જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પોલીસને મોટી સફળતા મળી છે. બેમિના વિસ્તારમાં પોલીસે લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન એક પોલીસકર્મી પણ ઘાયલ થયો હતો. આને એક મોટી સફળતા ગણાવી છે, કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષક વિજય કુમારે કહ્યું કે જે દસ્તાવેજો મળ્યા છે તે મુજબ એક આતંકવાદીની ઓળખ અબ્દુલ્લા ઘોરી તરીકે થઈ છે, જે પાકિસ્તાનના ફૈસલાબાદનો રહેવાસી છે.બીજોની ઓળખ અનંતનાગ જિલ્લાના આદિલ હુસૈન મીર ઉર્ફે સુફિયાન તરીકે થઈ છે. પોલીસ રેકોર્ડ મુજબ, આદિલ ૨૦૧૮માં વાઘાથી વિઝા લઈને પાકિસ્તાન ગયો હતો.
તેમણે વધુમાં કહ્યું, “પાકિસ્તાન સ્થિત હેન્ડલરોએ અનંતનાગના પહેલગામના રહેવાસી આતંકવાદી આદિલ હુસૈન મીર સાથે બે પાકિસ્તાની લશ્કરના આતંકવાદીઓને મોકલ્યા હતા. આ તમામ ૨૦૧૮થી પાકિસ્તાનમાં હતા અને અમરનાથ યાત્રા પર હુમલો કરવાની તૈયારીમાં હતા. ત્રણેય માર્યા ગયા છે.”૭ જૂને પાકિસ્તાનના લાહોરના હંઝાલામાં રહેતા એક આતંકવાદીને સુરક્ષા દળોએ સોપોરમાં ઠાર માર્યો હતો.
કાશ્મીર ઝોનના પોલીસ મહાનિરીક્ષકના જણાવ્યા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં સુરક્ષા દળોની કાર્યવાહીમાં ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા છે. જેમાંથી ૭૧ સ્થાનિક અને ૨૯ પાકિસ્તાની છે. ગયા વર્ષે લગભગ આટલા જ સમયમાં ૫૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા.