શિમલાના સંજૌલીમાં મસ્જીદના ગેરકાયદેસર બાંધકામના કિસ્સામાં, વિરોધીઓ બેરિકેડ તોડીને વિવાદિત મસ્જીદ સ્થળ તરફ આગળ વધી રહ્યા છે. ધારી ટનલમાં પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હતો. છેલ્લા સમાચાર સુધી, વિરોધીઓ મસ્જીદ સ્થળની આસપાસ પહોંચી રહ્યા છે. પોલીસ તેમને ભગાડવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. સંજૌલી વિસ્તારમાં પ્રદર્શનકારીઓના એકત્ર થવાને કારણે વાતાવરણ તંગ બની ગયું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંજૌલી વિસ્તારમાં આજે સવારથી મધરાત સુધી કલમ ૧૬૩ લાગુ કરવામાં આવી હતી.સંજૌલીના મુખ્ય પ્રવેશદ્વાર પદયાત્રીઓ અને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા હતાં ધારી શાક માર્કેટ પાસે મોટી સંખ્યામાં એકત્ર થયેલા દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતાં તેમને સંજૌલી મસ્જીદ તરફ આગળ વધતા અટકાવવા માટે ધાલી ટનલના બંને છેડે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો આ સાથે જ પોતાના સમર્થકો સાથે સંજૌલી પહોંચેલા હિન્દુ જાગરણ મંચના પૂર્વ મહાસચિવ કમલ ગૌતમને પોલીસે કસ્ટડીમાં લીધા હતાં.કમલ ગૌતમે કહ્યું કે હિન્દુ સમાજની ભાવનાઓને ધ્યાનમાં રાખીને હું તેમના સમર્થનમાં સંજૌલી પહોંચ્યો છું. તેમણે કહ્યું કે હિંદુઓના અવાજને દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. સિવિલ સોસાયટીના બેનર હેઠળ કેટલાક લોકો સંજૌલી પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા, પરંતુ પોલીસે તેમનો પીછો કર્યો. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસના તોફાન નિયંત્રણ વાહનો પણ સંજૌલીમાં તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસે રાજ્યની તમામ છ બટાલિયનોને સંજૌલીમાં તૈનાત કરી છે. મસ્જીદની જગ્યા સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં બની રહેલી સંજૌલી મસ્જીદને લઈને તણાવ વધી ગયો. હિન્દુ સંગઠનો દ્વારા બોલાવવામાં આવેલી વિરોધ રેલીમાં હજારો લોકો પહોંચ્યા હતા અને જારશોરથી પ્રદર્શન કર્યું હતું. અહેવાલો અનુસાર, પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. પરિસ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ કે પોલીસે ભીડને વિખેરવા માટે લાઠીનો ઉપયોગ કરવો પડ્યો. જા કે, લોકો વારંવાર મસ્જીદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની તેમની માંગને પુનરાવર્તિત કરતા જાવા મળ્યા હતા. મસ્જીદના આ ગેરકાયદે બાંધકામને લઈને લોકોમાં ભારે રોષ જાવા મળી રહ્યો છે.
છેલ્લા ઘણા દિવસોથી વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોનું કહેવું છે કે તેઓએ મસ્જીદમાં ગેરકાયદે બાંધકામ અંગે અનેક વખત પ્રશાસનને ફરિયાદ કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. લોકોનો આરોપ છે કે આ કોઈ ધાર્મિક સ્થળનો મામલો નથી પરંતુ કાયદેસર અને ગેરકાયદે બાંધકામનો છે. ૨૦૧૦માં જ્યારે મસ્જીદનું બાંધકામ શરૂ થયું ત્યારે અહીં એક દુકાન હતી. અનેક વખત નોટિસ આપવામાં આવી હતી પરંતુ મસ્જીદનું બાંધકામ ૬૭૫૦ ચોરસ ફૂટ સુધી પહોંચી ગયું હતું. આ જમીન હિમાચલ સરકારની છે. જાકે, મસ્જીદના ઈમામનો દાવો છે કે મસ્જીદ ૧૯૪૭ પહેલાની છે અને તેની માલિકી વક્ફ બોર્ડની છે.
શિમલાની આ ૫ માળની મસ્જીદને લઈને વિસ્તારની મહિલાઓએ ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમનું કહેવું છે કે મસ્જીદની આડમાં એક મદરેસા ચલાવવામાં આવી રહી છે જ્યાં ઉત્તર પ્રદેશના સહારનપુરના એક મૌલાના ભણાવે છે. તેમણે કહ્યું કે અહીં ભણવા માટે બહારથી એવા લોકોને લાવવામાં આવે છે જેઓ દરરોજ મહિલાઓ અને છોકરીઓને હેરાન કરે છે. આ જ કારણ છે કે હિમાચલની રાજધાનીમાં મસ્જીદને લઈને હોબાળો થઈ રહ્યો છે અને લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ પર આવી ગયા છે. કોંગ્રેસના ઘણા નેતાઓ ખુદ મસ્જીદના બાંધકામને ગેરકાયદે ગણાવી રહ્યા છે અને તેને તોડી પાડવાની માંગ કરી રહ્યા છે. આવા નેતાઓમાં અનિરુદ્ધ સિંહનું નામ મોખરે છે.
તમને જણાવી દઈએ કે મસ્જીદમાં ગેરકાયદે બાંધકામને લઈને ૭ સપ્ટેમ્બરે મ્યુનિસિપલ કમિશનર સમક્ષ સુનાવણી થઈ હતી. ૨૦૧૦થી અત્યાર સુધીમાં મસ્જીદમાં ગેરકાયદે બાંધકામ અંગે ૪૫ સુનાવણી થઈ છે પરંતુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. જા કે, આ સમયગાળા દરમિયાન મસ્જીદ બે માળથી વધીને ૫ માળની થઈ ગઈ છે. આ સાથે આ વિસ્તારમાં મુસ્લીમોની વસ્તી પણ ઝડપથી વધી રહી છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે મુસ્લીમો અહીં બહારથી આવીને જમીનો પર કબજા જમાવી રહ્યા છે જેના કારણે શિમલાની વસ્તી બદલાઈ રહી છે.આ મસ્જીદમાં ગેરકાયદે બાંધકામ સામે લોકો હવે રસ્તા પર ઉતરી આવ્યા છે. ગત ગુરુવારે પણ લોકોએ આ મામલે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ લોકોની માંગ છે કે આ મસ્જીદમાં જે પણ ગેરકાયદે બાંધકામો થયા છે તે કોઈપણ વિલંબ વગર તોડી પાડવામાં આવે. મસ્જીદમાં ગેરકાયદે બાંધકામ સામે મહિલાઓ પણ રસ્તા પર ઉતરી આવી હતી. તે દરમિયાન સ્થાનિક લોકોએ સુખુ સરકારને બે દિવસનું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.આ મસ્જીદમાં ગેરકાયદે બાંધકામનો વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે તેમનો વિરોધ કોઈ ધાર્મિક સ્થળ સામે નથી. તેમનો વિરોધ ધાર્મિક સ્થળની અંદર ગેરકાયદે બાંધકામને લઈને છે. ૨૦૧૦માં જ્યારે જૂની મસ્જીદની જગ્યાએ નવી મસ્જીદ બનાવવાનું કામ શરૂ થયું ત્યારે અહીં દુકાનો હતી.