અમરેલી તારીખ ૯ જૂન ૨૦૨૫ ના રોજ નવું શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ ના પ્રથમ દિવસે શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને શ્રીમતી ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલના બાલમંદિરથી ધોરણ ૧૨ના ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને હર્ષોલ્લાસ સાથે શાળામાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક વર્ષમાં ઉત્સાહ અને ઉમંગ તેમજ નવી ઉર્જા સાથે અભ્યાસ અને સહ-અભ્યાસકીય પ્રવૃત્તિઓ અને સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી હતી. પ્રમુખ વસંતભાઈ ગજેરાના વિચારો મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેવું આ સંસ્થામાં પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવતું હોય તે મુજબ દરેક વિદ્યાર્થી પોતાની આવડત મુજબ આગળ વધે અને કેમ્પસમાં મળતી સુવિધાઓનો બહોળો લાભ મેળવે તેવી મેનેજમેન્ટ તરફથી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. આ પ્રથમ દિવસ સૌને યાદગાર રહે તે માટે શાળા મેનેજમેન્ટ તરફથી વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મા સરસ્વતીની પ્રાર્થના કરવામાં આવી હતી. સાથે જ શાળા બિલ્ડીંગ શણગારવામાં આવી હતી તેમજ સેલ્ફી પોઇન્ટ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ તકે સંસ્થાના પ્રમુખ વસંતભાઈ ગજેરા, મંત્રી ચતુરભાઈ ખૂંટ, મનસુખભાઈ ધાનાણી, કેમ્પસ ડાયરેક્ટર વસંતભાઈ પેથાણી, તમામ સુપરવાઇઝરો, તમામ પ્રિન્સિપાલ તેમજ તમામ શૈક્ષણિક સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષની શુભકામનાઓ પાઠવેલ હતી.