‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક એરેસ્ટથી મૃત્યુ થયું. જ્યોતિષને સાચું ન માનનારાને શેફાલી જરીવાલાએ અભિનેતા પારસ છાબડાને આપેલો ઇન્ટરવ્યૂ (આજકાલ તેને પાડકાસ્ટ કહે છે, પણ યથાર્થમાં પાડકાસ્ટનો અર્થ થાય છે- એવો કાર્યક્રમ જે ડિજિટલ ફાર્મેટમાં હોય છે અને જેને તમે ડાઉનલાડ કરી શકો.) દેખાડવો. પારસ છાબડા શેફાલી સાથે ‘બિગ બાસ ૧૩’માં હતો. જ્યોતિષનું સારું જ્ઞાન ધરાવતા પારસે શેફાલી સામે જ તેના મૃત્યુની આગાહી કરી હતી.
હવે કેટલાક કલાકારો મોકળાશથી કહેતા થયા છે કે હા, અમે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ત્યાં, અદ્‌ભુત અનુભૂતિ થાય છે, અમે માનીએ છીએ કે નજર લાગે છે, તંત્ર-મંત્ર થાય છે, ભૂત જેવું હોય છે. શેફાલી જરીવાલાએ આ વાત કરી હતી. તેણે પોતે પગ પર દોરો બાંધ્યો હોવાનું પણ સ્વીકાર્યું છે. પારસ છાબડા કહે છે કે તેના પર તેની એક પ્રેમિકા (તે તેનો પંથ નથી કહેતો પણ તે મુસ્લિમ હોઈ શકે)એ મેલી વિદ્યા કરી હતી, જેના કારણે તેના મનમાં પ્રેમિકા જ વસી ગઈ હતી. તે પછી તે પ્રેમિકાનાં માતાપિતાએ ચા પીવડાવી પારસ પર મેલી વિદ્યા કરી હતી. નજર લાગી ગઈ તેમ કહીએ એટલે માત્ર હિન્દુ ધર્મ સામે જ ‘હું તો છાતી પીટીશ જ’ પ્રકારના પત્રકારો અને જાથાવાળા કૂદી પડે પરંતુ દરેક પંથમાં આ હોય છે. અંગ્રેજીમાં તેને ‘એવિલ આય’ કહે છે. અરબીમાં તેને ‘અલ આય્ન’ કહે છે. પરંતુ આ બધું કોઈ કહેતું નથી. મૂળ તો બધો ખેલ વીજચુંબકીય તરંગોનો છે. મનમાંથી આ તરંગો ઉઠતા હોય છે. જો તે શુભ હોય તો તે શુભ પ્રભાવ જન્માવતા હોય છે અને અશુભ હોય તો અશુભ.
જો કોઈ હાલમાં જામર મૂકીને મોબાઇલમાં આવતા સિગ્નલો રોકી શકાતા હોય તો કોઈની દૃષ્ટિ કેમ ન રોકી શકાય અને ન રોકી શકાઈ હોય તો તેને ઉતારી કેમ ન શકાય? પરંતુ એ બધી ચર્ચા અત્યારે નથી કરવી. શેફાલી આ ઇન્ટરવ્યૂમાં જે ખુલ્લા મનથી બધી વાતો કરે છે તેની વાત કરવી છે. અન્ય અભિનેત્રીઓની જેમ શેફાલી બાટોક્સની વાત છુપાવતી નથી. પરંતુ તેની આડઅસરોની વાત પણ પારસ અને શેફાલી કરે છે. ઘણી અભિનેત્રીઓ મોટા હોઠ કરાવવા સર્જરી કરાવે છે, તો ઘણી આંખની ભ્રમર ઊંચી કરાવે છે અને તેમાંથી એક આંખની ન થાય તો બહુ વિચિત્ર લાગે. તો ઘણી આંખની નીચેનું હાડકું દેખાય તેમ કરાવે છે. તે પછી ખૂબ ખરાબ લાગે છે.
