ચાણક્ય કહે છે કે, શિક્ષક ક્યારે પણ સાધારણ હોતો નથી. સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ કરે છે. શિક્ષકો સમાજનું દર્પણ છે. તેમના થકી રાષ્ટ્રની નીવ મજબૂત બનતી હોય છે. આજે વર્ગમાં માત્ર પાઠ્યપુસ્તક પૂરતું શિક્ષણ આપવાથી બાળકનો સર્વાંગી વિકાસ નહીં થાય. તેને વિષયને અનુરૂપ સંદર્ભ અને પ્રસંગો કહેવા પડશે.
શિક્ષણએ માત્ર પાઠ્યપુસ્તકોનું જ્ઞાન આપવાનું કાર્ય નથી, પરંતુ માનવીના હૃદય સુધી પહોંચવાનું એક દૈવી સાધન છે. શિક્ષક વર્ગખંડમાં પ્રવેશે ત્યારે તે બાળકોના હૃદયમાં આનંદની લાગણી વ્યક્ત થવી જોઈએ, તેને વર્ગમાં ભણવું ગમે તેવું સર્જનાત્મક કામ કરનાર શિક્ષક આ રાષ્ટ્રનું ધન છે. શિક્ષક પોતે બાળક બની જાય, બાળકોની નજરથી દુનિયાને જુએ, તેમની ભાષામાં વાત કરે, તેમની લાગણીઓ સમજે ત્યારે જ તે ખરેખર શિક્ષક બને છે. કારણ કે શિક્ષણનું મૂળ તત્વ છે સંવાદ, સહાનુભૂતિ અને પ્રેમપૂર્વક વિદ્યાર્થીનું ઘડતર કરવાનું છે.
શિક્ષકનો અર્થ “શિક્ષણ આપનાર” એટલો જ નથી. “શિક્ષક” શબ્દ ‘શિક્ષા’માંથી ઉત્પન્ન થયો છે, જેનું મૂળ લક્ષ્ય છે “જીવન જીવવાની કળા શીખવવી.” જો શિક્ષક માત્ર “સાહેબ” તરીકે વર્ગખંડમાં બેઠો હોય ત્યારે ગંભીર ચહેરા સાથે, ડર અને શિસ્તનું વાતાવરણ જાળવી રાખે તો બાળકોના મનમાં ડર ઉત્પન્ન થાય છે. શીખવાના સમયે વર્ગમાં શિસ્ત પણ અનિવાર્ય છે. બાળકની ભૂલ થઈ હોય તેમાં માર્ગદર્શન આપે તો બાળકના મનમાં શિક્ષક માટે આદર અને પ્રેમ જન્મે છે. શિક્ષકનું બાળક બનવું કેમ જરૂરી? બાળકનું મન ખૂબ નાજુક અને સંવેદનશીલ હોય છે. તે પ્રેમ, હાસ્ય અને ઉત્સાહથી ભરેલું હોય છે. જો શિક્ષક બાળકની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો સમજી શકશે નહીં, તો શિક્ષણ એકતરફી પ્રવૃત્તિ બની રહેશે.
શિક્ષક બાળક બને એટલે તે બાળકની દુનિયામાં પ્રવેશી જાય છે. તેનાં રમકડાં, ગીતો, કલ્પનાઓ, પ્રશ્નો અને ઉત્સુકતા સાથે જીવવા લાગે છે. બાળકની અંદર રહેલ કૌશલ્ય, આવડત, રસ-રૂચી અને સર્જનાત્મક પ્રવૃત્તિને સમજી શકવા માટે શિક્ષકે બાળકમય બનવું પડે.શિક્ષક પોતાના વર્ગમાં અધ્યાપન કાર્ય કરતો હોય ત્યારે તેમના સંદર્ભ અને પ્રોજેક્ટને ધ્યાનમાં રાખી વિદ્યાર્થીઓની શીખવાની પ્રક્રિયાને કેન્દ્રસ્થાને રાખી અધ્યયન કાર્ય કરે છે. તેના પૂર્વજ્ઞાનને ચકાસી વિષય પ્રવેશ કરાવે છે. જેનાથી બાળકની સમજણ શક્તિ વ્યાપક બને છે. સરળતાથી કઠિનતા તરફ લઈ જવાની આવડત શિક્ષકનું ઘરેણું છે.
