શિક્ષણ એ નિરંતર ચાલતી પ્રક્રિયા છે. શિક્ષણ દ્વારા વંચિતોને વિકાસના માર્ગે લઈ જવાની પારાશીશી છે. આજકાલ સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલોમાં ડિગ્રીઓ વેચાય છે. પૂજ્ય નાનાભાઈ ભટ્ટના શબ્દોમાં કહીએ તો શિક્ષણનું મુખ્ય કાર્ય જવાબદાર નાગરિક નિર્માણ કરવાના છે. વિદ્યાર્થીઓ પોતાની રીતે આજીવિકા કમાઈ શકે તેવા બુનિયાદી પ્રશિક્ષણ દ્વારા તેમનામાં વિવિધ કૌશલ્ય કેળવવાનું કામ શાળાઓએ કરવાનું છે. શાળા જ્ઞાનની ગંગોત્રી છે, ત્યાં બેઠેલો વિદ્યાર્થી એ રીતે ઘડાવો જોઈએ કે કોઈપણ ક્ષેત્રમાં પાછો ન પડવો જોઈએ. શાળામાં ગમે તેટલી ભૌતિક સગવડતા હોય પરંતુ તેને જે જ્ઞાન અને સંસ્કાર આપનાર ગુરુઓ તેજ તર્રાર નહીં હોય તો વિદ્યાર્થીઓ કઈ રીતે કેળવાશે ? ગામડાના બાળકોમાં અસીમ પ્રતિભા અને આંતરિક શક્તિઓ પડેલી હોય છે. તેમને યોગ્ય માર્ગદર્શન અને પ્રેરણા આપવાથી આ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી તેમના જ્ઞાનનો લાભ દેશને આપી શકે તેવી પ્રતિભાની ખોટ નથી. આવા હીરાઓને શાળાના શિક્ષકોએ શોધી પ્રોપર માર્ગદર્શન આપી જે તે ક્ષેત્રમાં મોકલવાથી તેનું ભાવિ યોગ્ય રીતે ઘડાશે. જેનો લાભ સમાજને સારી રીતે મળી શકશે. ૨૧મી સદી જ્ઞાન, વિજ્ઞાન, ટેકનોલોજીની છે. આજે જે શોધાય છે તે કાલે જૂનું થઈ જાય છે. એવા સમયે અપડેટ રહેવું પડે, આપડે અપ ટુ ડેટ રહીએ છીએ પરંતુ અપડેટ રહેતા નથી ત્યારે જ સમસ્યા ઊભી થાય છે. વિલેજથી વિશ્વ ફલક સુધી યાત્રા કરવી હોય તો નવું નવું સંશોધન કરવું પડે, તે પ્રમાણે આગળ વધવું પડે તો જ રિદ્ધિ અને સિદ્ધિના માર્ગ ખુલી શકે. ભારતની બૌદ્ધિક પ્રતિભા અદ્‌ભુત છે. અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા હંમેશા એવું કહેતા હતા કે ભારતનું ગણિત વિશ્વમાં પ્રથમ ફર્સ્ટ નંબરનું છે. મને ભારતના ગણિતની ઈર્ષા આવે છે. નાસામાં મોટાભાગના સાયન્ટિસ્ટો ભારતીય છે. આ દેશમાં તેમને યોગ્ય તક નથી મળી એટલે તેઓ ડોલરીયા નાગરિક બની ગયા છે. જો આ દેશમાં ઈસરો જેવી સંસ્થા દ્વારા તેમની યોગ્યતાને પ્રાધાન્ય આપી, એ પ્રમાણનું આર્થિક વળતર આપી તેમની બૌદ્ધિક ક્ષમતાનો ઉપયોગ દેશના વિકાસમાં કરવામાં આવ્યો હોત તો ભારત દસ અમેરિકા ખિસ્સામાં લઈને ફરી શકે તેટલી તાકાત ધરાવે છે. ભારત પાસે યુવાધન છે. પરંતુ આ યુવાધન મોબાઈલ, મસાલા અને મસ્ત રખડી ખાય છે. તેની જગ્યાએ તે જ સમયનો ઉપયોગ શિક્ષણની સાધના કરવામાં કરે તો તેનું તો ફ્યુચર સારું બને સાથે સાથે દેશને પણ લાભ થાય.