” ઘડવૈયા હવે ઠાકોરજી નથી થાવું” આ ભજન ઘણું પ્રાચીન છે.આ ભજનમાં એક કડી આવી પણ છે.” ધડ ધીંગાણે જેના મડદા મસાણે એવા પાળિયા થઈને પૂજાવું “.આ કડી નું ઘણું જ મહત્વ છે.તે સમજવા જેવું છે.ગુજરાત અને તેમાંય સૌરાષ્ટ્રના ગામડાઓ કે તેની સીમમાં પાળિયા પણ જોવા મળે છે અને તેની પૂજા પણ થતી જોવા મળે છે.જાણીતા હાસ્યકલાકાર શાહબૂદીન રાઠોડ ઘણીવાર પોતાના ડાયરાના કાર્યક્રમમાં કહે છે તેવા લોકોના પાળિયા ન બને.તેમનો કહેવાનો અર્થ માત્ર એટલો જ કે ગૌ બ્રાહ્મણ કે માતૃભૂમિની રક્ષા કરતા વિરગતિ પામેલા શૂરવીરોનાજ પાળિયા બને.રાષ્ટ્ર શાયર ઝવેરચંદ મેઘાણી એ જેમના પાળિયા બન્યા છે એવા ઘણાં નરબંકાઓની કહાણી પોતાના પુસ્તકોમાં આલેખી છે.તેની નોંધ લીધા વગર ચાલે તેમ નથી.
કાઠિયાવાડ હોય કે સોરઠ, ગોહિલવાડ હોય કે હાલાર , ઝાલાવાડ કચ્છ અને અમરેલી જિલ્લાની લટાર લગાવો તો દરેક ગામ કે તેની સીમમાં આવા પાળિયા જોવા મળે છે.આવા દરેક પાળિયા પાછળ મોટેભાગે શૌર્યકથા છુપાયેલી હોય છે.
પાળિયા, પાળિયો અથવા ખાંભી પશ્ચિમ ભારત અને ખાસ કરીને ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં જોવા મળતા સ્મારકનો એક પ્રકાર છે. પાકિસ્તાનના સિંધ વિસ્તારમાં પણ પાળિયા જોવા મળે છે. તે મોટે ભાગે મૃત્યુ પામેલી વ્યક્તિઓની યાદમાં હોય છે. પથ્થરનાં આ સ્મારકો પર પ્રતીકો અને શિલાલેખો હોય છે.આ સ્મારકો યોદ્ધાઓ, ખલાસીઓ, સતીઓ, પ્રાણીઓ અને તેમની સાથે સંકળાયેલી લોકકથાઓ અંગે હોય છે. પાળિયા લોકજીવન અને શિલાલેખોના અભ્યાસ માટે મહત્ત્વના છે.
પાળિયો શબ્દ કદાચ મૂળ સંસ્કૃત શબ્દ પાલ, “રક્ષણ કરવું”માંથી ઉદ્ભવ્યો છે. ગુજરાતી ભાષામાં પાલનો અર્થ “લડતા સૈનિકોનું એક જૂથ” અથવા “લશ્કર” થાય છે. આ શબ્દના અન્ય સ્વરૂપો પાલિયા, પાવળિયો, પારિયો, પાળા અને પાળિયું પણ ઉપયોગમાં લેવાય છે.
પાળિયા મોટાભાગે ગામ અને નગરના પાદરે બનાવવામાં આવે છે. તે યુદ્ધભૂમિ અથવા યોદ્ધાઓના મૃત્યુ સ્થળ નજીક પણ મૂકવામાં આવે છે અને કેટલીક વખત મંદિરો અથવા પૂજાસ્થળોની નજીક સ્થાપવામાં આવે છે.પાળિયા સમગ્ર ભારતમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે, પરંતુ સામાન્ય રીતે તે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશમાં જોવા મળે છે. પાકિસ્તાનના નગરપારકર અને થરપારકર વિસ્તારોમાં પણ પાળિયા જોવા મળે છે.
પાળિયાના પથ્થરોનો દૃશ્યમાન ભાગ લગભગ બે ફૂટ પહોળાઇ અને ત્રણ ફૂટ ઊંચાઈ ધરાવે છે. નીચેનો ભાગ જમીનમાં લગભગ દસ ફૂટ ઊંડે સુધી મૂકવામાં આવે છે. શરૂઆતના પાળિયાઓમાં ટોચની કિનારી અર્ધવર્તુળાકાર હતી અને પછીના પાળિયાઓમાં તે ત્રિકોણ હોય છે. કોતરવામાં સરળતા પડતી હોવાથી તે મોટાભાગે રેતીયા પથ્થરોના બનેલા હોય છે.ક્યારેક તેમની પર છત્રી અને જવલ્લે મંદિર બાંધવામાં આવે છે. જ્યારે પાળિયાઓ રાજવીકુળ સાથે સંબંધિત હોય છે ત્યારે તેના પર છત્ર બાંધવામાં આવે છે.
