ગીર સોમનાથના સૌથી મોટા ડેમ, શિંગવડા ડેમમાંથી ૧૨ ગામોના ખેડૂતોને શિયાળુ પાક માટે પાણી આપવાનું શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે. કોડીનાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા આ ૧૨ ગામોના ખેડૂતો માટે શિંગવડા ડેમનું પાણી જીવાદોરી સમાન છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે અહીંના ૪ ગામોમાં તો પાણીનો અભાવ જોવા મળે છે. આવા સંજોગોમાં શિંગવડા ડેમનું પાણી મળવું એ ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે. સિંચાઈ સલાહકાર સમિતિની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ અને ખેડૂતો સાથેની ચર્ચા બાદ, શિંગવડા ડેમમાંથી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું છે. હાલમાં કેનાલમાં ૬૦ ક્યુસેક પાણીનો પ્રવાહ ચાલુ છે, જે ખેડૂતોના ખેતરો સુધી પૂરતું પાણી પહોંચાડવા માટે પૂરતું છે. ખેડૂતોએ ઘઉં, ચણા, રાયડો જેવા શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. શિંગવડા ડેમનું પાણી મળવાથી આ પાકને લાભ થશે. ખેડૂતોએ જણાવ્યું હતું કે, આ કેનાલ જ અમારી જીવાદોરી છે. ઠંડી શરૂ થઈ ચૂકી છે. અમે ઘઉંનું વાવેતર કર્યું છે. કેનાલનું પાણી મળવાના કારણે સારૂ એવું ઉત્પાદન લઈ શકાશે.