અમરેલી જિલ્લામાં સિંહ-દીપડાઓનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. જેમાં ખાસ કરીને જંગલ વિસ્તારની નજીક આવેલા શહેરોમાં સિંહો શિકારની શોધમાં આવી ચડતા હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાઈ જાય છે. ભૂતકાળમાં ધારી પંથકમાં વન્યપ્રાણીઓ દ્વારા માનવી પરના હુમલાઓ પણ નોંધાઈ ચુકયા છે ત્યારે વન્યપ્રાણીઓને જંગલ વિસ્તાર સુધી સિમિત રાખવામાં વનવિભાગ ઉણુ ઉતર્યુ છે. ધારી શહેરમાં ગત રાત્રિના એક સાથે પાંચથી છ જેટલા સિંહ શિકારની શોધમાં ઘૂસી આવ્યાની ઘટના બનવા પામી છે. સિંહોએ ચાર જેટલા પશુઓનું મારણ કરતા શહેરીજનો પણ ફફડી ઉઠયા હતા. સિંહના ટોળાએ પશુઓનો શિકાર કરતા માલધારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.