સ્મારકના ત્રણ ભાગ હોય છે; ટોચનો ભાગ વિવિધ પ્રકારના પ્રતિકો, મધ્યમાં પાળિયો જેના માટે બંધાયો છે તે વ્યક્તિ અને તળિયે લખાણમાં નામ,સ્થળ, ઘટના અને સમય સાથે કેટલીક વધુ માહિતી ધરાવે છે. ટોચ પરના પ્રતીકોમાં હંમેશા શાશ્વત કીર્તિના પ્રતીક રૂપે સૂર્ય અને ચંદ્ર હોય છે. ૧૭મી સદી પછી બાંધવામાં આવેલા પાળિયાઓમાં સ્વસ્તિક અને દીપક અને અન્ય નાના શણગાર પશ્ચાદ્ભૂમાં કરેલ હોય છે. મધ્ય ભાગમાં માનવ આકૃતિ સાથે વિવિધ શસ્ત્રો, બેઠક, ઘોડા જેવા વાહનો, કપડાં અને વસ્તુઓ દર્શાવેલી હોય છે. સૌથી નીચેના ભાગમાં જે તે સમયની ભાષા અને શૈલીમાં લખાણ હોય છે જેમાં જે તે વ્યક્તિ, તેના મરણના સ્થળ, સમય અને સંજોગ વગેરેની માહિતી હોય છે.
આ સ્મારકો મોટે ભાગે જમણી બાજુ ૪૫ કે ૯૦ અંશના ખૂણે વળેલો આશીર્વાદ આપતો જમણો હાથ દર્શાવે છે. ક્યારેક આ પાળિયા પર હાથ અને અન્ય પ્રતીકો જેમ કે મોર અને કમળ હોય છે. કેટલાક પાળિયામાં આશીર્વાદ આપતી અથવા નમસ્કાર મુદ્રામાં ઊભેલી સંપૂર્ણ સ્ત્રીની આકૃતિ હોય છે. કેટલાક સ્મારકોમાં એક હાથમાં કમંડળ અને બીજામાં જાપમાળા હોય એવા સ્ત્રીના આકારો હોય છે. કેટલાક સ્મારકોમાં જ્વાળાઓમાં દાખલ થતી સ્ત્રી અને પોતાના પતિના શરીરને ખોળામાં લઈ બેઠેલી હોય તેવી સતી પ્રથા દર્શાવતી આકૃતિઓ પણ દર્શાવવામાં આવે છે.
અનેક સ્મારકો લોકસાહિત્ય સાથે સંકળાયેલ ધાર્મિક સંતો-ભક્તો, પ્રેમ કથાઓ, બલિદાન, મિત્રતા, વિરોધ વગેરે માટે કરેલો દેહત્યાગ દર્શાવે છે.[૪] આ સ્મારકનું ઉદાહરણ ભાણવડ નજીક ભુતવડ પર આવેલો વીર માંગડાવાળાનો પાળિયો છે.
પાળિયા પ્રાચીન સંસ્કૃતિનું પ્રતીક છે.ગુજરાત અને તેમાંય ખાસ કરીને સૌરાષ્ટ્ર સતિ જતિ અને શુરાની ભૂમિ છે.પોતાના ગામ કે ગાયો કે નારીશક્તિનું રક્ષણ કરતા વિરગતિ પામેલાઓના સ્મારક એટલે ગામો ગામ પૂજાતા પાળિયા.આપણી લોકસંસ્કૃતિનો ઇતિહાસ આમાં સંઘરાયેલો પડ્યો છે.કવિ દાદ સહિત અનેક લોકકલાકારો વિરગતિને પામેલા આ શૂરવીરોની ગાથા ગાઈ ગૌરવ અનુભવે છે.
કાઠિયાવાડની નારી શક્તિ પણ શૌર્ય અને શૂરવીરતાનું પ્રતીક છે તે પતિના કપાળે ચાંદલો કરી ચોખા ચઢાવી ભેટમાં તલવાર બંધાવી કહે છે કે “હે મારા ધણી, રણભૂમિમાં લડવા જાય છે તો દુશ્મન ને પીઠ ન બતાવતો,જો તું આમ કરીશ તો મારી સહેલી મને મેણા મારશે કે તું કાયર કેરી નાર, પતિ લડતા લડતા વિરગતિ પામે એ મંજુર છે.આવી નારીના શૂરવીર પતિની શૌર્યકથાઓ આ પાળિયામાં સમાયેલી છે.જે આજની પેઢીને પ્રેરણા આપતી રહે છે.
હવે કવિ દાદ રચિત અને પ્રાણલાલ વ્યાસ સહિત અનેક કલાકારો એ ગાઈને જેને લોકો સુધી પહોંચતું કર્યું છે.તેને યાદ કરીએ.
ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
હોમ હવન કે જગન જાપથી
મારે નથી રે પૂજાવું
હોમ હવન કે જગન જાપથી
મારે નથી રે પૂજાવું
હે.. બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં
એવા કુમળા હાથે ખોડાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
પીળા પીતાંબર જરકશી જામા
ઓલ્યા વાઘામાં નથી વીંટળાવું
એ… કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે
એવા સિંદૂરે ચોપડાઈ જાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ… ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
એ.. ધડ ધીંગાણે જેના માથાં મસાણે
એના પાળિયા થઈને પૂજાવું રે
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું