શ્રાવણ માસના બીજા સોમવારે અમદાવાદ સહિત ગુજરાતભરના શિવાલયોમાં ભક્તોની અપાર ભીડ જાવા મળી. શહેરના અનેક શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ‘હર હર મહાદેવ’ના ગગનભેદી નાદ સાથે શિવભક્તો ભક્તિરસમાં ડૂબેલા દેખાયા. દેવાધિદેવ મહાદેવની આરાધના માટે ભક્તોએ બિલીપત્ર, ફૂલો, ફળો અને દૂધ-જળથી અભિષેક કરી શિવજીને અર્પણ કર્યા હતાં

શહેરના નિર્ણયનગર વિસ્તારમાં આવેલા પ્રસિદ્ધ રામેશ્વર મહાદેવ મંદિરમાં આજે ભક્તોનો ખાસ ધસારો જાવા મળ્યો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું હતું. રામેશ્વર મહાદેવનો આજે વિશેષ શણગાર કરવામાં આવ્યો, જેમાં ફૂલોની માળા, ચંદન અને વિવિધ શણગારોથી શિવલિંગને સજાવવામાં આવ્યું હતું. આ દિવ્ય શણગારે ભક્તોના મનમાં ભક્તિનો ઉમંગ વધાર્યો હતો

શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે શિવ ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું છે. વહેલી સવારથી જ ભોળાનાથના દર્શન કરવા માટે ભક્તોનો મહાસાગર સતત સોમનાથ તરફ આવતો જોવા મળ્યો  ભક્તો રવિવારની મોડી રાતથી જ સોમનાથ દાદાના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતાં  સોમનાથનું આખું પરિસર ‘હર હર મહાદેવ’ના નાદથી ગૂંજી ઉઠ્યું હતું

સોમનાથ ટ્રસ્ટ દ્વારા માઈક્રો પ્લાનિંગ કરી યાત્રીઓને આદર પૂર્ણ દર્શનનો અનુભવ મળી રહે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં ૧૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. ત્યારે દરવર્ષની જેમ આ વર્ષે પણ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના ૪-૦૦ વાગ્યે ખોલવામાં આવી રહ્યા છે. તો શ્રાવણ માસમાં માત્ર ૨૫ રૂપિયામાં “મહામૃત્યુંજય યજ્ઞ” પણ કરી શકાશે.

શ્રાવણ માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે, અને આ માસના સોમવાર શિવભક્તો માટે ખાસ મહત્વ ધરાવે છે. શિવભક્તો આ દિવસે વ્રત, ઉપવાસ અને શિવપૂજન કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે. અમદાવાદના શિવ મંદિરોમાં આજે વહેલી સવારથી જ લાંબી કતારો જાવા મળી, જેમાં યુવાનોથી લઈને વૃદ્ધો સુધીના ભક્તો સામેલ હતા.