતો જ નહોતો તેવા સમયે એક મહંતે આ વિચાર કર્યો ! ૨૦૧૭થી શ્રી રામજન્મભૂમિ વિષયે ન્યાયાલયમાં સુનાવણીની ગતિ વધી ત્યારથી મીડિયામાં જે ઇતિહાસ આવતો હતો તેમાં તમે ગૂગલ સર્ચ કરશો તો ઈ. સ. ૧૮૮૫થી જ મળશે. ઈ. સ. ૧૫૨૮માં શ્રી રામમંદિર તોડી પાડવામાં આવ્યું ત્યારથી લઈને ઈ. સ. ૧૮૮૫ સુધી અલગ-અલગ હિન્દુઓ અને શીખોએ કોઈ મોટા નેતા કે સંગઠન વગર સંઘર્ષ કરે રાખ્યો, મોગલોનું લોહી રેડ્‌યું, પોતાનું લોહી વહેવડાવ્યું તે ઇતિહાસ તો ક્યાંય આવતો જ નથી. પરંતુ ઈસ. ૧૮૮૫માં પહેલી ન્યાયિક લડાઈ શરૂ થઈ તે આવે છે. અને આ આપવું પડે છે કારણકે આ દસ્તાવેજી નોંધાયેલી હકીકત છે. એટલે મહંત રઘુબરદાસને આપણા કોટિ-કોટિ વંદન હોવા ઘટે. તે સમયે ન તો સંઘ હતો, ન તો વિશ્વ હિન્દુ પરિષદ કે ન તો ભાજપ. એટલે આ સંગઠનોએ વીસમી સદીમાં લડાઈ આરંભી તેના કારણે કાંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષોએ (અને તેથી તે સમયના મીડિયાએ) આને ‘કોમવાદી બાબત’ ગણાવી, હિન્દુ-મુસ્લિમોને અંદરોઅંદર ઝઘડાવીને રાજકીય લાભ ખાટવાની બાબત ગણાવી તે આખી વાતને આડા પાટે ચડાવીને સેક્યુલર હિન્દુઓને ભ્રમિત કરવાની ચાલ હતી.
મહંત રઘુબરદાસે ફૈઝાબાદ (ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે તેનું નામ અયોધ્યા જિલ્લો કરી નાખ્યું છે) ન્યાયાલયમાં સ્વામિત્વ માટે દીવાની કેસ કર્યો. તેમણે મસ્જિદ જેવા ઢાંચાના બહારના આંગણામાં રામ ચબૂતરા પર બનેલા અસ્થાયી મંદિરને પાકું બનાવવા અને છત નાખવાની માગણી કરી હતી. ન્યાયાધીશ પંડિત હરિકિશનસિંહે નિર્ણય આપ્યો કે ત્યાં હિન્દુઓને પૂજા-અર્ચના કરવાનો અધિકાર તો છે પરંતુ જિલ્લા અધિકારી (કલેક્ટર)ના નિર્ણય વિરુદ્ધ મંદિરને પાકું બનાવવા અને છત નાખવાની અનુમતિ નહીં આપી શકે. મહંત રઘુબરદાસને અને હિન્દુઓને તે સમયે ભલે નિરાશા લાગી હશે પરંતુ આજે પાછળ ફરીને જોતાં લાગે છે કે આજથી ૧૩૯ વર્ષ પહેલાં આ કેસ કરવાથી ઉપર જણાવ્યું તેવા આક્ષેપથી મુક્તિ મળી અને સંઘર્ષ સ્વતંત્રતા પછીનો છે અથવા સ્વતંત્રતા પહેલાં મુસ્લિમોએ પાકિસ્તાન માગ્યું તેના કારણે ઉદ્‌ભવ્યો હતો તેવા કુતર્કનો છેદ ઊડી જાય છે.
