પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર અને રાવલપિંડી એક્સપ્રેસ તરીકે પ્રખ્યાત શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરે પોતે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. તેની માતાના અવસાન પર રમતગમતની દુનિયા સાથે જાડાયેલા ઘણા લોકોએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. શોએબ અખ્તરની માતાનું નામ હમીદા અવાન હતું.

શોએબ અખ્તરે પોતે સોશિયલ મીડિયા પર તેની માતાના મૃત્યુની માહિતી આપી હતી. તેણે ટ્‌વીટ કરીને લખ્યું, ‘મારી માતા, મારું સર્વસ્વ, આજે તેણે અલ્લાહ તાલાની મરજીથી આ દુનિયા છોડી દીધી, નમાઝ-એ-જનાઝા અસાર નમાઝ પછી એચ-૮માં પઢવામાં આવશે.

રિપોર્ટ્‌સ અનુસાર, શોએબ અખ્તરની માતા લાંબા સમયથી બીમાર હતા અને તેમની સારવાર ચાલી રહી હતી. આ દરમિયાન તેમની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, શોએબની માતાના અંતિમ સંસ્કાર ઈસ્લામાબાદમાં કરવામાં આવશે.

શોએબ અખ્તર, જે પોતાના સમયમાં વિશ્વનો સૌથી ઝડપી બોલર હતો, તેણે ૧૦ વર્ષ પહેલા ૨૦૧૧માં ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. ક્રિકેટમાં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ હજુ પણ તેના નામે છે. તેણે આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં ૧૬૧ કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. અખ્તરે ૪૬ ટેસ્ટ, ૧૬૩ વનડે અને ૧૫ ટી ૨૦ આંતરરાષ્ટ્રિય મેચોમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ દરમિયાન અખ્તરે ટેસ્ટમાં ૧૭૮, વનડેમાં ૨૪૭ અને ટી૨૦ આંતરરાષ્ટ્રિયમાં ૧૯ વિકેટ ઝડપી હતી.