૧૧/૦૯/૨૦૨૪ના રોજ સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા સ્વામીશ્રીના શિકાગો સંભાષણને યાદ કરીને આ દિવસને દિગ્વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શિક્ષણ, સંસ્કાર અને રાષ્ટ્રીયતા માટે સુવિદિત એવા શ્રીજી વિદ્યાર્થી ભુવનમાં પણ આ દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ચેતનભાઈ ધાનાણી (લાલાવદર), વ્રજરાજસિહ ગોહિલ (ભાવનગર), જીજ્ઞેશભાઈ દાફડા, ગૌરવભાઈ મહેતા, સોહમભાઈ વાજા, જેનીશભાઈ ચૌહાણ, કેવલભાઈ મહેતા વગેરેએ સક્રિય હાજરી આપી હતી. કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસિયાએ સૌને આવકારીને આજના દિવસનું મહત્વ સમજાવ્યું હતું. અર્જુનભાઈ દવેએ આજના મુખ્ય વક્તા તરીકે સુંદર પ્રેરક પ્રવચન આપ્યું હતું અને સ્વામી વિવેકાનંદના અમેરિકાના સંસ્મરણો વિસ્તારથી યાદ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સૌએ ભારે જહેમત ઉઠાવી હતી.