ઈ. સ. ૧૮૯૮માં તીર્થ રક્ષિણી સભાઃ બ્રિટિશરો સત્તામાં હતા તેમને ઉવેખીને કંઈ થઈ શકે તેમ નહોતું. તેમની ભક્તિ નહોતી કરવાની પરંતુ ઈ. સ. ૧૮૯૮માં પાટવી કુંવર ઍડવર્ડ સપ્તમના જન્મદિને (જે પછી ઈ. સ. ૧૯૦૧માં બ્રિટનના રાજા થવાના હતા) દશરથ મહલ અથવા બડા સ્થાન તરીકે જાણીતા સ્થાનના મહંત મનોહર પ્રસાદે શ્રી રામજન્મભૂમિની રક્ષા માટે તીર્થ રક્ષિણી વિવેચિની સભા બનાવી. આ સભાએ લોકો પાસેથી પૈસા ઉઘરાવી રૂ. ૧,૦૦૦ની રકમ એકત્ર કરી. એ સમયે આના અને પાઈમાં હિસાબ થતો. એટલે રૂ. ૧,૦૦૦ની રકમ આજના અબજો રૂપિયા જેટલી ગણાય. આ પૈસાથી તેમણે મંદિરો અને કુંડને ઓળખવાનું અને તેમના નામો દર્શાવવાનું કામ કર્યું. આવા દરેક ઓળખાયેલા સ્થાન પાસે માઇલસ્ટાનની જેમ ગુલાબી પથ્થર પર સ્થાનના નામની તકતી મૂકવામાં આવી. આવાં શિલાપટ ૧૦૩ સ્થાનોએ મૂકવામાં આવ્યાં હતા. આ પરિસર માટે શ્રી રામજન્મભૂમિ શબ્દ અહીંથી વપરાતો થયો. એટલે વિશ્વ હિન્દુ પરિષદે ૧૯૮૦ના દાયકામાં જે કામ દેશના ખૂણેખૂણે કર્યું તેવું જ કામ મહંત મનોહર પ્રસાદ ઈશ્વરની
આભાર – નિહારીકા રવિયા પ્રેરણાથી ૧૯મી સદીમાં કરી ચૂક્યા હતા. હા, જો આ કામ સમગ્ર દેશમાં એ સમયે થયું હોત અને સમગ્ર દેશ આ મુદ્દે જાગૃત થયો હોત તો હિન્દુઓમાં અભૂતપૂર્વ જાગૃતિ આવત અને કદાચ પાકિસ્તાન અલગ ન પડત. મુસ્લિમ તુષ્ટિકરણથી દેશ બચ્યો હોત. આવી એક નામદર્શક તકતી રામ ચબૂતરાની સામે મૂકવામાં આવી હતી. મસ્જિદ જેવા ઢાંચા અને રામ ચબૂતરાને અલગ પાડતી રેખા પાસે જ તે હતી. મુસ્લિમોએ તેની સામે વાંધો ઉઠાવતાં આ વિષય ન્યાયાલયમાં પહોંચ્યો. ઈ. સ. ૧૯૦૩માં ન્યાયાલયે કહ્યું કે નામદર્શક તકતી રામ ચબૂતરાની આગળ છે, મસ્જિદ આગળ નથી. ન્યાયાલયે સારો નિર્ણય આપતાં કહ્યું કે જે કોઈ આ તકતી ઉખાડવાનો પ્રયાસ કરશે તેણે રૂ. ૩,૦૦૦ (એટલે આજના અબજો રૂપિયા)નો દંડ ભરવો પડશે અને ત્રણ વર્ષ જેલ ભોગવવી પડશે.
