પવિત્ર શ્રાવણ માસના ત્રીજા સોમવારે ગુજરાતભરના મહાદેવના મંદિરોમાં ભકતોની ભારે ભીડ જોવા મળી હતી.ભકતો મહાદેવને દૂધ,પાણી અને બીલપત્રોનો અભિષેક કરતાં જાવા મળ્યા હતાં પ્રથમ જ્યોતિર્લીંગ સોમનાથ મહાદેવના દરબારમાં શ્રદ્ધાળુઓનું અદ્ભુત ઘોડાપૂર ઉમટ્યું હતું સોમનાથ મંદિર પરિસર વહેલી સવારથી જ ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઉઠ્યું . શ્રાવણના આ પાવન અવસરે સોમનાથ દાદાના દર્શન માટે રાજ્યભરમાંથી અને દેશ-વિદેશથી હજારોની સંખ્યામાં ભક્તો સોમનાથ પહોંચ્યા હતાં અને મહાદેવના ચરણે શીશ ઝૂકાવી ધન્યતા અનુભવી ત્રીજા સોમવારની ભવ્ય ઉજવણીના ભાગરૂપે વહેલી સવારે ૩ઃ૦૦ વાગ્યાથી જ મંદિર પરિસરમાં ભક્તોના પ્રવેશ માટેના દ્વાર ખુલ્લા મૂકી દેવામાં આવ્યા હતા. હજારોની સંખ્યામાં ઉમટેલી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
સોમનાથ મહાદેવના દર્શનના પાટ ખુલે તે પૂર્વે જ મંદિર પરિસરમાં હજારો યાત્રીઓ એકત્રિત થઈને ભકિતભાવ સાથે શિવધૂનમાં લીન બન્યા હતા, જેનાથી સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું. આજના દિવસે સોમનાથ મંદિરમાં વિશેષ ધાર્મિક અનુષ્ઠાનો અને પૂજા-અર્ચનાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રાવણના ત્રીજા સોમવારની પરંપરા મુજબ આજે સોમનાથ દાદા નગરચર્યાએ નીકળતા હોય તે પ્રકારે ભવ્ય પાલખીયાત્રા પણ યોજાઇ હતી આ ઉપરાંત અમદાવાદના ચકલેશ્વર મહાદેવ અને નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવમાં ભકતોની વહેલી સવારથી ભીડ જોવા મળી હતી.અમદાવાદ ઉપરાંત ગુજરાતના દરેક જીલ્લામાં પણ મહાદેવના મંદિરોમાં ભકતો ઉમટી પડયા હતાં.