વિશ્વભરમાં ઓમિક્રોનના વધતા જતા ખતરા અને વિદેશી રોકાણકારો દ્વારા સતત વેચાણને કારણે ભારતીય બજારમાં ઘટાડાનો દબદબો છે, ઉલ્લેખનીય છે કે ઘરેલુ માર્કેટ પર ઓમિક્રોન અને એફપીઆઈની નિકાસનું દબાણ બનેલું છે. આ કારણે બજારમાં ગત સપ્તાહનો ઘટાડો સોમવારે પણ ચાલુ છે. વેપાર શરૂ થતાં જ સેન્સેક્સ અને નિફ્ટી બંને આશરે એક ટકા જેટલા તૂટ્યા હતા. બજાર ખુલ્યું તે સાથે જ સેન્સેક્સ ૬૭૫ પોઈન્ટ કરતાં પણ વધારે (૧.૧૯ ટકા) ઘટીને ૫૬,૩૩૫ પોઈન્ટે પહોંચી ગયો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૨૧૮.૧૦ એટલે કે ૧.૨૮ ટકા ઘટીને ૧૬,૭૬૫ પોઈન્ટે પહોંચી ગઈ હતી. થોડી મિનિટોના વેપારમાં જ આ ઘટાડો વધુ મોટો થયો હતો.બજારમાં ગત સપ્તાહે ભારે મોટો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ ૧,૭૭૪.૯૩ પોઈન્ટ એટલે કે, ૩ ટકા ઘટીને ૫૭,૦૧૧.૭૪ પોઈન્ટ પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી૫૦માં પણ ૫૨૬.૧ પોઈન્ટનો ઘટાડો રહ્યો હતો અને તે ૧૬,૯૮૫.૨ પોઈન્ટ પર બંધ થઈ હતી. આ સતત ૨ સપ્તાહની તેજી બાદ આવેલો ઘટાડો છે. કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનના કેસમાં થઈ રહેલા વધારા, એફપીઆઈનું સતત વેચાણ, ઉચ્ચ સ્તરે પ્રોફિટ બુકિંગ જેવા ફેક્ટર્સે બજારને નબળું બનાવ્યું છે.
મુંબઈ શેરબજારને ઓમિક્રોન વળગ્યો હોય તેમ આક્રમણકારી વેચવાલીથી મંદીનું મોજુ ફરી વળ્યુ હતું અને ઈન્ટ્રા ડે સેન્સેકસમાં ૧૮૦૦ પોઈન્ટથી અધિકનો કડાકો સર્જાયો હતો. અને તેની અસર હેઠળ ઈન્વેસ્ટરોના રૂ.૯.૩૭ લાખ કરોડનું પ્રચંડ ધોવાણ થયું હતું. મુંબઈ શેરબજારની માર્કેટ કેપ ૨૪૯.૯૧ લાખ કરોડ પર આવી ગઈ હતી.શેરબજાર શરૂઆતમાં જ ગેપડાઉન ખુલ્યુ હતું. ઓમિક્રોનના કેસ અત્યંત ઝડપથી વધી રહ્યા હોવાથી અને બ્રિટન જેવા દેશોએ પ્રતિબંધાત્મક પગલાની વિચારણા શરુ કર્યાના સંકેતોથી ગભરાટ સર્જાયો હતો. કોરોના તાંડવ ફરી એક વખત ૨૦ વૈશ્વિક અર્થતંત્રને ઝટકો મારી શકેતેમ હોવાની આશંકાથી વિશ્ર્વસ્તરે શેરબજારો ગગડયા હતા. એશિયાઈ બજારો પણ ગગડયા હતા.
આ સિવાય ભારત સરકારે કેટલાક કૃષિ કોમોડીટી વાયદા પર પ્રતિબંધ લગાવતા તેના પણ પ્રત્યાઘાત ઉઠયા હતા. કારણ કે આ કદમ ઉદારીકરણમાં પીછેહઠ ગણાશે અને આંતરરાષ્ટ્રીય નાણાંસંસ્થાઓના રોકાણને અસર થવા લાગશે તેવી ભીતિ વ્યક્ત થવા લાગી હતી. વિદેશી નાણાંસંસ્થાઓ કેટલાંક વખતથી મોટાપાયે વેચાણ કરી જ રહી છે તેની પ્રતિકુળ અસર યથાવત હતી.જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે ઉતરપ્રદેશ સહિત પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણી પુર્વે મોંઘવારી સહિતના પડકારોને પહોંચી વળવા કેન્દ્ર સરકારે કૃષિ કોમોડીટી વાયદા પર પ્રતિબંધ મુકયા છે. વૈશ્વિકસ્તરે નાણાસંસ્થાઓના પ્રત્યાઘાતો મહત્વના બને તેમ છે. ઉપરાંત ઓમિક્રોનનો ગભરાટ હોવાથી માર્કેટ કડડભૂસ થવા લાગ્યુ છે.
શેરબજારમાં આજે લગભગ તમામ ક્ષેત્રોના મોટાભાગના શેરો ગગડયા હતા. ટીસ્કો, ભારત પેટ્રોલીયમ, ટેલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ટેલ્કો, બજાજ ફાઈનાન્સ, રીલાયન્સ, ઈન્ફોસીસ, ટાઈટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશિયન પેઈન્ટસ, એકસીસ બેંક, ભારતી એરટેલ, એચડીએફસી, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક બેંક, લાર્સન, મારૂતી, નેસલે, સ્ટેટ બેંક વગેરે ગગડયા હતા. બેંક, મેટલ, ઓટોક્ષેત્રના શેરોમાં જબરુ ધોવાણ થયુ હતું. મંદી માર્કેટમાં પણ સીપ્લા, ડો. રેડ્ડી, પાવરગ્રીડ, ટીસીએસ જેવા અમુક શેરો મજબૂત હતા. એમેઝોન સામેના કાનૂની જંગમાં ફયુચર ગ્રુપની જીત થયાને પગલે ફયુચર રીટેઈલ, ફયુચર ક્ધઝયુમર સહિત ગ્રુપની અન્ય કંપનીઓના શેરોમાં તેજીની સર્કીટ હતી.
શેરબજારમાં મંદી કેટલી તીવ્ર હતી તેનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે દર પાંચમાંથી ચાર શેરોમાં ગાબડા હતા. એટલું જ નહી છેલ્લા થોડા દિવસો દરમ્યાન લીસ્ટેડ થયેલા નવા શેરો નાયકા, ટેગા, પોલીસીબજાર, ટાર્સન તથા અન્ય સાત કંપનીઓના શેરોમાં નવા નીચા ભાવ જાવા મળ્યા હતાં.
મુંબઈ શેરબજારનો સેન્સીટીવ ઈન્ડેકસ ઈન્ટ્રા ડે ૧૮૭૯ પોઈન્ટના કડાકાથી નીચામાં ૫૫૧૩૨ થયો હતો. તે પછી ૧૩૧૩ પોઈન્ટના ઘટાડાથી ૫૫૭૦૮ સાંપડયો હતો. નેશનલ સ્ટોક એકસચેંજનો નિફટી ૪૦૭ પોઈન્ટના ઘટાડાથી ૧૬૫૭૮ હતો તે ઉંચામાં ૧૬૮૪૦ તથા નીચામાં ૧૬૪૧૨ હતો. બેંક નિફટીમાં ૧૫૦૦ પોઈન્ટ તથા મીડકેપ નિફટીમાં ૧૩૦૦ પોઈન્ટનું ધોવાણ હતું.