મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાનો વિવાદ યથાવત છે. શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ એમએનએસ પ્રમુખ રાજ ઠાકરે દ્વારા જાહેર કરેલા બાળાસાહેબ ઠાકરેના વીડિયોના જવાબમાં હવે એક નવો વીડિયો રિલીઝ કર્યો છે.
રાજ ઠાકરેએ જાહેર કરેલા વીડિયોમાં શિવસેનાના સંસ્થાપક સ્વ. બાળા સાહેબ ઠાકરેને એમ કહેતા સાંભળવામાં આવ્યા કે જા તેમની સરકાર બનશે તો મહારાષ્ટ્રમાં મસ્જિદોમાંથી લાઉડસ્પીકર નીચે ઉતરાવી લેવામાં આવશે અને રસ્તાઓ પર નમાજ પઢવામાં આવે છે તે બંધ કરાવવામાં આવશે. તેના જવાબમાં શિવસેનાના સાંસદ ચતુર્વેદીએ બાળ ઠાકરેનો નવો વીડિયો જાહેર કર્યો હતો. પ્રિયંકા ચતુર્વેદીએ પોતાના ટ્‌વીટમાં લખ્યું, ‘આ અસલી વીડિયો છે. આ બધા સસ્તા અનુકરણ કરનારાઓ માટે એક પાઠ છે, જે અનુકરણ કરે છે તેઓ હંમેશા એક ડગલું નહીં, પરંતુ ઘણા ડગલાં પાછળ રહે છે.
મહારાષ્ટ્રમાં ચાલી રહેલા હનુમાન ચાલીસા વિવાદમાં રાજ ઠાકરેની આગેવાની હેઠળની એમએનએસ અને ઉદ્ધવ ઠાકરેની આગેવાનીવાળી શિવસેના વચ્ચે શબ્દયુદ્ધ વધુ ઉગ્ર થઈ ગયું છે. બુધવારે રાજ ઠાકરેએ બાળ ઠાકરેનો વીડિયો ટ્‌વીટ કરીને સંદેશ આપ્યો કે તેઓ તેમના કાકા સ્વર્ગસ્થ બાળ ઠાકરેના વૈચારિક ઉત્તરાધિકારી ગણાવે છે. તેના જવાબમાં શિવસેનાએ પણ બાળ ઠાકરેના રેકોર્ડમાંથી બે વીડિયો જાહેર કર્યા છે. જેમાં બાળ ઠાકરે તેમના ભત્રીજા રાજ ઠાકરેને ઠપકો આપતા હોવાનો છે.
કહેવાય છે કે રાજ ઠાકરે હંમેશા બાળાસાહેબની નકલ કરે છે. પ્રિયંકા ચતુર્વેદીએ ટિવટર પર જાહેર કરેલા વીડિયોમાં બાળાસાહેબ ઠાકરેને નકલની ટીકા કરતા જાઈ શકાય છે. વીડિયોમાં બાળ ઠાકરે કહે છે, ‘મને કહેવામાં આવ્યું કે કોઈ મારી સ્ટાઈલમાં બોલે છે, સ્ટાઈલ સારી છે પણ શું તમારી કોઈ વિચારધારા છે ? માત્ર મરાઠી મરાઠીની બૂમો પાડવાથી મરાઠી નહીં ચાલે. તમે બધા જન્મ્યા તે પહેલા મેં મહારાષ્ટ્રમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો.