મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શિવસેનાએ વ્હિપ જાહેર કરીને પોતાના તમામ ધારાસભ્યોને સીએમ હાઉસ પહોંચવાનો આદેશ આપ્યો છે અને ગેરહાજર રહેનાર સામે એક્શન લેવાની ચેતવણી આપી છે. આ પછી એકનાથ શિંદેના ટ્‌વીટથી ભારે ખળભળાટ થઈ ગયો છે.
શિંદેએ કહ્યું છે કે વ્હિપ ગેરકાયદેસર છે. આ ઉપરાંત તેમણે સુનીલ પ્રભુને હટાવીને ભરત ગોગાવલેને પોતાનો વ્હિપ બનાવી દીધો છે. એટલે કે શિંદેએ હવે શિવસેના પર દાવો રજૂ કર્યો છે. આ સાથે તેમણે ૩૪ ધારાસભ્યોના સમર્થન વાળો પત્ર પણ રાજ્યપાલ અને ડેપ્યુટી સ્પીકરને મોકલ્યો છે.
ઉદ્ધવ ઠાકરેએ કેબિનેટ બેઠક બોલાવી હતી. જેમા ૮ મંત્રીઓ ગેરહાજર રહ્યા હતા. આ ૮ મંત્રીમાં એકનાથ શિંદે, ગુલાબરાવ પાટિલ, દાદા ભૂસે, સંદીપન ભુમરે, અબ્દુલ સત્તાર, શંભૂરાજ દેસાઈ, બચ્ચુ કડૂ અને રાજેન્દ્ર યેદ્રાવકરનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ આ બેઠકમાં વર્ચ્યુઅલી જાડાયા હતા. કોંગ્રેસના નેતા કમલનાથને પણ મળ્યા ઉદ્ધવને મળી શક્યા નથી. શિવસેનાના ધારાસભ્યોને સાંજે ૫ વાગ્યે CM ઓફિસ પહોંચવાનો આદેશ અપાયો છે.
ઉદ્ધવ ઠાકરે સરકાર વિધાનસભા ભંગ કરી શકે છે. શિવસેના સાંસદ સંજય રાઉતે આ સંકેત આપ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર લખેલી પોસ્ટમાં કહ્યું છે કે મહારાષ્ટ્રમાં જે પોલિટિકલ હલચલ ચાલી રહી છે, એ વિધાનસભા ભંગ કરવાની દિશામાં આગળ વધી રહી છે. રાજકીય ધમસાણ વચ્ચે આદિત્ય ઠાકરેએ પોતાના ટ્વિટર પરથી મંત્રીપદ હટાવી દીધું છે. આદિત્ય ઠાકરે મહારાષ્ટ્ર સરકારમાં પ્રવાસન અને પર્યાવરણ વિભાગના મંત્રી છે. મહારાષ્ટ્રના બળવાખોર ધારાસભ્યો હવે ગુજરાતથી આસામ પહોંચ્યા છે. એકનાથ શિંદે સહિત ૪૦ બળવાખોર ધારાસભ્યો બુધવારે સવારે સ્પેશિયલ ફ્લાઇટ દ્વારા સુરતથી ગુવાહાટી પહોંચ્યા હતા. ભાજપના નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટની બહાર ત્રણ બસ દ્વારા તેમને હોટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ દરમિયાન સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અહીં એકનાથ શિંદેએ ફરી જણાવ્યું હતુ કે અમે બાળાસાહેબ ઠાકરેના હિંદુત્વને આગળ લઈ જઈશું. અગાઉ તેમણે સુરત એરપોર્ટ પર કહ્યું હતું કે અમે બાળાસાહેબ ઠાકરેનું હિન્દુત્વ છોડ્યું નથી. હું ઈચ્છું છું કે ઉદ્ધવ ઠાકરે ભાજપ સાથે મળીને સરકાર બનાવે. અમારી સાથે ૪૦ ધારાસભ્ય ગુવાહાટી આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે ૩૩ ધારાસભ્ય શિવસેનાના છે અને ૭ ધારાસભ્ય અપક્ષના છે.
ધારાસભ્ય નીતિન દેશમુખને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની સાથે મારપીટ કરી હોવાના આક્ષેપ કરાયા હતા, એ બાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમનાં પત્નીએ અકોલામાં તેમના ગુમ થવાની ફરિયાદ લખાવી હતી. હવે મહારાષ્ટ્ર પોલીસની એક ટીમ સુરત પહોંચવાની છે. આ સહિત ૪૧ બળવાખોર ધારાસભ્યો હતા.ઠાકરે સરકારના મંત્રી નારાજ નેતાઓને મનાવવાના ઘણા પ્રયાસ કરી રહ્યાં છે. શિંદે કંઈ એક જ રાતમાં બળવાખોર નેતા નથી બન્યા પરંતુ આ માટેની સ્ક્રીપ્ટ રાજ્યસભાની ચૂંટણી પહેલાંથી લખવાની શરૂ થઈ હતી. મંત્રી તરીકે એકનાથ શિંદેના અનેક નિર્ણયો પર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અવગણ્યા અને તેને રોકી દીધા. પ્રમુખ સચિવોની મદદથી તેમના વિભાગની ફાઈલને પણ અટકાવી દેવામાં આવતી હતી. આ ઉપરાંત શિવસેના હિન્દુત્વના મુદ્દેથી દૂર જઈ રહ્યું હતું તે પણ શિંદેને ખટકી રહ્યું હતું. તેથી મહારાષ્ટ્રમાં ઓપરેશન લોટસની શરૂઆત થતાં જ શિંદે બળવાખોર બની ગયા.