બાળક મનનું વિજ્ઞાન, બાળકની મનોદશા અલગ છે. તેને કુતૂહલ ગમે છે, પ્રોત્સાહન જોઈતું હોય છે, ભૂલને શીખવાની તક તરીકે જોવાની જરૂર છે. શિક્ષક જો બાળકની જેમ હસે, રમે, ગીત ગાય, વાર્તા કહે તો તે બાળકના મનમાં પ્રવેશે છે. આ રીતે શિક્ષક બાળકની વિશ્વાસની સીમામાં પ્રવેશી શકે છે અને જ્યાં વિશ્વાસ છે ત્યાં શિક્ષણ આપોઆપ ફૂલે ફાલે છે. શિક્ષકનું માર્ગદર્શન અસરકારક હોવું જોઈએ. બાળકોની સુષુપ્ત શક્તિઓને ઓળખી તેને શૈક્ષણિક અને સાંસ્કૃતિક કલા તરફ વાળવા જોઈએ. કેટલાક બાળકો તોફાની હોય પરંતુ તેની બૌદ્ધિક ક્ષમતા શ્રેષ્ઠ હોય તેવા બાળકને પોતાની પાસે બોલાવી શાંતિ અને શિસ્તથી સમજાવવાની જરૂર છે. બાળકોનું હોમવર્ક તેમજ રોજબરોજ તૈયારી કરે છે તેના ઉપર ધ્યાન આપવાની તાતી જરૂરિયાત છે. બાળકો આપણા અન્નદાતા છે. તેમને શ્રેષ્ઠ શિક્ષણ આપવું તે જ આપણું કર્મ હોવું જોઈએ. ધાક-ધમકી કે પરીક્ષામાં નાપાસ કરવો છે તે શિક્ષણનું અપવ્યય લક્ષણ છે.
બાળકો સાથે ખુશ રહીને અભ્યાસ કરાવો. ઘરના ટેન્શન લઈને વર્ગમાં પ્રવેશ કરો ત્યારે અસરકારક શિક્ષણ આપી શકાતું નથી. બાળકોને ટેકનોલોજી તરફ વાળવાની જરૂર છે. બાળકોને કાર્ય કરતા કરવાના છે. આપણે માત્ર માર્ગદર્શક તરીકે શૈક્ષણિક કાર્ય કરીએ. બાળકોનું જૂથ બનાવી અધ્યયન કાર્ય કરવા માટે પ્રેરણા આપીએ.બાળકોને વિશ્વ ફલકની રોજબરોજની ઘટનાઓ કહેવી જોઈએ તેના માટે સમય મર્યાદાને કેન્દ્રસ્થાને રાખી રજૂઆત કરવી જોઈએ. બાળકની અંદર પડેલા કૌશલ્યોને કંડારવા માટે શાળાઓ છે. આ બાબત દરેક શિક્ષક મિત્રોએ શીખી લેવાની જરૂર છે.
બોર્ડ પરીક્ષા આવવાની હોય તે સમયે બાળકો ઉપર એટલો બધો તનાવ નાખવામાં આવે છે જાણે કે, પાકિસ્તાનના આતંકવાદીઓ વર્ગખંડમાં પ્રવેશી ચૂક્યા હોય તેવી પ્રતીતિ કરાવે છે. વિદ્યાર્થીઓને ખુશ રાખવાની કલા એ શિક્ષકનો પહેલો ગુણ છે. દ્ગઈઁ ૨૦૨૦ (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) પણ આ વાત પર ભાર મૂકે છે કે શિક્ષણ રમૂજથી, આનંદથી અને સંબંધોના માધ્યમથી આપવું જોઈએ. દ્ગઈઁ માં બાળકની અંદર પડેલી સર્જનાત્મક પ્રવૃત્તિ થતી સર્વાંગી વિકાસ તેનો મુખ્ય હેતુ છે.
“શિક્ષણ” એ માત્ર “બતાવવું” નહીં પણ “જગાડવું” છે. બાળકની અંદર રહેલું જ્ઞાન, બુદ્ધિ અને ભાવ જગાડવા માટે શિક્ષકને બાળકના હૃદય સુધી પહોંચવું પડે. અને તે ત્યારે જ શક્ય બને, જ્યારે તે પોતે બાળકની જેમ નિર્દોષ, ઉત્સુક અને પ્રામાણિક બને.
સાચો શિક્ષક એ નથી જે પોતાના અધિકારથી શીખવે, પરંતુ એ છે જે બાળકની દુનિયામાં પ્રવેશે, તેમની આંખોમાં જોઈને, તેમની ભાષામાં બોલીને તેમના હૃદયમાં જ્ઞાનનો દીવો પ્રગટાવે એ સાહેબ.” તરીકે શિક્ષક માત્ર વર્ગનું શાસન કરી શકે, પરંતુ “બાળક” બનીને શિક્ષક બાળકોના હૃદયમાં સ્થાન મેળવે છે. જ્યાં હૃદય જીતી શકાય ત્યાં જ જ્ઞાનના બીજ વાવી શકાય. બાળકો માટે કામ કરવાનું સદ્ભાગ્ય સૌ શિક્ષક મિત્રોને મળ્યું છે ત્યારે માત્ર નોકરી ન કરતા એક કર્મયોગી અને કર્મશીલ શિક્ષક બનીને દેશના ભવિષ્યને ઉજ્જવળ તેમજ પ્રગતિશીલ બનાવીએ. આજકાલ શિક્ષકનું સમાજમાં માન કેમ ઘટ્યું છે તેના ઉપર પીએચ.ડી. કરવાની જરૂર છે. બાળદેવો ભવઃ MO.૯૮૨૫૭૦૨૨૮૨











































