ગુજરાતના શિક્ષણ વિભાગમાં વહીવટી ફેરફારોનો દોર યથાવત રહ્યો છે. તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારીનો ચાર્જ ગાંધીનગર ડીઇઓને સોંપવામાં આવ્યો છે, જેના કારણે શિક્ષણ વિભાગમાં નવેસરથી ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે માત્ર એક અઠવાડિયાના ગાળામાં ત્રીજા ડીઇઓની બદલી કરવામાં આવી હોય, જેના કારણે વહીવટી વર્તુળોમાં અનેક તર્કવિતર્ક શરૂ થયા છે.
અગાઉ અમદાવાદ ગ્રામ્યનો ચાર્જ અમદાવાદ શહેરના ડીઇઓ પાસે હતો. થોડા સમય પહેલાં જ અમદાવાદ ગ્રામ્ય ડીઇઓની બદલી કરવામાં આવી હતી, અને હવે ફરીથી ચાર્જમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવા વારંવાર બદલાતા નિર્ણયોને લઈને શિક્ષણ વિભાગની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠી રહ્યા છે.
આ ફેરફારો પાછળ રાજકીય દબાણ અને વહીવટી અસ્થિરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.શિક્ષણ વિભાગના કેટલાક માનીતા અધિકારીઓની ગોઠવણનો દોર ચાલી રહ્યો હોવાની ચર્ચાઓ પણ ગરમાઈ રહી છે. કેટલાક સંચાલકો અને બોર્ડના સભ્યોના દબાણને કારણે આવા નિર્ણયો લેવામાં આવી રહ્યા હોવાનો આક્ષેપ છે.







































