પાકિસ્તાન ક્રિકેટની હાલત છેલ્લા કેટલાક સમયથી ખાસ નથી. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં લીગ સ્ટેજમાંથી બહાર થયા બાદ આ વર્ષે પણ ટીમ ટી ૨૦ વર્લ્ડ કપના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. છેલ્લા એક વર્ષમાં ટીમમાં ઘણા મોટા ફેરફાર થયા છે. જેમાં પીસીબીના અધ્યક્ષથી લઈને કેપ્ટન સુધીનો સમાવેશ થાય છે. ગયા વર્ષે વનડે વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ બાબર આઝમે ત્રણેય ફોર્મેટના સુકાનીપદેથી રાજીનામું આપી દીધું હતું. આ પછી શાહીન આફ્રિદીને ટી ૨૦ અને શાન મસૂદને ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે,ટી ૨૦ વર્લ્ડ કપ પહેલા,ટી ૨૦ કેપ્ટન્સી શાહીન પાસેથી છીનવી લેવામાં આવી હતી અને ફરીથી બાબરને સોંપવામાં આવી હતી. આ અંગે ભારે હોબાળો થયો હતો. હવે આ મામલે ટીમના પૂર્વ કેપ્ટન મોઈન ખાને નિવેદન આપ્યું છે, જે ૧૯૯૨ની વર્લ્ડ કપ વિજેતા પાકિસ્તાની ટીમનો ભાગ હતો. તેણે કહ્યું છે કે શાહીનને સુકાનીપદેથી હટાવવો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો ખોટો નિર્ણય હતો.
સુકાનીપદ ગુમાવતા પહેલા શાહીનના નેતૃત્વમાં પાકિસ્તાનની ટીમ ન્યુઝીલેન્ડ સામેની ટી૨૦ શ્રેણી ૪-૧થી હારી ગઈ હતી. પાકિસ્તાનના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટ્‌સમેન મોઈન ખાને કહ્યું કે શાહીનને ટી૨૦ કેપ્ટન તરીકે હટાવવો અન્યાયી હતો. તેને વધુ સમય આપવો જોઈતો હતો. મોઇને ક્રિકેટ પાકિસ્તાનને કહ્યું, ‘શાહીન આફ્રિદીમાં ટીમનું નેતૃત્વ કરવાની ક્ષમતા છે અને અન્ય ખેલાડીઓ પણ તેને ખૂબ પસંદ કરે છે. ટી૨૦માં કેપ્ટનશિપ માટે તે શ્રેષ્ઠ પસંદગી છે. વ્હાઇટ બોલ ક્રિકેટમાં મને નથી લાગતું કે આ ભૂમિકા માટે અન્ય કોઈ યોગ્ય છે. તેને સુકાનીપદેથી હટાવવાનું અન્યાય હતું. તે સર્વશ્રેષ્ઠ ‌૨૦ ખેલાડીઓમાંનો એક છે અને તેને સુકાનીપદેથી હટાવવામાં આવ્યા બાદ મેં તેના પ્રદર્શનમાં થોડો ઘટાડો જાયો છે. જો તમે ખેલાડીઓને વિશ્વાસ નહીં આપો તો સારા પ્રદર્શનની આશા કેવી રીતે રાખી શકો. તેને કેપ્ટન તરીકે થોડો સમય મળવો જોઈતો હતો.
કેટલાક મીડિયા રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો છે કે બાબર આઝમની જગ્યાએ મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનના વ્હાઇટ બોલ ફોર્મેટનો કેપ્ટન બની શકે છે. આના જવાબમાં મોઈને કહ્યું, ‘ક્રિકેટના તમામ ફોર્મેટ માટે એક જ કેપ્ટનની નિમણૂક કરી શકાય છે, પરંતુ આ હાંસલ કરવા માટે કોઈપણ ખેલાડી માટે તમામ ફોર્મેટમાં પ્રદર્શન કરવું મહત્વપૂર્ણ છે. જે પણ કેપ્ટન બને તેની પાસે લાંબા સમય સુધી જવાબદારી હોવી જોઈએ. મોહમ્મદ રિઝવાનની ક્ષમતાઓ પર કોઈ શંકા નથી. તેમની સામે કોઈપણ ટીકા તેમની ઉંમરને કારણે હોઈ શકે છે. જો નેતૃત્વ આપવામાં આવે તો તે કેટલો સમય ટીમનું પ્રતિનિધિત્વ કરી શકશે તે પણ વિચારવું જરૂરી છે. મોહમ્મદ રિઝવાન થોડા સમય માટે સુકાની બની શકે છે, પરંતુ તમારે ભવિષ્યમાં સુકાનીપદ સંભાળવા માટે યુવા ક્રિકેટરને તૈયાર કરવાની જરૂર છે. અમે ઘણીવાર કેપ્ટનની નિમણૂક કરીએ છીએ, પરંતુ યોગ્ય ડેપ્યુટી તૈયાર કરવામાં નિષ્ફળ જતા હોઈએ છીએ.