મોટાભાગના મા-બાપો પોતાના બાળકોને જાતે કાર્ય કરવા માટે મુકત રાખી શકતા નથી. એડમિશન લેવાનું હોય તો પણ સાથે જાય, ફી ભરવાની હોય તો સાથે જાય, વિદ્યાર્થીને સ્વતંત્ર રીતે કોઈપણ કાર્ય કરવાની ફ્રીડમ આપતા નથી એટલે તેનો સર્વાંગી વિકાસ થતો નથી. ઘણી વખતે હું પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓને લોકસાહિત્યકાર અને પદ્મશ્રી ભીખુદાન ગઢવીની વાતો કરું છું. આ વાત એમ છે કે ઘણા બધા સ્નેહીજનો ગીરના પ્રવાસે જાય છે. તેમાં એક બેન એટલા બધા જાડા હોય છે તેમને પકડીને ટેમ્પોમાં બેસાડવામાં આવે છે. ટેમ્પો ગીરના જંગલમાં પહોંચી જાય છે અને જે પોતાની રીતે સશક્ત હતા તે ઉતરીને જંગલમાં વિહરવા નીકળી જાય છે ત્યારે પકડીને ટેમ્પોમાં બેઠાડેલ જાડા બેન પોતે સંબંધીઓ સાથે ફરવા માટે જીદ કરે છે અને ટેમ્પોમાંથી ઉતરે છે ચલાતું નથી. સંબંધીઓ ખૂબ આગળ નીકળી જાય છે. સંબંધીઓ ગીરના જંગલમાં ઘણા આગળ નીકળી જાય છે અને આ બેન ટેમ્પોથી થોડા દૂર ઊભા રહી જાય છે. થોડા સમય બાદ જંગલમાંથી એક સિંહ આ જાડા બેનને જોઈ જાય છે અને આ બેન પણ સિંહને જોઈ જાય છે. જેવો સિંહને જોયો એટલે ડર અને ભય જન્મ્યો, મોઢામાંથી અવાજ નીકળ્યો એ બાપા મરી ગઈ. સિંહ નજીક આવતો ગયો, પોતાના બચાવ માટેની પ્રવૃત્તિ કરવી જ રહી એટલે ઘોડાની જેમ દોડી, કૂદી અને ટેમ્પોમાં બેસી ગયા. આ શક્તિ ક્યાંથી આવી? આજના વિદ્યાર્થીઓએ વિચારવાની જરૂર છે. જેટલી સગવડો આપીએ છીએ ને તેટલી અગવડો ઊભી કરીએ છીએ. કંઈક નવું કરવાની ભાવના જાગશે એટલે નવા માર્ગ ખુલશે. આવી મોટીવેશનવાળી બાબતો અને ઉદાહરણો હું પ્રાર્થના સભામાં બાળકોને કહું છું. તમે લક્ષ્યને પકડો, લક્ષ્ય તમને મુકામ સુધી લઈ જશે. મેં પ્રમુખસ્વામી વિનય મંદિર નેનપુરમાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે હોદ્દો ગ્રહણ કર્યો તે દિવસથી સંકલ્પ કરી દીધેલો કે હું મારી શાળાને શ્રેષ્ઠ શાળા બનાવવા માટે આર્થિક ભંડોળ એકત્ર કરીશ. પારદર્શક રીતે હિસાબ રાખીશ અને મારા વિદ્યાર્થીઓ માટે માળખાગત સુવિધાઓ ઉભી કરીશ. એક વિચાર થકી પી.એસ.વી.એમ. નેનપુર નામનું ગ્રુપ બનાવ્યું. મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ મારી એક જ સૂચનાથી પોતાની પાસે જે સગવડ હતી તે પ્રમાણે આર્થિક સ્ત્રોતનો ધોધ વહેતો કરી દીધો. પહેલું પ્લાનિંગ બ્લોક નાખવાનું શરૂ કરી દીધું. બીજા જે સ્વપ્ન છે તે સાકાર કરવા ડા. અબ્દુલ કલામે કહ્યું હતું કે સ્વપ્ન જે આવે તેને પકડી રાખો અને તે પ્રમાણે તે પૂર્ણ કરવા ભગીરથ પ્રયાસ કરો. તમે તેમાં સફળ થશો. વિદ્યાર્થીઓમાં ગુરૂઓ પરત્વેની સારી ભાવના જાગૃત કરવી પડશે. મારા વિદ્યાર્થીઓ મને રૂબરૂ મળીને એવું કહે છે સાહેબ ચિંતા ના કરતા. અમે તમને તમામ મદદ કરીશું ત્યારે હું ગર્વથી કહી શકું છું કે મારા વિદ્યાર્થીઓ મારી તાકાત છે. વિદ્યાર્થીઓ મારૂં ગૌરવ છે. તેમના થકી જ હું સુવિધા ઉભી કરી રહ્યો છું. તેનો સાચો યશ મારા વિદ્યાર્થીઓ છે. નવા સત્રમાં મારા ભૂતપૂર્વ વિદ્યાર્થીની દીકરી ધોરણ નવમાં પ્રવેશ માટે આવી તે સમયે હું મારા બીજા એક વિદ્યાર્થી સાથે શાળાના આર્થિક વિકાસ માટે ચર્ચા કરતો હતો તે સમયે તે વિદ્યાર્થીએ મારી આ વાત સાંભળી અને મારી ઓફિસમાં આવીને કહેવા લાગ્યો કે સાહેબ હું મારી બે દિવસની દાડી(મજૂરી)ના પૈસા મારી દીકરી સાથે મોકલી આપીશ તે સમયે મારી આંખમાં આંસુ હતા. તેના ૪૦૦ રૂપિયા મારા માટે ચાર કરોડથી વધારે હતા. આપવાવાળા તો ઘણા છે પરંતુ મારે પણ મારી યોગ્યતા વિદ્યાર્થીના હૃદયમાં ઊભી કરવી પડશે તો જ લક્ષ્મી આવશે. પાઈ પાઈનો હિસાબ પારદર્શક રીતે રાખવો જ રહ્યો તો જ વિશ્વાસ સંપાદન થઈ શકે. શિક્ષણનું સાચું કાર્ય જ આ છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં કહીએ તો “ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્‌યા રહો.”તમારી ભાવના ભવ્ય અને પ્રામાણિક હોય દુનિયામાં તમે સફળ થઈ શકો છો. પુરુષાર્થ કરવામાં ક્યારેય પણ પાછા નહીં પડવું. મહેનત મુકામ સુધી પહોંચાડે છે. ‘બાંધેલો ભૂખ્યો મરે અને ખુલ્લો ચરે’ આ વાતને તમારા કેન્દ્રસ્થાને રાખજો. શિક્ષણ એ સિંહણનું ધાવણ છે તેનામાં જ પરિવર્તન લાવવાની અદ્‌ભુત તાકાત છે. શિક્ષક અને આચાર્યની પદ- પ્રતિષ્ઠા થકી સમાજમાં ગુરુ તરીકે પૂજનીય બનવું હોય તો વિદ્યાર્થીઓના નવસર્જન માટે સતત કાર્ય કરવા પડશે. એક વખત મનમાં નક્કી કરી દો કે મારે કંઈક કરવું જ છે તો ઈશ્વર તમને નવો માર્ગ અને નવી કેડી કંડારવા માટે સદ્‌બુદ્ધિ આપશે. તે બુદ્ધિ થકી તમો તમારા ભાવિ સમા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ વ્યવસ્થા ઊભી કરી શકશો. શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં જોડવા અને ક્રિયાત્મક પ્રવૃત્તિ થકી તેમની સુષુપ્ત શક્તિઓને ઊજાગર કરવા માટે કટિબદ્ધ રહેશો તો અચૂક સફળતા મળશે. મારા વિદ્યાર્થીઓ મારું ગૌરવ છે. ગુરુ તમે ચિંતા ના કરતા બધુ થઈ જશે. બસ આ જ મારા સ્લોગન થતી વન વિઝન, વન ટીમ, વન મિશન થકી મારી શાળા શ્રેષ્ઠ શાળા બને તેવા પુરુષાર્થ થતી કાર્ય કરતો રહું તે જ સાચું શિક્ષણ. જય હો નેનપુર શાળાનો. ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