શિવના સાક્ષાત્કારની સૌથી મહત્વની મજા એ છે કે શિવ શાંતરસની મૂર્તિ છે. શાંત રસે જાણે કે સાક્ષાત દેહ ધારણ કર્યો હોય એવા શિવના દર્શન છે. મહાકવિ કાલિદાસે કુમાર સમ્સભવમ્‌ મહાકાવ્યમાં દેવાધિદેવનું એ વર્ણન કરેલું છે. સમગ્ર ભારતવર્ષ પર ભગવાન ભોળાનાથની નજર છે. કૈલાસ પર્વત પર શિવ અને પાર્વતી અખંડ હરિ કથા અને સત્સંગ કરે છે. શિવ-પાર્વતીના દાંપત્યની આધારશીલા અધ્યાત્મ છે, જે દંપતીના ગૃહસ્થ જીવનના કેન્દ્રમાં ધર્મત¥વ હોય એ આખો પરિવાર આ જગતમાં નિરંતર પૂજાય છે. પાર્વતી હિમાલયનાં પુત્રી છે અને પરમત¥વની ઉપાસનામાં એમનો આત્મા સદાય પરોવાયેલો રહે છે. શિવ કહે છે કે હે પાર્વતી, પરમત¥વનું સ્મરણ એ જ સંસારમાં અવિચલ એકમાત્ર તત્વ છે, બાકી બધાનો વિનાશ નિશ્ચિત છે. ઉમા અનુભવ મૈં કહુ અપના, સત હરિ ભજન, જગત સબ સપના….! જે દેખાય છે સામે એ બધું જ છે તો ખરું, પરંતુ કાળની કેડીએ બધું જ વિચલિત છે. એ સતત પરિવર્તનશીલ છે. દેખાય નહીં એ રીતે સમય એટલે કે કાળદેવતા બધું જ ગળી જાય છે. શિવ કહે છે કે હે પર્વતાધિરાજ હિમાલયનાં પુત્રી, હું આપને ખરું સત્ય બતાવું છું કે આ જગતમાં જે કંઈ દેખાય છે તે માત્ર સ્વપ્ન છે. સત્ય તો એકમાત્ર પરમત¥વની આરાધના છે.
સમગ્ર ભારત વર્ષમાં શિવની ઉપાસનાનો મહિમા છે. શ્રાવણ મહિનાના ત્રીસ દિવસ સળંગ દિનરાત શિવ પૂજન માટે ભારતીય ઋષિઓએ ફાળવેલા છે. આપણા પંચાંગમાં શ્રાવણ મહિનો શિવ ઉપાસનાનો સમય છે. ચાતુર્માસના બીજા ચરણમાં શ્રાવણ આવે છે. શ્રાવણમાં આકાશ ઝરમર વરસતું રહે છે. શિવલિંગ પર આપણે જે રીતે અભિષેક કરીએ છીએ એવી રીતે મેઘ આ મહિનામાં કંકર એટલા શંકર માનીને જળનો પૃથ્વી પર અભિષેક કરે છે. રાજાઓનો રાજા મેઘરાજા છે. મેઘરાજા શિવનો પરમ ઉપાસક છે. શ્રાવણ મહિનામાં પૃથ્વી પરના સર્વ પાષાણમાં એને શિવ ત¥વનો અનુભવ થાય છે. એટલે ઝરમર મેઘ વરસતો રહે છે. ભારતીય પ્રજા માટે હજારો વર્ષોથી શિવ પરિવાર પૂજાય છે. કારણ કે ભારતીય ગૃહસ્થ અને વૈરાગી એમ બંને જીવનનો આધાર તથા આદર્શ શિવ પંચાયતન છે. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યાં સુધી જીવ, શિવ સન્મુખ ન હોય ત્યાં સુધી એને લોભ, મોહ, માયા, અભિમાન, શોક, ધન અને ક્લેશ સતાવે છે. એકવાર જીવ જો શિવની સન્મુખ આવે તો પછી એના ચિત્તમાં પ્રસન્નતા અને નિત્ય આનંદનો વાસ થાય છે.
