હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં મસ્જીદોને લઈને ચાલી રહેલો હંગામો અટકવાનું નામ લેતો નથી. હવે રાજધાનીમાં બનેલી વધુ એક મસ્જીદને તોડી પાડવાની માંગ કરવામાં આવી છે. ભાજપના નેતા રાકેશ શર્મા અને સ્થાનિક કાઉન્સીલર રચના શર્માએ ડેપ્યુટી કમિશનર અનુપમ કશ્યપને મેમોરેન્ડમ આપ્યું હતું. તેમનું કહેવું છે કે કસુમ્પ્ટી વિસ્તારમાં બનેલી આ મસ્જીદ ગેરકાયદેસર છે અને તેને તોડી પાડવી જોઈએ. શિમલાના પૂર્વ ડેપ્યુટી મેયર અને બીજેપી નેતા રાકેશ શર્માનો દાવો છે કે કસુમ્પ્ટીની આ મસ્જીદ કેન્દ્ર સરકારની જમીન પર બનેલી છે. તેમણે વધુમાં કહ્યું કે ૨૦૧૬-૧૭માં જ્યારે આ મસ્જીદનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહે તેમાં ભાગ લેવાનો ઇનકાર કરી દીધો હતો. વીરભદ્ર સિંહને પણ આ મસ્જીદના ગેરકાયદે બાંધકામની જાણ હતી. શર્માએ કહ્યું કે મસ્જીદ પ્રશાસને કેસ હાર્યા બાદ ગયા વર્ષે શિમલા મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.
બીજેપી નેતાએ એમ પણ કહ્યું કે વક્ફ બોર્ડ એક્ટ મુજબ, એક વિસ્તારમાં ઓછામાં ઓછા ૪૦ મુસ્લિમ પરિવારો રહે તો જ મસ્જીદ બનાવી શકાય છે. પરંતુ કસુમ્પ્ટી અને તેની આસપાસના વિસ્તારોમાં જેમ કે ન્યૂ શિમલા, બલિયા અને માલ્યાનામાં ઘણા મુસ્લિમ પરિવારો રહેતા નથી. શર્માએ એવો પણ દાવો કર્યો હતો કે ખાસ કરીને શુક્રવારે કસુમ્પ્ટી મસ્જીદમાં અજાણ્યા લોકો જોવા મળે છે.
તમને જણાવી દઈએ કે આ વિવાદ માત્ર શિમલા પૂરતો સીમિત નથી. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ગેરકાયદે મસ્જીદો અને બહારના લોકોના ધસારાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તે સંજૌલી મસ્જીદથી શરૂ થયું હતું, જ્યાં હિન્દુ સંગઠનો અને રહેવાસીઓએ ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા ભાગોને તોડી પાડવાની માંગ કરી હતી. ગયા અઠવાડિયે ભારે વિરોધ બાદ, મસ્જીદ સમિતિએ મ્યુનિસિપલ સત્તાવાળાઓને ગેરકાયદેસર રીતે બાંધેલા ભાગોને દૂર કરવાની દરખાસ્ત કરી છે.
પીડબ્લ્યુડીની જમીન પર ગેરકાયદેસર રીતે બનેલી મસ્જીદને લઈને પણ મંડીમાં વિરોધ થયો હતો. ગયા શુક્રવારે પણ ત્યાં એક વિશાળ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકાર અને અધિકારીઓ દ્વારા નોટિસ અપાયા બાદ મસ્જીદ કમિટી ગેરકાયદે બાંધકામ દૂર કરવા સંમત થઈ હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે આ મસ્જીદોમાં વિવિધ અજાણ્યા અને બિન-સ્થાનિક લોકો ભેગા થાય છે. જેના કારણે વિસ્તારની સુરક્ષાને લઈને ચિંતા છે.