રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસને એક મોટી સફળતા મળી છે. શેર માર્કેટમાં મોટો નફો આપવાની લાલચ આપીને ૧૬.૬૭ લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર આરોપીને પોલીસે મહારાષ્ટ્રના પુણેથી ધરપકડ કરી છે. આરોપીનું નામ ગૌરવ નકુલ સોનવણે છે, જેને પોલીસે લાંબી તપાસ બાદ પકડ્યો છે. આ કેસમાં પીડિત વ્યક્તિને શેર માર્કેટમાં રોકાણ કરીને ઝડપી અને મોટા નફાનું વચન આપીને છેતરવામાં આવ્યો હતો.પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી ગૌરવ સોનવણે ફેક એન્ડ્રોઇડ એપ્લીકેશનનો ઉપયોગ કરીને પીડિતોને ડાઉનલોડ કરાવતો હતો. આ એપ દ્વારા તે પીડિતોને અલગ-અલગ બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવતો હતો. એપમાં દેખાતા ફેક ટ્રાન્ઝેક્શન અને નફાના આંકડા જોઈને પીડિતો વધુ પૈસા મોકલતા હતા, પરંતુ અંતે તેમને કંઈ જ મળતું નહોતું. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે આવી જ રીતે અનેક લોકોને છેતરી ચૂક્યો છે અને તેના વિરુદ્ધ અલગ-અલગ ૯ રાજ્યોમાં સાયબર ક્રાઇમની ફરિયાદો નોંધાઈ છે, જેમાં મહારાષ્ટ્ર, ગુજરાત, દિલ્હી, કર્ણાટક વગેરેનો સમાવેશ થાય છે.આ કેસની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાજકોટના એક વ્યક્તિએ સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેણે શેર માર્કેટમાં રોકાણ કરવા માટે ૧૬.૬૭ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા, પરંતુ તેને કોઈ નફો મળ્યો નહીં અને આરોપીએ તેના સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી અને આરોપીના બેંક એકાઉન્ટ, મોબાઈલ નંબર અને આઈપી એડ્રેસને ટ્રેક કરીને તેને પુણેમાંથી પકડી પાડ્યો હતો. આરોપી પાસેથી પોલીસે મોબાઈલ ફોન, લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનો જપ્ત કર્યા છે, જેમાંથી વધુ પીડિતોની વિગતો મળી શકે છે.આ ઘટના ડિજિટલ યુગમાં વધતા સાયબર ક્રાઇમના જાખમને દર્શાવી રહી છે. તાજેતરમાં ગુજરાતમાં આવા કેસોમાં વધારો જાવા મળ્યો છે, જ્યાં લોકોને શેર માર્કેટમાં ઓનલાઈન રોકાણની લાલચ આપીને છેતરવામાં આવે છે. પોલીસ અધિકારીઓએ લોકોને અપીલ કરી છે કે કોઈ પણ અજાણી એપ કે વેબસાઈટ પર રોકાણ કરતા પહેલા તેની ચકાસણી કરો અને સાયબર ક્રાઇમ હેલ્પલાઈન પર ફરિયાદ કરો.