અભિનેતા ઈમરાન હાશ્મીનો એક ફિલ્મના સેટ પર અકસ્માત થયો હતો, જેમાં તે ઘાયલ થયો હતો. તેની ગરદન પર ઈજા થઈ છે. ઈમરાન હાશ્મીની ઘાયલ તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તેના ફેન્સની ચિંતા વધી ગઈ છે. અકસ્માત સમયે ઈમરાન હૈદરાબાદમાં હાજર હતો, જ્યાં તે તેની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો.
૪૫ વર્ષીય અભિનેતા ઇમરાન હાશ્મી હૈદરાબાદમાં ‘ગુડાચારી ૨’ માટે શૂટિંગ કરી રહ્યો હતો, જે ૨૦૧૮ની તેલુગુ એક્શન સ્પાય થ્રીલર ફિલ્મની સિક્વલ હતી જેમાં સાઉથ એક્ટર આદિવી શેષ મુખ્ય ભૂમિકામાં હતા. મુંબઈમાં ઈમરાન હાશ્મીની પીઆર ટીમે જણાવ્યું હતું કે, ‘ટાઈગર ૩’ એક્ટરને ફિલ્મની એક્શન સિક્વન્સનું શૂટિંગ કરતી વખતે ઈજા થઈ હતી.
તેના જમણા જડબાની નીચે એક મોટો કટ છે. જોકે, ઈજાગ્રસ્ત થતા ઈમરાનને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યો હતો, જ્યાં તેને તુરંત જ ડ્રેસિંગ કરવામાં આવ્યું હતું. આ તસવીરો જોઈને અંદાજ લગાવી શકાય છે કે, કટ કેટલો ઊંડો હતો. આવી સ્થિતિમાં, એમ કહી શકાય કે, તે મોટા અકસ્માતમાંથી બચી ગયો છે. તે જાણીતું છે કે વિનય કુમાર સિરિગીનાડી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘ગુડચારી ૨’, એક જાસૂસ ફ્રેન્ચાઇઝીનો ભાગ છે અને તે ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. હાશ્મીએ તેની બે દાયકા લાંબી ફિલ્મ કારકિર્દીમાં અત્યાર સુધી ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું છે.
ગયા વર્ષે, ઇમરાન હાશ્મીએ સલમાન ખાનની સ્પાય થ્રીલર ‘ટાઇગર ૩’માં આતિશ રહેમાનનું નેગેટિવ પાત્ર ભજવીને ઘણી વાહવાહી મેળવી હતી. આવનારા સમયમાં પણ તે વિલન બનીને ફેન્સનું મનોરંજન કરશે. કારણ કે, આદિવી શેષની ‘ગુડચારી ૨’માં પણ ઈમરાન નેગેટિવ રોલમાં જોવા મળશે.