“ચલો…ચલો… કાકા જલ્દી કરો. મારે ફંકશન માટે મોડું થાય છે.” સિધ્ધાર્થએ ચા નો ઘુંટ પીતાં પીતાં જ કહ્યું.  અને ત્યાં જ સિધ્ધાર્થને ત્યાં રસોઈ બનાવવા આવતાં કાકા ગરમા ગરમ પરોઠાં પીરસી ગયાં.

“સાવ ગમાર. આ અભણનું પણ આવું જ હોય. રાતનાં કહી તો દીધેલું કે સવારે વહેલું જવાનું છે છતાં પણ મને પંદર મિનિટ લેટ થશે.” સિધ્ધાર્થએ મોંઘી કાંડા ઘડિયાળ પર નજર ફેરવતાં કહ્યું.

કાકા વીલા મોઢે પાછા ફરી ગયાં. સિધ્ધાર્થએ રસોડા તરફ નજર કરી તો કાકાનું મોઢું દુઃખી હતું અને સિધ્ધાર્થ એલ-ફેલ જે બોલ્યો તેનું માઠું લાગ્યું હોય એવું લાગ્યું પણ સિધ્ધાર્થએ એ ગણકાર્યું નહિ. અને ફટાફટ નાસ્તો પતાવી રૂમમાં ચાલ્યો ગયો.

“હજુ વધારાની પંદર મિનિટ તું  પણ વેસ્ટ જવા દે મારી. તને કાલે કહ્યું હતું ને કે ફંકશન છે, તો વહેલો આવી જજે. ચાલ જલ્દી ગાડી સ્ટાર્ટ કર. હું જ ફંક્શનનો હેન્ડલર અને મારે જ મોડું થશે તો શું બોલશે મને લોકો! ચાલ ચાલ જલ્દી કર. આ તારા જેવા અંગુઠા છાપને કામે રખાય જ નહીં. પપ્પા ક્યાંથી શોધી લાવ્યા તને?…” સિધ્ધાર્થનું વોલ્યુમ હવે નીચું જતું હતું અને શબ્દોનો ટોન ઊંચો થતો જતો હતો. પણ ડ્રાઇવર બધું સાંભળતો હતો છતાં તે ચુપ જ રહ્યો.

એટલામાં ટ્રાફિક સિગ્નલએ કાર ઊભી રહી. “વળી શું થયું?”

“સર, ટ્રાફિક જામ છે. આગળ એક્સિડન્ટ થયું હોય એવું લાગે છે. થોડીવાર રોકાવું પડશે.”

“શીટ… શીટ… આ શહેરને થઈ શું ગયું છે? કોઈ કશું ભણ્યું છે કે નહીં મન પડે એમ વાહનો હંકાવે છે અને પછી જીવ ખોઈ બેસે. સાવ બધા અભણ.”

સિધ્ધાર્થ એક પ્રખ્યાત વક્તા અને લેખક હતો. આજનાં ફંક્શનનું હેન્ડલિંગ તેને જ કરવાનું હતું.  બીજા ઘણાં વક્તા, લેખકો અને શ્રોતાઓને બોલાવ્યા હતાં. તેના માટે એક હોલ ભાડે રાખ્યો હતો. ત્યાં જઈને સિધ્ધાર્થને બધી વ્યવસ્થા કરવાની હતી.  થોડીવારમાં ટ્રાફિક ક્લીઅર થઈ ગયો અને સિધ્ધાર્થ પોતાનાં ફંક્શને સમય કરતાં અડધો કલાક વહેલો પહોંચી ગયો. ભાડે રાખેલો હૉલ હજુ હમણાં જ ખુલ્યો હતો કોઈ પણ આવ્યું નહોતું. કામવાળી બહેન કચરા-પોંતા કરતી હતી. સિધ્ધાર્થ તે જોયું નજોયું કરીને પોલિશ કરેલાં બુટ પહેરીને સીધો હૉલમાં ઘસી ગયો.

“સાહેબ. થોડીવાર બહાર બેસોને. મને અહીં સાફ સફાઈ કરી લેવા દયો. મને સમય આપેલો જ છે હજુ ફંકશન શરૂ થવાને અડધા કલાકની વાર છે. આ તાજું ભીનું પોતું હમણાં જ મેં મારેલું છે તેમાં ફરી ધુળ ચોંટી જશે.” પેલાં કામવાળા બહેને હસતાં મોઢે બને એટલા વિનયથી વાત કરી.

સિધ્ધાર્થએ કાંડા ઘડિયાળમાં જોયું. ખરેખર હજુ અડધો કલાક બાકી હતો. તેને ન ઈચ્છતાં હોવા છતાં હૉલમાંથી બહાર જવા ડગ માંડ્યા. ત્યાં પાછળથી ધીમો-ધીમો અવાજ આવ્યો.

“કોણ જાણે આ ભણેલાં શું સમજે છે એનાં મનમાં? બુટ હારે જ ભીનાં પોંતા ઉપર હાલવા લાગ્યો. કંઈ  વિવેક જેવું શીખવાડે છે નિશાળમાં કે નહીં!”