ઝરમર વરસાદ શરૂ થયો.
 સુકવેલા કપડાં લેવા સોનું ઝટપટ અગાશી પર આવી.
એક પછી એક વસ્ત્રો ઝડપભેર લેવા લાગી.
ઝરમર વધવા લાગી. સાડલો ‘હવાય’ ગયો. શરીર પરથી પાણી નીતરતા કબ્જો ભીંજાવા લાગ્યો. શરીરને ઠંડું કપડું અડતાં સ્હેજ ધ્રુજારી પ્રસરી ગઈ.
વરસાદ ત્રાટક્યો. ઝડપભેર દાદર ઊતરી ઓશરીમાં આવી, ત્યાં સુધીમાં તો આખી પલળી ગઈ હતી.
ઓશરીમાં ટીપણ પર રાખેલ ટીવી માંથી આવી રહેલાં, ” ટીપ ટીપ બરસા પાની, પાનીને આગ લગાઈ, આગ લગી દીલમેં તો….” ગીતના શબ્દો કાને પડ્યા. તે એ પ્રણય દ્રશ્ય ટિકી ટિકી જોવા લાગી.
અને એણે અડવા હાથે પોતાને ભીંસી લીધી.