મહારાષ્ટ્રમાં જ્યારે ભાજપ-શિવસેના ગઠબંધન સરકાર હતી ત્યારે શિંદે મંત્રી હતા. આ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનો ડ્રીમ પ્રોજેક્ટ સમૃદ્ધિ એક્સપ્રેસ લાવવામાં આવ્યો. આ દરમિયાન એકનાથ શિંદે અને ફડણવીસ વચ્ચે મજબૂત રાજકીય મિત્રતા થઈ ગઈ જે આજે પણ અકબંધ છે. આ મિત્રતા ઉદ્ધવને પસંદ નથી. તેથી તેમની શિંદે પ્રત્યેની નારાજગી વધતી ગઈ. તો અન્ય શિવસેનાના નેતાઓને પણ એકનાથ શિંદેના ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેના ખાસ કરીને દેવેન્દ્ર ફડણવીસ સાથેના સારા સંબંધ પસંદ ન હતા.
હકિકતમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ફડણવીસની સમૃદ્ધિ એક્સપ્રેસમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરીને ભાજપને ઘેરવા માગતા હતા. શિવસેના તેના માટે એકનાથ શિંદેનો ઉપયોગ કરવા ઈચ્છતી હતી. પરંતુ ફડણવીસ ફસાય તો એકનાથ પણ ફસાશે તેવો તેમને ડર હતો. કેમકે પ્રોજેક્ટની શરૂઆત જ્યારે થઈ ત્યારે શિંદે જ કેબિનેટ મંત્રી હતા. જે બાદ સંજય રાઉત અને અનિલ પરબ સહિત અનેક વરિષ્ઠ શિવસેના નેતા પણ શિંદે વિરૂદ્ધ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના કાન ભરવા લાગ્યા હતા.
દેશની આર્થિક રાજધાની મુંબઈની ડીપીઆર તૈયાર કરતી વખતે એકનાથ શિંદેએ શહેરી વિકાસ મંત્રી તરીકે કેટલાંક નિર્ણય લીધા. આ નિર્ણયોને બાદમાં મુખ્યમંત્રીએ સંબંધિત વિભાગના સચિવની મદદથી રોકી દીધા હતા. શિંદે થાણે, રાયગઢ અને પાલઘર જિલ્લાનાં કેટલાંક આઇએએસ અને ડેપ્યુટી કલેક્ટરની નિમણૂંક કરવા ઈચ્છતા હતા. મુખ્યમંત્રીએ તેમની નિમણૂંક પણ ન થવા દીધી. વિધાન પરિષદની ચૂંટણીમાં એકનાથ શિંદેએ નંબર એક રાજનીતિક પદ પર હોવા છતાં શિવસેનાના પદાધિકારીઓને મહત્વ આપવામાં આવ્યું.
મુખ્યમંત્રી ઠાકરે સતત એકનાથ શિંદેના વિભાગની ફાઈલ રોકી રહ્યાં હતા. શિંદે તેમને મળવા જતા તો ઠાકરે તેમને લાંબી રાહ જાવડાવતા હતા. બીજી બાજુ એકનાથ શિંદે પણ નારાજ હતા કે શિવસેના હિન્દુત્વના મુદ્દાથી દૂર થઈ રહી છે. શિંદે થાણે નગર નિગમની ચૂંટણી એકલા હાથે લડવા માગતા હતા પરંતુ સંજય રાઉત સહિત કેટલાંક નેતા તેમના પર એનસીપીની સાથે મળીને ચૂંટણી લડવાનો દબાણ કરતા હતા. આ રાજકીય મુદ્દાઓથી નારાજ એકનાથ શિંદેએ વિધાનસભા ચૂંટણીમાં મહાવિકાસ અઘાડી સરકારને ઘટતાં સમર્થનને જાઈને વિદ્રોહ કરી દીધો.
જા મહારાષ્ટ્રમાં સરકાર બદલાય છે તો ફડણવીસ એકનાથ શિંદેને નાયબ મુખ્યમંત્રી બનાવવા માગે છે. તે માટે તેઓ પાર્ટીના વરિષ્ઠ નેતાઓની મંજૂરી ઈચ્છે છે. જેનાથી પ્રદેશમાં ભાજપની સરકાર બનવામાં કોઈ રાજકીય અડચણ ન આવે. આ ઉપરાંત પાર્ટીના નેતા એવું પણ જાણવા માગતા હતા કે શિંદેના સાથ આવવાથી મુંબઈ અને થાણે સહિત ૧૪ નગર નિગમમાં ભાજપને કેટલો રાજકીય ફાયદો મળશે. શિંદેના પુત્ર શ્રીકાંત એકનાથ શિંદે કલ્યાણથી સાંસદ છે. શું તેમને કેન્દ્રમાં કંઈ જવાબદારી આપવામાં આવી શકે છે? ફડણવીસ દિલ્હીમાં હાઈકમાન્ડ સાથે આ મુદ્દે પણ ચર્ચા કરવા માગતા હતા.