અમદાવાદની સ્પેશિયલ પોસ્કો કોર્ટે ૧૫ વર્ષની સગીરા સાથે શારીરિક અડપલાં કરી અને તેના ગુપ્ત ભાગે બચકાં ભરી ગંભીર જાતીય અત્યાચાર આચરનાર શિક્ષક સામે કડક વલણ અપનાવતા મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કાગડાપીઠ વિસ્તારમાં નોંધાયેલા આ કેસમાં કોર્ટે આરોપી શિક્ષક કમલેશ ભૂપતભાઈ ચારણને દોષિત ઠેરવી ૫ વર્ષની સખત કેદ અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટે નોંધ્યું હતું કે, પવિત્ર વ્યવસાયને કલંકિત કરનારા આવા નરાધમો પ્રત્યે જા નરમ વલણ અપનાવવામાં આવે, તો સમાજમાં તેની અત્યંત વિપરીત અને ઘાતક અસર પડી શકે છે.
કેસની વિગતો મુજબ, બહેરામપુરા વિસ્તારમાં રહેતો કમલેશ ચારણ પોતાના ઘરે ‘સરસ્વતી ટ્યુશન ક્લાસીસ’ ચલાવતો હતો. ભોગ બનનાર ૧૫ વર્ષીય સગીરા ધોરણ-૧૦માં અભ્યાસ કરતી હતી અને ટ્યુશન માટે ત્યાં જતી હતી. ડિસેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન આરોપીએ સગીરાને ટ્યુશન બાદ વધારાના સમય માટે રોકી રાખી તેની ઇચ્છા વિરુદ્ધ શારીરિક અડપલાં કર્યા હતા. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન પણ સગીરા સાથે ગંભીર પ્રકારની જાતીય સતામણી અને શારીરિક અત્યાચાર આચર્યો હતો.
આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દિલીપસિંહ એમ. ઠાકોરે દસ્તાવેજી અને મેડિકલ પુરાવાઓ રજૂ કરીને કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે આરોપીએ શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયનો દુરુપયોગ કરીને સગીરાની જાતીય સતામણી કરી હતી.
સુનાવણી દરમિયાન એક ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભોગ બનનાર સગીરા અને તેની માતા કોર્ટમાં પોતાની અગાઉની ફરિયાદથી ફરી ગયા હતા. બંનેને કોર્ટે ‘હોસ્ટાઇલ’ જાહેર કર્યા હતા. સગીરાએ કોર્ટમાં આરોપીના બચાવમાં નિવેદન આપતાં કહ્યું હતું કે તેની સાથે કોઈ દુષ્કૃત્ય થયું નથી અને ફરિયાદ ગેરસમજના આધારે નોંધાઈ હતી.
જાકે, કોર્ટે આ દલીલોને સ્વીકારી નહોતી. કોર્ટે નોંધ્યું કે સગીરાએ અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ આપેલા નિવેદનમાં સમગ્ર ઘટનાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. ઉપરાંત, સિવિલ હોસ્પિટલના ડોક્ટરની જુબાની અને મેડિકલ પુરાવાઓ પણ આરોપી વિરુદ્ધ મજબૂત સાબિત થયા હતા. સ્પેશિયલ પોસ્કો જજ એચ.એન. દેસાઈએ પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે શિક્ષક જેવા પવિત્ર વ્યવસાયને કલંકિત કરનારા આરોપીઓ પ્રત્યે નરમ વલણ અપનાવવાથી સમાજ પર ગંભીર અને નકારાત્મક અસર પડી શકે છે. તમામ પુરાવાઓના આધારે કોર્ટે કમલેશ ચારણને દોષિત ઠેરવી ૫ વર્ષની સખત કેદ અને દંડની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.







































