શ્રીલંકામાં દાયકાઓ બાદ સૌથી ખરાબ આર્થિક સંકટની વચ્ચે પેટ્રોલ-ડીઝલની ભારે અછતને પગલે શુક્રવારે સ્કૂલો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે અને અધિકારીઓને કામ પર નહીં આવવા વિનંતી કરવામાં આવી છે. શ્રીલંકાની સરકારે જરૂરી સેવાઓ સંલગ્ન કામ કરનારાઓ સિવાય, સરકારી અધિકારીઓને દેશભરમાં વર્તમાન ઈંધણની અછતને ધ્યાનમાં રાખીને ઓફિસ પર નહીં આવવા કહેવામાં આવ્યું છે.
રાજ્ય સરકાર દ્વારા માન્ય ખાનગી અને સરકારી સ્કૂલો પણ ઈંધણની વધતી અછતની વચ્ચે શુક્રવારે બંધ કરી દેવામાં આવી છે. હજોરો લોકો દેશભરમાં પેટ્રોલ પંપો પર લાંબી લાઈન લગાવીને ઉભા રહ્યા હતા. અહીંયા નોંધવું રહ્યું કે, શ્રીલંકામાં પેટ્રોલ લગભગ ખત્મ થઈ ગયું છે અને અન્ય ઈંધણમાં પણ ભારે અછત સર્જાવા માંડી છે.
શ્રીલંકાની સરકાર હાલમાં ઈંધણ, ગેસ અને અન્ય જરૂરી વસ્તુઓની આયાતનું ચૂકવણુ કરવા માટે પૈસા એકત્ર કરવામાં સંઘર્ષ કરી રહી છે, કારણ કે આ દેશ હાલ આર્થિક દેવાળું ફૂંકે તેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. દેશભરમાં પેદા થયેલા આર્થિક સંકટથી એક નવું રાજકીય સંકટ પણ પેદા થયું છે. સરકારે વ્યાપક વિરોધ અને અશાંતિનો સામનો કરવો પડી રહ્યો છે. મહિનાઓથી શ્રીલંકાના રહેવાસીઓએ જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે, જેમાંથી મોટાભાગના સામાન વિદેશી આયાત કરવામાં આવતો હતો. ચલણની કમીને લીધે કાચા માલની આયાત કરવામાં મુશ્કેલી પડી રહી છે. દેશભરમાં દિવસ દરમિયાન ચાર કલાક વીજ કાપની જોહેરાત કરાઈ છે.