આ બધાનો શું અર્થ છે? પહેલાંની અભિનેત્રીઓને જુઓ. નરગીસ, મીનાકુમારી, માલાસિંહા, મધુબાલા, નૂતન, વૈજયંતીમાલા, સુરૈયા, શકીલા આ બધાને ક્યાં પ્લાસ્ટિક સર્જરીની કે કાસ્મેટિક સર્જરીની આવશ્યકતા હતી? નાના પાટેકરે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે ‘લતા મંગેશકરે કહ્યું હતું કે તેમનાં ગીતો સૌથી વધુ સારી રીતે નૂતન ભજવી શકે છે.” એમ કહી નાના પોતાનો દૃષ્ટિકોણ ઉમેરતા કહે છે, “હમને નૂતન કા ઇતના (ચહેરા) ભાગ હી દેખા. ક્યા કપડે પહને હૈ, ક્લીવેજ હૈ યા નહીં કભી નહીં દેખા.” આ ગ્રેસ – ગરીમા હતી. એ બધી અભિનેત્રીઓ જેવી હતી તેવી દર્શકોએ તેમને સ્વીકારી. આ બધાનું ફિગર ૩૬-૨૪-૩૬ કહી ન શકાય. આ ૩૬-૨૪-૩૬નું ગાંડપણ ભારતની યુવતીઓમાં ભરી દેવામાં આવ્યું. અને વચ્ચે તો કરીના કપૂરે ઝીરો સાઇઝ ફિગરનું ગાંડપણ ઠસાવ્યું હતું. અભિનેતા સિક્સ પેક, બાવડાબાજ હોવા જ જોઈએ. દેવ આનંદ, રાજ કપૂર, દિલીપકુમાર, રાજેશ ખન્ના, વિજય અરોડા આ બધા ક્યાં બાવડેબાજ હતા?
શેફાલી જરીવાલાનું મૃત્યુ થયું તે સમયે પાપારાઝી અને મીડિયાના પત્રકારોએ કેર વર્તાવી દીધો. એ લોકો જે રીતે ભૂંગળા લઈને શોકસંતપ્ત પરાગ ત્યાગી (શેફાલીના પતિ)ની પાછળ-પાછળ ચાલતા હતા તે જોઈને ખૂબ જ ઘૃણા આવે. આવા સમયે તો તેમને એકલા છોડી દો. અથવા તો દૂરથી ફિલ્માવો. અને છેક નાક સુધી માઇક ઠૂંસવું અને પછી કોઈ ચીડાઈને ઉત્તર બરાબર ન આપે તો તેનો મુદ્દો બનાવવો, એ ક્યાંનો ન્યાય છે. અમારા પ્રશ્નથી ભાગ્યા. પરાગ ત્યાગીએ સંવેદનશીલ બનવાની મીડિયાને અપીલ કરવી પડી.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના સગાઓને યુટ્યૂબર અને મીડિયાવાળા પૂછી રહ્યા હતા, “આપ કો કૈસા લગતા હૈ?” આ પ્રકારનું પત્રકારત્વ શરૂ કરવાનો અપયશ ‘આજ તક’ને જાય છે. જ્યારે ૨૪ કલાકની ચેનલ માત્ર કદાચ આજ તક જ હતી ત્યારે ગુજરાતના ૨૬ જાન્યુઆરી ૨૦૦૧ના ભૂકંપ વખતે તેણે આ પ્રકારનું પત્રકારત્વ શરૂ કર્યું હતું. રાજુ શ્રીવાસ્તવ મુંબઈના પૂરમાં ફસાયેલાનો પત્રકાર વીડિયો કેમેરા લઈને ઇન્ટરવ્યૂ કરે છે તે અને એક બામ્બનો ઇન્ટરવ્યૂ કરે છે તે રજૂઆત અદ્‌ભુત કરતા. તેમાં કામેડી કરતાં કરુણતા અને કટાક્ષ વધુ હતા.
