ભાદરવા સુદ પૂનમથી વદ અમાસ સુધી પિતૃપક્ષ ઊજવાય છે. વૈદિક પરંપરા અને હિંદુ માન્યતા પ્રમાણે પિતૃ શ્રાદ્ધ ખૂબ પુણ્યકર્મ મનાય છે. આ પુણ્યકર્મ માટે તો દેવતાએ પણ મનુષ્યોને ધરતી પર જગા આપી છે. જેમાં એક જગા છે…ગયા. જ્યાં શ્રાદ્ધ- તર્પણ કરવાથી પિતૃઓને મોક્ષ મળે છે. મહાભારતમાં જેનું વર્ણન છે, એવા ગયામાં ધર્મરાજ યમ, બ્રહ્મા, શિવ તથા વિષ્ણુનો વાસ મનાય છે. વાયુપુરાણમાં પ્રેત પર્વતનો ઉલ્લેખ છે, એવું મનાય છે કે, ભગવાન રામ-લક્ષ્મણે પિતા દશરથનું શ્રાદ્ધ અહીં કર્યું હતું. આ પર્વત પર રામ, લક્ષ્મણ, સીતાએ પહોંચીને પિતા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું. આ પર્વત પર બ્રહ્માના અંગૂઠાથી બનાવેલી બે રેખા આજે પણ જોઇ શકાય છે. પિંડદાનીઓના કર્મકાંડને પૂર્ણ કર્યા બાદ આ વેદી પર પિંડ અર્પણ કરવામાં આવે છે. પ્રેતશિલાનું નામ પ્રેતપર્વત હતું, પરંતુ ભગવાન રામે અહીં પિંડદાન કર્યું તે પછી આ સ્થાનનું નામ પ્રેતશિલા થયું. આ શિલા પર યમરાજનું મંદિર, શ્રીરામ દરબાર(પરિવાર) દેવાલય સાથે શ્રાદ્ધ કર્મ સંપન્ન કરવા રૂમ બનેલાં છે.
ગયાથી આશરે ૧૦ કિ.મી.ના અંતરે પ્રેતશિલા પર્વત આવેલો છે. જે ગયા ધામના વાયવ્ય ખૂણે ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલો છે. આ પર્વતના શિખર પર પ્રેતશિલા નામની વેદી છે, જોકે આખો પર્વતીય પ્રદેશ પ્રેતશિલાના નામે ઓળખાય છે.
આ પ્રેત પર્વતની ઊંચાઇ આશરે ૯૭૫ ફૂટ છે. પર્વત ચઢવામાં સક્ષમ લોકો ૪૦૦ દાદરા ચઢી પ્રેતશિલા વેદી પર પિંડદાન કરવા જઇ શકે છે. જે લોકો ત્યાં જઇ શકતાં નથી તેઓ પર્વત નીચે તળાવ કિનારે કે શિવ મંદિરમાં શ્રાદ્ધ કર્મ કરે છે. પ્રેતશિલા વેદી પર શ્રાદ્ધકર્મ કરવાથી કોઇ કારણસર અકાળ મૃત્યુના કારણે પ્રેતયોનિમાં ભટકતાં પ્રાણીઓને પણ મુક્તિ મળે છે. વાયુ પુરાણમાં તેનું વર્ણન છે. પ્રેતશિલાના મૂળભાગ એટલે પર્વતની નીચે બ્રહ્મ કુંડમાં સ્નાન-તર્પણ પછી શ્રાદ્ધનું વિધાન છે. જે અંગે કહેવાયું છે કે, તેનો પ્રથમ સંસ્કાર બ્રહ્માજી દ્વારા કરાયો હતો. શ્રાદ્ધ પછી પિંડને બ્રહ્મ કુંડમાં સ્થાન આપી પ્રેત પર્વત પર જાય છે. ત્યાં શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે.
વાયુ પુરાણ પ્રમાણે અકાળ મૃત્યુ પામેલા લોકોના અહીં શ્રાદ્ધ-પિંડદાનનું ખાસ મહ¥વ છે. આ પર્વત પર પિંડદાન કરવાથી અકાળ મૃત્યુ પામનારા પૂર્વજો સુધી પિંડ સીધું પહોંચે છે. જેથી તેમને કષ્ટદાયી યોનિમાંથી મુક્તિ મળે છે. આ પર્વત પ્રેતશિલા ઉપરાંત પ્રેત પર્વત, પ્રેતકળા તથા પ્રેતગિરિના નામે ઓળખાય છે. પ્રેતશિલા પહાડીના શિખર પર એક ચટ્ટાન છે. જેના પર બ્રહ્મા, વિષ્ણુ, મહેશની મૂર્તિઓ બનેલી છે. શ્રદ્ધાળુઓ દ્વારા પહાડના શિખર પર સ્થિત આ ચટ્ટાનની પરિક્રમા કરી તેના પર સત્તુથી બનેલું પિંડ ઉડાડાય છે. પ્રેતશિલા પર સત્તુથી પિંડદાનની પરંપરા જૂની છે. આ ચટ્ટાનની ચારેય બાજુ ૫ થી ૯ વાર પરિક્રમા કરી સત્તુ ચઢાવવાથી અકાળ મૃત્યુમાં મરેલાં પૂર્વજોને પ્રેત યોનિમાંથી મુક્તિ મળે છે. મૃતાત્માઓને મુક્તિ મળે તે માટે આશરે ૯૭૫ ફૂટ ઊંચી પ્રેતશિલા પર પિંડદાન કરાય છે, અહીં યમરાજનું મંદિર પણ છે.
વાયુપુરાણ, ગરુડ પુરાણ અને મહાભારતના ગ્રંથોમાં ગયાનો ઉલ્લેખ છે. કહેવાય છે કે, ગયામાં શ્રાદ્ધકર્મ અને તર્પણકર્મ માટે પ્રાચીન સમયમાં વિવિધ નામની ૩૬૦ વેદી હતી, જ્યાં પિંડદાન કરાતું હતું. તેમાંથી હવે ૪૮ જ બાકી રહી છે. વર્તમાનમાં આ જ વેદીઓ પર પિતૃ તર્પણ અને પિંડદાન કરાય છે. અહીંની વેદીઓમાં વિષ્ણુપદ મંદિર, ફલ્ગુ નદી તટે અને અક્ષયવટ પર પિંડદાન કરવું શુભ મનાય છે. આ સિવાય વૈતરણી, પ્રેતશિલા, સીતાકુંડ, નાગકુંડ, પાંડુશિલા, રામશિલા, મંગળાગૌરી, કાગબલિ વગેરે પિંડદાનની મુખ્ય જગા છે. આ વેદીઓમાં પ્રેતશિલા મુખ્ય છે. હિંદુ સંસ્કારોમાં પંચતીર્થ વેદીમાં પ્રેતશિલાની ગણના કરાય છે.





