બાબા રાઘવદાસઃ ભાજપ પર આક્ષેપ થાય છે કે તેમણે શ્રી રામમંદિરના મુદ્દાનું રાજનીતિકરણ કરીને તેનો ફાયદો ઉઠાવ્યો પરંતુ આની શરૂઆત કાંગ્રેસની અંદર રહેલા જમણેરી નેતાઓએ ઈ. સ. ૧૯૪૯માં જ કરી હતી. તેઓ ભારતની જનભાવનાથી સુપરિચિત હતા. કાંગ્રેસ સ્વતંત્રતા માટે લડતી હતી તેથી તેમાં જમણેરી, ડાબેરી, સામ્યવાદી, ગાંધીવાદી બધી જ વિચારધારાના નેતાઓ હતા. ઈ. સ. ૧૯૪૯માં નહેરુ ઈચ્છતા હતા કે આચાર્ય નરેન્દ્ર દેવ નામના સમાજવાદીને અયોધ્યાની પેટા ચૂંટણીમાં સમર્થન આપી જીતાડી ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન બનાવવામાં આવે. સમાજવાદીઓ એટલે આજના મુલાયમસિંહ- અખિલેશ યાદવના વૈચારિક પૂર્વજ રાજકારણીઓ. આચાર્ય નરેન્દ્ર દેવ નાસ્તિક હતા. તેમની સામે કાંગ્રેસે બરહજ (દેવરિયા)ના બાબા રાઘવદાસને પ્રત્યાશી બનાવ્યા. નરેન્દ્ર દેવ જીતશે તો અયોધ્યાની સંસ્કૃતિ, પરંપરા, માન્યતાઓ વિરુદ્ધ જશે તેથી તેમને હરાવવા જોઈએ તેવો કાંગ્રેસે પ્રચાર કર્યો ! બાબા રાઘવદાસે ચૂંટણીમાં પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ શ્રી રામજન્મભૂમિને અધર્મીઓથી મુક્ત કરાવશે. પેટા ચૂંટણીમાં પાસ્ટર લાગ્યાં તેમાં આચાર્ય નરેન્દ્ર દેવને રાવણની જેમ દેખાડવામાં આવ્યા અને કાંગ્રેસના પ્રત્યાશી બાબા રાઘવદાસને રામની જેમ પ્રસ્તુત કરાયા હતા ! (એ કાંગ્રેસ ક્યાંક ખોવાઈ ગઈ છે). આમ, શ્રી રામજન્મભૂમિનો મુદ્દો ઉઠાવવો તેમજ સાધુને ચૂંટણી લડાવવી એ કામ ભાજપે નહીં, પણ કાંગ્રેસના જમણેરી નેતાઓએ પહેલાં કરી દીધું હતું. ભાજપે તો ૧૯૮૯ અને તે પછીની ચૂંટણીમાં સાધુઓને ટિકિટ આપીને તેનું અનુસરણ જ કર્યું છે. બાબા રાઘવદાસ ૧,૩૧૨ મતોથી જીતી ગયા. જીત પછી બાબા રાઘવદાસ શ્રી રામજન્મભૂમિના મુદ્દાને ભૂલી નહોતા ગયા. તેઓ પોતાનો સંકલ્પ પૂરો કરવામાં લાગી ગયા. અયોધ્યામાં સાધુ-સંતોની બેઠક તેમણે બોલાવી અને કંઈક યોજના બની. આ યોજનાની વાત હવે પછીના નાયકોની વાતમાં નીચે આપેલી છે. ૧૯૪૯ના એ અજ્ઞાત હિન્દુઓઃ સ્વતંત્રતા પછી શ્રી રામજન્મભૂમિ હિન્દુઓને પાછી મળવી જોઈએ તેવો હિન્દુઓનો મત અને સંકલ્પ દૃઢ થયો. ૨૨-૨૩ ડિસેમ્બર ૧૯૪૯ની રાત્રે કથિત મસ્જિદ આકારના ઢાંચાના તાળાં તૂટ્યાં અને તેમાં શ્રી રામલલ્લા સહિતની મૂર્તિઓ પ્રગટ થઈ. આ કામ કરનાર અજ્ઞાત હિન્દુઓને વંદન કરવા જોઈએ કારણ કે તેમણે એ સમયે જશ ખાટવાનો પ્રયાસ કર્યો નહીં. કેટલાંક કામ ચૂપચાપ કરવાના હોય છે. પછીનું કામ આપોઆપ ઈશ્વરની પ્રેરણાથી આગળ વધવા લાગે છે. સાશિયલ મીડિયાના સમયમાં હિન્દુઓએ આ વાત સવિશેષ સ્મરણમાં રાખવાની આવશ્યકતા છે. દરેક બાબતનો વીડિયો, તસવીર હોવી આવશ્યક નથી હોતી. જોકે એમ કહેવાય છે કે આ મૂર્તિઓ મૂકનાર લોકો ત્યાંના ધારાસભ્ય બાબા રાઘવદાસ અને મહંત અવૈધનાથના સમર્થકો હતા.ગોવિંદ વલ્લભ પંત અને કે. કે. નાયરઃ જે સમયે મૂર્તિ પ્રગટ થઈ તે વખતે ગોવિંદ વલ્લભ પંત ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન હતા. ગોવિંદ વલ્લભ પંત કાંગ્રેસની અંદર હોવા છતાં જમણેરી વિચારના હતા. પુરુષોત્તમ દાસ ટંડન વગેરેની જેમ સરદાર પટેલના જૂથના હતા. મૂર્તિ પ્રગટ થઈ તે પછી લોકો શ્રી રામના દર્શન કરવા મોટી સંખ્યામાં આવવા લાગ્યા. મંદિરમાં ભજન-કીર્તન કરવા લાગ્યા. જોકે મુસ્લિમોએ આનો વિરોધ કરતાં તણાવની સ્થિતિ ઊભી થઈ. વડા પ્રધાન નહેરુ તો હિન્દુઓના વિરોધી હતા જ. તણાવના નામે તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન ગોવિંદ વલ્લભ પંતને પત્ર અને તાર (ટેલિગ્રામ)ના માધ્યમથી મંદિરમાંથી મૂર્તિ હટાવવાનો આદેશ આપ્યો. પરંતુ ગોવિંદ વલ્લભ પંતે આ આદેશ માનવાની ના પાડી દીધી.