પહેલાં તો રાષ્ટ્રીય સ્તરે આજ તક, સ્ટાર ન્યૂઝ અને દૂરદર્શન જેવી બે-ત્રણ ચેનલો જ હતી. પરંતુ તે પછી અનેક હિન્દી ચેનલો આવી. તે પછી પ્રાદેશિક સ્તરે અનેક ચેનલો આવી. એ ઓછું હોય તેમ છેલ્લાં પાંચેક વર્ષથી યુટ્યૂબરોનો રાફડો ફાટ્યો છે. યુટ્યૂબર તો વ્યૂ મેળવવા અત્યંત ફેક થમ્બનેલ એટલે કે ખોટાં મથાળાં મૂકી દે છે. શેફાલી જરીવાલાનો જ કિસ્સો લઈએ તો, ‘શેફાલીને ઝેર આપવામાં આવ્યું હતું, અને તેના પુરાવા મળ્યા’, પરાગ ત્યાગી કૂતરાને લઈને નીકળે (પાળીતો કૂતરો હોય તો તેને મળત્યાગ કરાવવા માટે નીકળવું પડે) તો કહે- પતિ અસંવેદનશીલ છે. અરે ભાઈ! કોઈનું ચારિત્રહનન શા માટે કરે છે? શેફાલીનો પારસ છાબડાને આપેલો ઇન્ટરવ્યૂ જો. તેમાં પતિ તેની કેવી કાળજી લેતા હતા તેની તેણે વાત કરી છે. શું પત્રકારો ઊભા હોય ત્યારે તેની સામે રોવાનું નાટક કરવું તો જ તેને દુઃખ કહેવાય? ઘણાને પરિસ્થિતિ સંભાળવાની હોય તો રોવું ન પણ આવે. તેના મોઢા પર દુઃખ ન પણ લાગતું હોય.
મીડિયાએ સ્વયંશિસ્ત રાખવી પડશે. ચોવીસ કલાક સમાચાર જ આપે રાખવાના? શું બીબીસીની જેમ કોઈ બાબત પર એક કલાકનો વિગતવાર રિપાર્ટ બતાવી ન શકો? સમાચારપત્રની પૂર્તિમાં પ્રતિ દિન અલગ-અલગ વિષય પર લેખો હોય છે. તેવું ન થઈ શકે? પહેલાં ’૮૦ અને ‘૯૦ના દાયકામાં દરેક ગુજરાતી સમાચારપત્રની એક અલગ ઓળખ હતી. કોઈ છાપું રવિવારની પૂર્તિ માટે વંચાતું, કોઈ તેમાં (માત્ર ગુજરાત) સરકાર વિરોધી સમાચારપત્ર માટે, કોઈ તેના તંત્રીલેખ માટે વંચાતું, તો કોઈ ગામડાંના સમાચાર માટે, કોઈ વાચકોના પત્રો અને તેના પર તંત્રીએ આપેલા ઉત્તર માટે. આવું ક્યાં રહ્યું છે? એવું જ ટીવી સમાચાર ચેનલો બાબતે હતું. દરેક ચેનલની સમાચાર રજૂ કરવાની એક શૈલી હતી. પરંતુ સમય જતાં બધી ચેનલો એક સરખી થઈ ગઈ.
‘ચૈન સે સોના હૈ તો જાગ જાઈએ’ દાઢી અને ચોટલીવાળા ઓવરકોટવાળા ભાઈ આવું બોલીને અપરાધના સમાચાર રજૂ કરવા લાગ્યા એટલે બધી ચેનલોએ તેનું અનુકરણ કર્યું. હા, વચ્ચે સહારા પર ‘આરકેબી શા’ આવતો જેમાં અલગ-અલગ ક્ષેત્રની વ્યક્તિઓના ઇન્ટરવ્યૂ આવતા. ગુજરાતીમાં દેવાંગ ભટ્ટ ‘અતિથિ’ શા કરે છે. તેમાં તાજેતરમાં અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અપમૃત્યુ પામેલા પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ સંઘનું રાષ્ટ્રનિર્માણનું ગીત ગાયું હતું. કલ્પના કરી શકો? કે વિજય રૂપાણી ગીત ગાય? જોકે તેમના મૃત્યુ પછી ‘વીરાંજલી’ કાર્યક્રમમાં તેમણે ડાયરાના કલાકારો સાથે ‘મેરા રંગ દે બસંતી ચોલા’ ગાયું હતું તે વીડિયો ઘણો પ્રચલિત (વાઇરલ, યૂ ના !) થયો હતો.
