જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશનના ભાગરૂપે વાનપોરાના નેવા શ્રૃંગાર રોડ પરથી પાંચ કિલો આઇઇડી જપ્ત કર્યું હતું. મળતી માહિતી મુજબ આઇઇડી એક વાસણમાં મુકવામાં આવ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ ટીમે સ્થળ પર પહોંચીને આઈઈડીનો નાશ કર્યો હતો. આ મામલે કેસ નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. વાસ્તવમાં સુરક્ષા દળોને વાનપોરામાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી.
જે બાદ પુલવામા પોલીસ, ૫૦ આરઆર અને ૧૮૩ સીઆરપીએફ દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન રસ્તાની બાજુમાં આઇઇડી પડેલો મળ્યો હતો. જે બાદ કેટલાક શકમંદોને પૂછપરછ માટે લેવામાં આવ્યા છે. સમયસર કાર્યવાહી થતાં મોટી દુર્ઘટના ટળી હતી.
સુરક્ષા દળોને નિશાન બનાવવા માટે, સુરક્ષા દળોએ હાઇવે પર ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના લોલાબ વિસ્તારમાં આતંકવાદીઓ દ્વારા લગાવવામાં આવેલા ૨ કિલો આઇઇડી અગાઉ મળી આવ્યો હતો તેને નિષ્ક્રિય કરીને એક મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું.
દરમિયાન, સવારે ૧૧.૩૦ વાગ્યે, બીએસએફ પેટ્રોલિંગ પાર્ટીને કુપવાડા-કાલારુચ હાઈવે પર પુલની બાજુમાં વાયર-કનેક્ટેડ બેટરી સાથે શંકાસ્પદ ધાતુ મળી આવી હતી. આ પછી આર્મી, બીએસએફ અને એસઓજીની ટીમે સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી હતી. સ્થાનિક લોકોને કોઈ નુકસાન ન થાય તે માટે હાઈવે પર બંને તરફનો વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. આર્મીની બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે ઘટનાસ્થળે પહોંચીને રસ્તા પરથી શંકાસ્પદ વસ્તુને ઉપાડીને જંગલમાં સલામત સ્થળે ખસેડી હતી.
આ પહેલા ઓગસ્ટ મહિનામાં જમ્મુ-કાશ્મીર પોલીસને એક મોટી સફળતા મળી હતી. વાસ્તવમાં જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકવાદીઓ રામ મંદિર અને પાણીપત રિફાઈનરી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
જમ્મુમાંથી પકડાયેલા જૈશના ચાર આતંકવાદીઓ પાકિસ્તાનમાં જૈશ કમાન્ડરોના સંપર્કમાં હતા. તેમાંથી એકની ઓળખ ઉત્તર પ્રદેશના શામલીના રહેવાસી ઈઝહર ખાન તરીકે થઈ હતી. તેનું કામ રામ જન્મભૂમિ અને પાણીપત રિફાઈનરીની રેકી કરવાનું હતું. જો કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે હુમલો કરતા પહેલા જ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. જમ્મુના એડિશનલ ડાયરેક્ટર જનરલ આૅફ પોલીસ મુકેશ સિંહે કહ્યું હતું કે છેલ્લા ૨૦ થી ૨૫ દિવસથી અમે જૈશ મોડ્યુલ પર કામ કરી રહ્યા હતા.