તે પછી (મૂર્તિ પ્રગટ થવાનો) આ વિષય ન્યાયાલયમાં ગયો. એટલે નહેરુને ફરી તક મળી. તેમણે ૧૭ એપ્રિલ ૧૯૫૦ના દિને ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખી ગંભીર આરોપ લગાવ્યો કે જે લોકો ક્યારેક કાંગ્રેસના સ્તંભ હતા તેવા લોકો આજે સાંપ્રદાયિક બની ગયા છે ! બોલો ! આ લોકોએ મારી વાતને માની નહીં. પરંતુ ગોવિંદ વલ્લભ પંત કલ્યાણસિંહની જેમ જ ટસના મસ ન થયા અને તેમણે કહ્યું કે મૂર્તિ હટાવીશું તો સ્થિતિ વણસશે. ભીડને નિયંત્રિત કરવી અઘરી પડશે. નહેરુ અંતે સરદાર પટેલના શરણે ગયા. આથી સરદાર પટેલે ઔપચારિક પત્ર લખી ગોવિંદ વલ્લભ પંતને પત્ર લખ્યો. ગોવિંદ વલ્લભ પંતે જિલ્લા મેજિસ્ટ્રેટ કે. કે. નાયર પર દબાણ નાખ્યું તો કે. કે. નાયરે પોતાના પદ પરથી ત્યાગપત્ર આપી દીધો. જોકે ઢાંચાનાં તાળાં તૂટેલાં તેને ફરીથી તાળાં લાગી ગયાં હતાં અને પ્રશાસને ભૂમિને પોતાના આધિપત્યમાં લઈ લીધી હતી. ગોપાલસિંહ વિશારદ અને પરમહંસ રામચંદ્રદાસઃ ૧૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિને હિન્દુ મહાસભાના સભ્ય ગોપાલસિંહ વિશારદે અને અયોધ્યામાં દિગંબર અખાડાના પરમહંસ રામચન્દ્રદાસે ફૈઝાબાદ ન્યાયાલયમાં જિલ્લાના અધિકારીઓ અને મુસ્લિમો સામે દીવાની કેસ કર્યો અને મૂર્તિઓ હટાવવા સામે મનાઈ આદેશ માગ્યો. ત્યાં અવિરત પૂજા અને દર્શન માટે પરવાનગી માગી. ૨૬ એપ્રિલ ૧૯૬૫ના દિને ન્યાયાલયે વચગાળાનો આદેશ આપ્યો કે મૂર્તિ ત્યાં જ રહેશે.