એક ઇન્ટરવ્યૂ પદ્ધતિ પ્રભુ ચાવલાની હતી. તેઓ સામેવાળાને બોલવા જ ન દે. અને બહુ રફ પ્રશ્નો પૂછતા. આવી જ વાયડાઈ કરણ થાપરની પણ હતી. એક ને એક પ્રશ્ન પર તેમની પિન ચોંટી જાય. અને જમણેરીઓને જ ઘેરવાના. ‘આપ કી અદાલત’માં રજત શર્મા અને ‘લાલભાઈ ટોપ’ પર સૌરભ દ્વિવેદી પોતાના માનીતાઓને ખુલવાની તક આપે છે પણ જમણેરીઓને તો ઘેરવાના જ. આચાર્ય ધીરેન્દ્ર શાસ્ત્રી અને અસદુદ્દીન ઓવૈસી તેમજ ત્રાસવાદી યાસીન મલિક વખતે રજત શર્માનો અલગ અંદાજ દેખાઈ આવે. ઇવન, સામ્યવાદી જાવેદ અખ્તર પણ દેશ તરફી બોલે તો સૌરભ દ્વિવેદી કોઈ પ્રતિક્રિયા ન આપે. કોઈ માનશે કે સૌરભ દ્વિવેદી સંઘ વિચારની સંસ્થા સરસ્વતી શિશુ મંદિરમાં ભણેલા છે? તોય તેમની લાલભાઈ ટાપમાં લાલભાઈ તરફી લોકો જ ટાપ પર હોય છે એટલે વિકાસ દિવ્યકીર્તિનો રામાયણ અંગે એક વીડિયો થયો તો તેમાં શ્રી રામ વિશે ઉલટીસીધી વાત કરી અને વિવાદ થયો તો તરત તેમને સ્પષ્ટતાની તક આપી દીધી. નુપૂર શર્માને ન આપી. એ જ રીતે ઊંધો ઇતિહાસ રજૂ કરનાર રૂચિકા શર્મા હજુ તો વિદ્યાર્થિની જ હતી તેને સ્ટાર બનાવવાનું કામ સૌરભ દ્વિવેદીએ કર્યું.
એવું નથી કે આ બધા ભાજપ વિરોધી છે. ના, ભાજપના નેતાઓ સાથે તેમને બહુ સારું બને છે. ભાજપના નેતાઓ પણ પોતાને તેમની સેટેલાઇટ ચેનલો, યુટ્યૂબ ચેનલમાં ઇન્ટરવ્યૂ કરવામાં આવે તેમ ઇચ્છતા હોય છે. તાજેતરમાં મોદી સરકારના ૧૧ વર્ષ પૂરા થયા તે નિમિત્તે કેન્દ્ર સરકારે સાશિયલ મીડિયા પર પોતાની અને પોતાના મળતિયાઓની સ્વઉક્તિ (માનાલાગ) ચલાવનારાઓનો કાર્યક્રમ રાખ્યો હતો. હવે એ તો જાણીતું છે કે જે ભાજપ સરકાર અને હિન્દુ વિરોધી પત્રકારોની યુટ્યૂબ ચેનલ છે તેના પર વ્યૂ, કામેન્ટ અને લાઇક ક્યાંથી આવે છે? તો એમાં કોઈ નવાઈ પામવા જેવું નથી કે આ લોકોની વ્યૂ, કામેન્ટ અને લાઇક વધુ આવવાની જ. આથી સરકાર અને તેના અધિકારીઓ તો લાઇક, વ્યૂ ને સબસ્ક્રાઇબર જ જુએ છે. કયા મોટા છાપામાં તમે લખો છો તે જ જુએ છે, પછી ભલે તમે તથ્યહીન ગપ્પાં મારતા હો કે ઔરંગઝેબ તો સારો હતો ને બાબર સેક્યુલર હતો.
હિન્દુવાદી ચેનલોને વ્યૂ ઓછા મળે છે કારણકે અનેક હિન્દુવાદીઓ જુએ છે તો ખરા પણ તેમને માત્ર શૅર કરવાની જ ખબર પડે છે. તેમાંય જો કોઈએ વીડિયો ડાઉનલાડ કરેલો હોય તો તો ઓર મજા પડી જાય. તેમને કોઈ લેખકે મહામહેનતે ઘણા બધાં વાંચન, સંશોધન અને તે પછી નિરાંતે બેસીને લેખન કર્યું હોય તો તે લેખકનો લેખ કે ફેસબુક પાસ્ટ તે લેખકના નામ વગર મોકલવાનો અનેરો આનંદ આવે છે. તે લેખકને ક્યારેય ફાન કરીને કે સંદેશ મોકલીને પ્રોત્સાહિત નહીં કરે કે તમે પ્રવાહની સામે પડીને કમાણીની લાલચ છોડીને સંઘર્ષ કરીને, ચિંતન અને સંશોધન કરીને સારું લખો છો કે વીડિયો બનાવો છો. હા, ક્યાંય ભૂલ લાગશે તો ટકોર કરવામાં એક સેકન્ડની વાર પણ નહીં લગાડે.
