આગામી ૫મી ઓગસ્ટથી શરૂ થઈ રહેલા પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને, અમરેલી કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ સંદીપ પંડ્‌યાએ અમરેલી નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને શહેરના તમામ મંદિરોની દૈનિક સાફસફાઈ કરવાની માંગ કરી છે. તાજેતરમાં ગુજરાતમાં ફેલાયેલા ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને, અમરેલીને સુરક્ષિત રાખવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. તેમણે પત્રમાં શહેરના તમામ ૧૧ વોર્ડમાં આવેલા શિવાલયો, દેવસ્થાનો અને મંદિરોની દૈનિક સાફસફાઈ કરવાની માંગ કરી છે. સંદીપ પંડ્‌યાએ પત્રમાં મંદિરો અને આસપાસના વિસ્તારોની દરરોજ સફાઈ કરવી. ડીડીટી અને મેલેથિયોન જેવા જંતુનાશકોનો છંટકાવ કરવો, પાણી ભરાવા ન દેવા માટે ડ્રેનેજ અને ગટરોની સફાઈ કરવી, મચ્છર અને અન્ય જંતુઓને નિયંત્રિત કરવા માટે ફોગિંગ કરવી, તૂટેલી જગ્યાઓની મરામત કરવી અને ખાડાઓ પૂરવા તથા પવિત્ર તહેવારો દરમિયાન મંદિરોમાં ભક્તોની ભીડ વધી જતી હોવાથી સ્વચ્છતા જાળવવાના મહત્વ પર ભાર મૂક્યો છે.