ક્રિકેટ જગત પર મેચ ફિક્સિંગનો પડછાયો સતત છવાયેલો રહે છે, જેમાં શ્રીલંકાના ભૂતપૂર્વ ખેલાડી સચિત્ર સેનાનાયકે હવે દોષિત ઠેરવવામાં આવ્યા છે. શ્રીલંકામાં યોજાનારી લંકા પ્રીમિયર લીગની ૨૦૨૦ સીઝનમાં, સચિત્ર સેનાનાયકે પર સાથી ખેલાડીને ફિક્સિંગ માટે લલચાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં તેમની ધરપકડ પણ થઈ હતી, પરંતુ બાદમાં ૨૦૨૩ માં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. હવે આ કેસમાં તપાસ પૂર્ણ થતાં, સેનાનાયકે મેચ ફિક્સિંગનો દોષી ઠેરવવામાં આવ્યો છે.
જ્યારે શ્રીલંકાના ભૂતપૂર્વ ટીમના ખેલાડી સચિત્ર સેનાનાયકે પર મેચ ફિક્સિંગનો આરોપ મૂકવામાં આવ્યો હતો, ત્યારથી આ કેસમાં તપાસ ચાલી રહી હતી. હવે હંબનટોટા હાઈકોર્ટે તેમને મેચ ફિક્સિંગનો દોષી ઠેરવ્યો છે, જેમાં તેમને લંકા પ્રીમિયર લીગમાં સાથી ખેલાડીને લલચાવવાનો પ્રયાસ કરવાનો દોષી સાબિત થયો છે. એટર્ની જનરલના વિભાગે જણાવ્યું હતું કે શ્રીલંકામાં તાજેતરમાં લાગુ કરાયેલા ભ્રષ્ટાચાર વિરોધી કાયદા હેઠળ મેચ ફિક્સિંગ માટે રાષ્ટ્રીય સ્તરના ક્રિકેટર પર આ પ્રકારનો આ પહેલો આરોપ છે. આ કેસમાં, સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, તેમણે કોલંબો કિંગ્સ તરફથી રમતા થરિનદુ રત્નાયકેને ફિક્સિંગની ઓફર કરી હતી.
જ્યારે ૨૦૧૪ માં શ્રીલંકાની ટીમે આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ ટ્રોફી જીતી હતી, ત્યારે સચિત્ર સેનાનાયકે પણ તે ટીમનો ભાગ હતા. ૪૦ વર્ષીય સેનાનાયકે ૨૦૧૨ થી ૨૦૧૬ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું હતું જેમાં તેમને શ્રીલંકન ટીમ માટે ૪૯ વનડે અને ૨૪ ટી ૨૦ મેચ રમવાની તક મળી હતી. આ દરમિયાન, તેમણે વનડેમાં ૫૩ વિકેટ લીધી હતી, જ્યારે સેનાનાયકે ટી ૨૦ માં કુલ ૨૫ વિકેટ લીધી હતી. ૨૦૧૩ ની આઇપીએલ સીઝનમાં કોલકાતા નાઈટ રાઇડર્સનો ભાગ બન્યા ત્યારે સચિત્ર સેનાનાયકેને ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમવાની તક પણ મળી હતી. સચિત્રને આઇપીએલમાં કુલ ૮ મેચ રમવાની તક મળી હતી જેમાં તેમણે ૨૩.૨૨ ની સરેરાશથી ૯ વિકેટ લીધી હતી.













