ભગવાન શિવ અને કુબેરની દોસ્તી જુગ જુની છે. કુબેર દેવોના ખજાનચી છે અને ભગવાન ભોળાનાથના કૈલાસના પાડોશી છે. શિવની બાજુમાં જ કુબેર રહે છે. કુબેર પરમ શિવભક્ત છે. શિવભક્તિને કારણે દેવોએ પણ એની પાસેથી ભંડાર લેવો પડે છે. હિમાલયમાં બે દેવતાઓ ગણાય છે તેમાં એક ભોલે ભંડારી અને બીજા કુબેર ભંડારી. જે લોકો ભગવાન ભોળાનાથની ઉપાસના શરૂ કરે છે અને અંતઃકરણથી હિમાલય તરફ પ્રયાણ કરે છે એટલે કે જે ભક્તોનું મન ઉત્તર દિશામાં કૈલાસના ગિરિશિખરે બિરાજતા દેવોના દેવ મહાદેવ તરફ યાત્રા શરૂ કરે છે એના તરફ સ્વાભાવિક રીતે શિવની નજર પડે છે. જેવી નજર પડે કે તરત જ ભોળાનાથ પોતાના તરફ આવતા ભક્તોને રોકવા માટે અને કસોટી કરવા માટે કુબેરને જાણ કરે છે અને કુબેર પોતાના ખજાનામાંથી સુખની એક લહેર એ ભક્તો તરફ વહેતી કરે છે. મોટાભાગના ભક્તો તો કુબેરનો પ્રસાદ પામીને જ શિવ તરફની યાત્રા અટકાવી દે છે અને કુબેરના પ્રસાદમાં આખી જિંદગી અટવાયેલા રહે છે. ખરો ભક્ત એ છે જેને ખબર છે કે શિવના ચરણ સિવાય પરમ શાંતિ આ સંસારમાં કોઈ પણ ભૌતિક સુખ આપી શકે તેમ નથી. શાસ્ત્રમાં વારંવાર સ્પષ્ટતા કરી છે કે બ્રહ્મા આપણું સર્જન કરે છે, વિષ્ણુ લાલનપાલન કરે છે અને છેવટે આ જીવ શિવના શરણમાં સમાઈ જાય છે. અંતવેળાએ સર્વ કાળદેવતાઓના સ્વામી અને મહાકાળ એવા મહાકાલેશ્વરના શરણે જવા માટેની આપણી યોગ્યતા આપણે આયુષ્ય દરમિયાન તબક્કાવાર કેળવતા રહેવાની છે. કલિયુગનો પ્રભાવ બહુ છે એટલે આસન સિદ્ધ કરીને તપશ્ચર્યા કરવાનું કામ આ યુગમાં સંભવ નથી. ઋષિમુનિઓએ બહુ વિચાર કરીને કલિકાલ માટે એક દિવ્ય ઔષધિ અને એક જ અમૃતકુંભ માનવજાતને આપેલો છે, જે છે હરિનું નામ. નામ જ આ યુગના વિષમ વૈતરણી જેવા સાત સાગરની પાર આપણને ઉતારે છે. ભગવાન શિવના જે દિવ્ય આભૂષણ છે એમાં એમના એક હાથમાં રુદ્રાક્ષની માળા પણ છે. એક ક્ષણ પણ શિવ વિષ્ણુના સ્મરણ વિનાની પસાર થવા દેતા નથી. એમના ચિત્તમાં નિરંતર જપયજ્ઞ ચાલે છે. શિવ જ્યારે ત્રીજું નેત્ર ખોલે છે ત્યારે એમાંથી પ્રગટતી જ્વાળાઓ વાસ્તવમાં ભીતર ચાલતા જપયજ્ઞની અગ્નિશિખાઓ છે. શિવ પ્રમુખ કલાધર છે. ભભૂતિ લગાવીને ભલે બેઠા, પરંતુ તેઓ નટાધિરાજ નટરાજ છે. જિંદગીમાં કલાત¥વનો શિવે મહિમા કર્યો છે. ચન્દ્ર એમના શરણે આવ્યો તો એ ભયભીત ચન્દ્રને સકલ બ્રહ્માંડમાં નિર્ભય અને ગૌરવવંત પદ આપવા શિવે એને મસ્તક પર ધારણ કર્યો છે. ભક્તવત્સલ શિવ પોતાનું સ્મરણ કરનારનું