ભારતીય ટેસ્ટ ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલને જુલાઈ માટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પ્લેયર ઓફ ધ મન્થ એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. આ એવોર્ડ માટે, તે ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સ અને દક્ષિણ આફ્રિકાના સ્ટાર ઓલરાઉન્ડર વિઆન મુલ્ડર સાથે સ્પર્ધા કરી રહ્યો છે.

ગિલ ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં પૂર્ણ થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં આગળ રહીને નેતૃત્વ કર્યું અને ઘણા બેટિંગ રેકોર્ડ પોતાના નામે કર્યા. ભારતની યુવા ટીમે આ શ્રેણી ૨-૨ થી ડ્રો કરી. ગિલે આ શ્રેણીમાં ૭૫.૪૦ ની સરેરાશથી અને ચાર સદીની મદદથી ૭૫૪ રન બનાવ્યા. તેણે એક બેવડી સદી પણ ફટકારી. આ ૨૫ વર્ષીય બેટ્‌સમેને ભારતીય કેપ્ટન દ્વારા શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ (૭૩૨) તોડ્યો. ગિલનું પ્રદર્શન હવે સર ડોનાલ્ડ બ્રેડમેન (૮૧૦ રન) પછી ઓલ-ટાઇમ કેપ્ટનોની યાદીમાં બીજા ક્રમે છે.આઇસીસીએ તેની વેબસાઇટ પર લખ્યું, ‘શુભમન ગિલ માટે આ મહિનો શાનદાર રહ્યો. આ રોમાંચક શ્રેણી દરમિયાન, તેણે આ મહિને ત્રણ ટેસ્ટ મેચમાં ૯૪.૫૦ ની સરેરાશથી ૫૬૭ રન બનાવ્યા. એજબેસ્ટનમાં ભારતની રેકોર્ડ જીતમાં તેણે મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે પહેલી ઇનિંગમાં ૨૬૯ રન અને બીજી ઇનિંગમાં ૧૬૧ રન બનાવ્યા હતા. આ રીતે, તેણે મેચમાં કુલ ૪૩૦ રન બનાવ્યા, જે ગ્રેહામ ગુચના ૪૫૬ રન પછી ટેસ્ટમાં બીજા સૌથી મોટો સ્કોર છે.’

દક્ષિણ આફ્રિકાના કેપ્ટન તરીકેની પોતાની પહેલી મેચમાં, મુલ્ડરે ઝિમ્બાબ્વે સામે અણનમ ૩૬૭ રનની વિશાળ ઇનિંગ રમી. તેણે પોતાની ટીમની ઇનિંગ એવા સમયે ડિક્લેર કરી જ્યારે તે ૨૦૦૪માં ઇંગ્લેન્ડ સામે મહાન બ્રાયન લારાના અણનમ ૪૦૦ રનના સર્વોચ્ચ વ્યયક્તિગત  સ્કોરનો રેકોર્ડ તોડી શક્યો હોત. તેણે બે મેચમાં ૨૬૫.૫૦ ની સરેરાશથી ૫૩૧ રન બનાવ્યા.આઇસીસીએ કહ્યું, ‘મુલ્ડરે બોલિંગમાં પણ યોગદાન આપ્યું અને ૧૫.૨૮ ની સરેરાશથી સાત વિકેટ લીધી, જેમાં પ્રથમ ટેસ્ટમાં લીધેલી ચાર વિકેટનો સમાવેશ થાય છે.’

આઇસીસીએ ભારત સામે સ્ટોક્સના ઓલરાઉન્ડ પ્રદર્શનની પ્રશંસા કરી અને કહ્યું, ‘તેણે ૫૦.૨૦ ની સરેરાશથી ૨૫૧ રન બનાવ્યા અને ૨૬.૩૩ ની સરેરાશથી ૧૨ વિકેટ લીધી. દબાણની પરિસ્થતિઓમાં તેણે બેટ અને બોલ બંનેથી સારું પ્રદર્શન કર્યું.’