ગોપાલસિંહ વિશારદ એટલા પ્રખર રામભક્ત હતા કે તેઓ અયોધ્યા રહેવા જ ચાલ્યા ગયા હતા અને તેઓ શ્રી રામલલ્લાની મૂર્તિની પૂજા કરવા નિયમિત શ્રી રામજન્મભૂમિએ જતા હતા. લાંબી લડાઈ ચાલતાં ગોપાલસિંહ વિશારદ નિરાશ થઈ ગયા હતા અને તેમને લાગ્યું કે કાંગ્રેસ સરકાર આને ઉકેલવા જ નથી માગતી. તેમનું ઈ. સ. ૧૯૮૬માં નિધન થઈ ગયું. હવે તેમના આત્માને શાંતિ મળશે. આ જ રીતે પરમહંસ રામચંદ્રદાસ પણ પ્રચંડ રામભક્ત હતા. તેમની પાસે તર્કોનો અખૂટ ભંડાર હતો. આથી જ તેમને ‘પ્રતિવાદ ભયંકર’ નામથી ઓળખવામાં આવતા હતા કારણકે કોઈ કુતર્ક કરતા તો તેઓ પાસે તેનો તાર્કિક તોડ રહેતો હતો. ઈ. સ. ૧૯૮૪માં દિલ્લીમાં થયેલી પહેલી ધર્મ સંસદથી તેઓ સતત આંદોલનને પ્રેરક શક્તિ પૂરી પાડી રહ્યા હતા. તેમને શલાકા પુરુષ પણ કહેવાતા હતા. ઈ. સ. ૨૦૦૨માં તેમણે ફૈઝાબાદ (હવે અયોધ્યા) પ્રશાસનને શિલાઓ દાનમાં આપી હતી. તેમની ઈચ્છા હતી કે જ્યારે પણ શ્રી રામમંદિર બને ત્યારે આ શિલાઓનો તેમાં ઉપયોગ થાય. તે સમયે અટલજીની સરકાર હતી. વડા પ્રધાન કાર્યાલય (પીએમઓ)માં અયોધ્યા વિભાગ સંભાળતા પ્રધાન (અને અભિનેતા) શત્રુÎનસિંહા વિશેષ વિમાનથી આ શિલા લેવા અયોધ્યા આવ્યા હતા. પોતાના જીવનના અંતિમ કાળમાં ૧૪ જૂન ૨૦૦૩ના દિને લખનઉ પીજીઆઈમાં તેમણે પોતાના જીવનની ત્રણ અભિલાષા કહી હતી – ૧. શ્રી રામમંદિર, શ્રી કૃષ્ણ મંદિર અને કાશી વિશ્વનાથ મંદિર બને. ૨. દેશમાં ગૌહત્યા બંદી થાય. ૩. અખંડ ભારત જોવું છે. તેઓ સદૈવ કહેતા હતા કે મને મોક્ષની નહીં, મંદિરની કામના છે. નવાઈની વાત એ છે કે શ્રી રામમંદિરની સામે કેસ લડનાર મુસ્લિમ ઇકબાલ અન્સારી અને પરમહંસ રામચંદ્ર દાસ વચ્ચે મિત્રતા બની ગઈ હતી. શ્રી રામજન્મભૂમિ ખાતે મસ્જિદ આકારના ઢાંચાનાં તાળાં ખોલવાનો શ્રેય ફૈઝાબાદ ન્યાયાલયના ન્યાયાધીશ કૃષ્ણમોહન પાંડેયને મળે છે. અને કાંગ્રેસ આ શ્રેય તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીને આપે છે. પરંતુ તે પહેલાં ૧૯૮૫માં કર્ણાટકના ઉડુપીમાં મળેલી બીજી ધર્મસંસદમાં પરમહંસ રામચંદ્ર દાસે ઘોષણા કરી હતી કે ૮ માર્ચ ૧૯૮૬ ને મહા શિવરાત્રિ સુધીમાં જો જન્મભૂમિ પર તાળાં નહીં ખોલવામાં આવે તો તેઓ તાળાં ખોલો આંદોલનને તાળાં તોડો આંદોલનમાં ફેરવી દેશે. તેમના આ તીખા વલણના કારણે જ ઉપરોક્ત ચુકાદો આવી શક્યો હતો.
ઈ. સ. ૧૯૮૯માં પ્રયાગ મહા કુંભમાં પરમહંસ રામચંદ્રદાસના નેતૃત્વમાં થયેલી ત્રીજી ધર્મસંસદમાં શિલા પૂજન અને શિલાન્યાસનો સંકલ્પ લેવાયો હતો. આ સંકલ્પથી શ્રી રામજન્મભૂમિ મુક્તિનું આંદોલન તેજ થયું. આ જ રીતે ૨૦૦૨માં અયોધ્યાથી દિલ્લી સુધી ચેતવણી સંત યાત્રા નીકળી હતી તેનું નેતૃત્વ પણ પરમહંસ રામચંદ્રદાસે કર્યું હતું. સરયૂ તટ પર તેઓશ્રીની સમાધિ બની છે. (હજુ પણ નાયકો અને ખલનાયકોની વાત બાકી છે. તેમને આવતા અંકે પૂરી કરીશું.) (ક્રમશઃ)