સંઘ કે તેની સંલગ્ન સંસ્થાઓએ તેવા કોઈ વર્ગ કર્યા છે કે નહીં તે ખબર નહીં અને ન કર્યા હોય તો કરવા જોઈએ કે યુટ્યૂબ પર વીડિયોને પૂરો સમય જુઓ, તેને લાઇક કરો, તેના પર કામેન્ટ કરો અને પછી સમવૈચારિકને શૅર કરો તો તે યુટ્યૂબરને કમાણી થશે. ઘણા યુટ્યૂબર પોતાના બૅંક કે યુપીઆઈ આઈડી આપતા હોય છે કારણકે યુટ્યૂબ પણ ગૂગલનું હોવાથી તેનો ઝુકાવ ડાબેરી તરફી વધુ છે એટલે જયપુર ડાયલાગ્સ હોય કે સંદીપ દેવ, તેમના વીડિયો ડાઉન કરી દેવા, બ્લાક કરી દેવા, એકાઉન્ટ બ્લાક કરી દેવું, કાપીરાઇટ સ્ટ્રાઇક મારી દેવી, સબસ્ક્રાઇબરોને તેમના ફીડમાં પાસ્ટ/વીડિયો ન દેખાય તેવું કરવું, તેવા અનેક કીમિયા કરે છે. હિન્દુવાદીઓ આમેય કેટલીક બાબતોમાં રણનીતિ ઘડવામાં દસ વર્ષ પાછળ હોય છે. હવે તેઓ નેરેટિવનું મહત્વ સમજ્યા છે, પણ ત્યાં તો ડાબેરીઓ સાશિયલ મીડિયામાં આધિપત્ય જમાવીને બેસી ગયા.
ફરી મીડિયાની વાત પર આવીએ તો, તમને છાતી પીટી-પીટી વીરતા દાખવવાનો એટલો જ શોખ હોય તો કરો ને બધા જ પંથની અંધશ્રદ્ધા વિશે શા. જાવ ને જ્યાં ગેરકાયદે મદરેસા, મસ્જિદ, મજાર બની હોય ત્યાં. યુટ્યૂબર ચેનલ ‘રાજધર્મ’ના મહિલા એન્કર રચના તિવારી જેવી વીરતા દાખવી તો જુઓ. દિવાળી પર મીઠાઈની દુકાનમાં પહોંચી જઈ અંદર રસોડામાં તમે દાદાગીરીથી પ્રશ્ન પૂછો, પણ ઈદ અને ક્રિસમસ પર મટનની દુકાનમાં કેટલી સ્વચ્છતા રખાય છે, બિયર અને દારૂ બનાવવામાં શું ધ્યાન રખાય છે- શું નથી રખાતું, હાટલોમાં કાલગર્લને બોલાવાય છે, તેના પર તો રિપોર્ટિંગ કરો. અને તમને કરુણા માત્ર ગેરકાયદે બાંગ્લાદેશીઓનાં ઘર ચંડોળા તળાવમાં તોડી પડાય ત્યારે જ ઉપજી આવે છે? શું ટીઆરપી અને વ્યૂઝ દેશની સુરક્ષાથી પણ ઉપર હોય? ક્યારેય પાકિસ્તાનથી ભાગલા સમયે ત્યાંથી યાતના આપીને કાઢી મૂકાયેલા સિંધી સહિતના હિન્દુ-શીખોનો તો ઇન્ટરવ્યૂ કરો. ૧૯૯૦માં કાશ્મીરમાંથી કાઢી મૂકાયેલા કાશ્મીરી પંડિતોનો તો ઇન્ટરવ્યૂ કરો. તમે મુર્શિદાબાદ કે સંદેશખાલીની તો ક્યારેક વાત કરો. બરાડા પાડીને છાતી પીટીને આંગળી દેખાડીને આક્રોશ બતાવીને બોલવું એ પત્રકારત્વ નથી જ. નાટક છે.