ધારી પાસે આવેલ શેત્રુંજી નદી પર આવેલા ખોડિયાર સિંચાઈ યોજનામાં પાણીની આવક થતા અને તેના ડિઝાઇન સ્ટોરેજના ૧૦૦% ભરાઈ જવાથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ડેમનું રુલ લેવલ જાળવવા માટે, આ જળાશયનો એક દરવાજો ૦.૦૨૫ મીટર ખોલવામાં આવ્યો છે. ડેમમાંથી પ્રતિ સેકન્ડ ૬૬.૬૭ ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. આ પ્રવાહને કારણે ડેમની નીચેના ભાગમાં આવેલા નદી કાંઠાના ગામોને સાવચેતી રાખવા અને નદીના પટ કે કાંઠા વિસ્તારમાં અવરજવર ન કરવા માટે જણાવવામાં આવ્યું છે. આનાથી પ્રભાવિત થનાર ગામોમાં અમરેલી, બગસરા, લીલીયા, સાવરકુંડલા, ગારિયાધાર અને પાલીતાણા તાલુકાના વિવિધ ગામોનો સમાવેશ થાય છે. અમરેલી જળસિંચન વિભાગ દ્વારા આ માહિતી જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, મામલતદાર અને અન્ય સંબંધિત વિભાગોને મોકલવામાં આવી છે. ખોડિયાર ડેમનું હાલનું લેવલ ૨૦૨.૬૮ મીટર (૬૬૫.૦૦ ફૂટ) છે.







