દુઃખ સહન કરી શકતા નથી. એટલે તેઓ સોમ એટલે કે ચન્દ્રના નાથ હોવાથી સોમનાથ છે. સોમનાથ વિશે કંઠોપકંઠ પરંપરામાં એવી કથા પણ છે કે શિવને શરણે જવા માટે ચન્દ્ર જ્યારે કૈલાસ ગયો ત્યારે શિવ સૌરાષ્ટ્રના વેરાવળ સાગર કિનારે તપ કરતા હતા એટલે ચન્દ્ર અહીં આવી પહોંચ્યો. ત્યાં જ શિવે એને અભય વરદાનો આપ્યા. પછી ચન્દ્રે નિત્યપૂજા માટે એ જ સ્થળે શિવલિંગની પ્રતિષ્ઠા કરી જે આજે સોમનાથ તરીકે દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ પૂજાય છે. આનું બીજું રહસ્ય એ છે કે ચન્દ્ર મનનું કારણ છે. જેનું ચિત્ત મહાદેવમાં લાગેલું હોય એને હૈયે ચન્દ્ર તેજ શી શીતળતા અખંડ વહેતી હોય છે. શિવ રાત્રિપ્રિય દેવ છે. પાર્વતી સાથે તેમની અનંતકાળથી ગોષ્ઠી ચાલે છે. સમગ્ર સંસારમાં આવું દેવયુગલ ક્યાંય નથી. પાર્વતીની બ્રહ્મત¥વ જાણવાની જિજ્ઞાસા પણ કેવી છે ? શિવ સતત હરિકથા કહેતા રહે છે. કૈલાસ પર્વત જ એમની વ્યાસપીઠ છે. શિવ-પાર્વતીના પ્રસન્ન દામ્પત્યનું રહસ્ય એમની વચ્ચેનું અધ્યાત્મ છે. જેવી શિવની જટામાં ગંગધારા છે એવી જ એમની વાણીમાં ભક્તિ અપરંપારા છે. અખિલ દક્ષિણ ભારતમાં કાર્તિકેયની ઉપાસના થાય છે. ઉપરના ભારતમાં ગણાધિપતિ ગણેશની ભક્તિ કરવામાં આવે છે. શિવ સ્વયં વિસર્જનના દેવ છે અને એમના પુત્ર ગણપતિ શુભારંભના અધિપતિ છે. જિંદગીના શુભ સંકલ્પો દુંદાળા દેવના આશિષથી આરંભાય છે અને જીવનાન્તે સર્વ કર્તૃત્વ સહિત કર્તા અને કર્મ બધું જ શિવચરણે શમીને ચિરકાલીન પ્રશાન્ત થઈ જાય છે. હિમાલય જ્યારે હિમયુગમાં અરધા ભારત પર પથરાયેલો હતો ત્યારે આખા જુના યુરેશિયા ખંડમાં જીવસૃષ્ટિને ધબકતી રાખવા બચી ગયેલા પહાડી લોકોએ શિવની ઉપાસના કરીને ભારનનો પુનરોદ્ધાર કર્યો હતો એવી પણ કથા છે. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ છે. જેના હૃદયમાં જીવમાત્રના કલ્યાણની પ્રબળ ભાવના હોય ત્યાં શિવત¥વ વસે છે. બીજાનું દુઃખ જોઈને રાજી થાય એ રાક્ષસકુળ છે, બીજાના દુઃખમાં ભાગ લે અને આશ્વાસન આપે એ માનવકુળ છે અને બીજાનું દુઃખ જોઈને સહન જ ન કરી શકતા અને દુઃખ દૂર કરીને જ જંપે એ દેવકુળ છે. ભોળાનાથ ભોળા એટલે કહેવાય છે કે અજાણતાય એમનું સ્મરણ કરે કે મને-કમને પણ યાદ કરે એના પર પણ એ અઢળક કૃપા કરે છે. ભક્ત મારી કેટલી ભક્તિ કરે છે એનો મહાદેવ હિસાબ રાખતા નથી કે ત્રાજવે તોળતા નથી. નામ લીધું કે બેડો પાર… એટલે જ એમને દેવોના દેવ મહાદેવ કહીએ છીએ.