રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૫મી જન્મ જયંતી નિમિત્તે અમરેલી ખાતે આવેલ શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ દ્વારા ગાંધી બાગમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કેમ્પસના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને કેમ્પસ ડાયરેક્ટરની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ “ગાંધીબાપુ અમર રહો”ના નારા લગાવ્યા હતા અને “વૈષ્ણવજન તો તેને કહીએ” ભજનની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં કેમ્પસની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઇ પેથાણીએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, “ગાંધીજીએ સત્ય અને અહિંસક પ્રતિકારના માર્ગે ભારતને સ્વતંત્રતા અપાવી હતી. આજે આપણે તેમના સાદગી, અહિંસા અને સ્વચ્છતાના સિદ્ધાંતોને અનુસરવાની જરૂર છે.”